વિશ્વમાં ચાલી રહેલી અરાજકતા અને ઊથલપાથલ વચ્ચે યુએસ પ્રમુખ ટ્રમ્પે યૂક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ દુર્લભ ખનિજ સોદો કરવામાં પીછેહઠ કરી રહ્યા છે. જો તેઓ ખનિજ સોદો નહીં કરે તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે ઝેલેન્સ્કી ખનિજ સોદો કરવામાં પીછેહઠ કરવાની કોશિશ કરી રહ્યા છે. જો તેઓ આવું કરશે તો તેમના માટે ગંભીર સમસ્યાઓ ઊભી થશે. યૂક્રેન ક્યારેય ગ્દછ્ર્ંનું સભ્ય બની શકશે નહીં. ઝેલેન્સ્કીએ હવે નાટોની મેમ્બરશિપ ભૂલી જવી પડશે. જો ઝેલેન્સ્કીને એવું લાગતું હોય કે તેઓ આ સોદા અંગે વાતચીત કરીને બચી શકશે તો એવું ક્યારેય થશે નહીં. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે રશિયાનાં પ્રમુખ પુતિન યૂક્રેન સાથે યુદ્ધવિરામ સમજૂતીમાં અવરોધો સર્જી રહ્યા છે. તેમણે કહ્યું કે હું પુતિનથી ઘણો નારાજ છું. તેમણે પુતિનને ધમકી આપી હતી કે જો તેઓ યુદ્ધવિરામમાં અવરોધો સર્જવાની કોશિશ કરશે તો રશિયાના ઓઈલ પર 25 ટકાથી લઈને 50 ટકા સુધીની સેકન્ડરી ટેરિફ લગાવવામાં આવશે. જો રશિયા હવે યૂક્રેન સાથે યુદ્ધ બંધ કરવા કોઈ સમજૂતી કરશે નહીં તો તે રશિયાની મોટામાં મોટી ભૂલ હશે.
ટ્રમ્પની શાંતિનાં દૂત બનવાની ઇચ્છા સામે રોડાં:
ટ્રમ્પ સત્તામાં આવ્યા તે પહેલા ચૂંટણી પ્રચાર વખતે તેમણે એવું કહ્યું હતું કે જો તેઓ યુએસ પ્રમુખ બનશે તો રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ તરત જ બંધ કરાવશે. આ વાતને આજકાલ કરતા 3 મહિના થઈ ગયા છે. આમ છતાં યુદ્ધ બંધ થવાના કોઈ અણસાર દેખાતા નથી. આથી ટ્રમ્પ ગુસ્સે થયા છે અને નારાજ થઈને વારંવાર પુતિન અને ઝેલેન્સ્કીને ધમકીઓ આપી રહ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે સાઉદી અરેબિયા અને વ્હાઈટ હાઉસમાં સતત વાતચીત થઈ રહી છે. ક્યારેક તેમાં રશિયા રોડાં નાંખે છે તો ક્યારેક યૂક્રેનની શરતો અવરોધો સર્જે છે. આમ ટ્રમ્પનું પીસ મેકર એટલે કે શાંતિ દૂત બનવાનું સપનું રોળાઈ રહ્યું છે.


