અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં એક દર્દનાક ઘટના સર્જાઈ છે. અહીં એક ફુલ સ્પીડથી આવતાં ટ્રકે ભીડને ટક્કર મારી દીધી હતી. એકત્ર થયેલાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતાં ત્યારે જ ટ્રક લોકોના ટોળાં પર ફરી વળતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 30થી વધુ લોકો ઘવાયા હતાં.
આ ઘટના બુધવારે સવારે લગભગ 3:15 કલાકે બોરબન સ્ટ્રીટ અને ઇબર્વિલેના ચાર રસ્તા પર સર્જાઈ હતી. આ ચાર રસ્તાનો વિસ્તાર તેની નાઇટલાઇફ અને પોતાના વાઈબ્રન્ટ કલ્ચર માટે સુપ્રસિદ્ધ છે. અહેવાલો અનુસાર ડ્રાઇવરે ટ્રકમાંથી ઊતર્યા બાદ ભીડ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને લગતાં અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જેમાં સડક પર લોકોને જોઈ શકાય છે અને ગોળીઓનો અવાજ પણ દેખાય છે. માર્ગ પર ઘવાયેલાં લોકો પણ નજરે પડે છે. માનવામાં આવે છે કે આ ઘટનામાં અનેક લોકોનાં મોત ઘટનાસ્થળ પર જ થઈ ગયાં હતાં. નજરે જોનારા લોકો અનુસાર ઘટનાસ્થળ પર હાજર પોલીસે પણ ટ્રકના ડ્રાઇવર પર ગોળી ચલાવી હતી. ઘટના બાદ પીડિતોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં અનેક લોકોની હાલત ગંભીર જણાવવામાં આવે છે. લેટેસ્ટ અહેવાલો અનુસાર આ ઘટનાની તપાસ એફબીઆઈ અને સ્થાનિક પોલીસ કરી રહી છે.
કટોકટી જેવી સ્થિતિ
આ ઘટના એક્સિડેન્ટની હતી કે પછી ડ્રાઇવરે જાણીજોઈને ઉજવણી કરતાં લોકો પર ટ્રક ચડાવી દીધી હતી તેની તપાસ થઈ રહી છે. જો કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઘટનાગ્રસ્ત વિસ્તારમાં કટોકટી જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. વીડિયો અને તસવીરોમાં પોલીસની ગાડીઓ, એમ્બ્યુલન્સ તથા કોરોનર કાર્યાલયના વાહનો આ ક્ષેત્રમાં દેખાઈ રહ્યા છે. સ્ટ્રીટને બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને સંદિગ્ધને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક શબ ઊડતું મારી પાસે આવ્યું હતું : પ્રત્યક્ષદર્શી
પ્રત્યેક્ષદર્શીઓના અનુસાર ટ્રક બેરિકેડ તોડીને ફૂટપાથ પર લોકો સાથે ટકરાયો હતો. 22 વર્ષની કેવિન ગાર્સિયા કે જે ટ્રક ટકરાઈ ત્યારે તેની નજીક જ ઊભો હતો તેણે મીડિયાને જણાવ્યું હતું કે મેં ફક્ત એટલું જોયું હતું કે ટ્રકે બોરબન ફૂટપાથની જમણી બાજું ઊભેલા તમામ લોકોને ટક્કર મારી દીધી હતી. તેણે ઉમેર્યું હતું કે એક શબ તો ઊડતું મારી તરફ આવ્યું હતું અને ઉમેર્યું હતું કે ઘટના બાદ તરત જ તેણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ડ્રાઇવરે વાહનમાંથી બહાર નીકળ્યા બાદ પોલીસ પર ગોળીબાર કર્યો હતો.
ઘટનામાં જાનમાલને ભારે નુકસાન થયું
ન્યૂ ઓર્લિયન્સ પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતના રિપોર્ટ્સ અનુસાર એવું લાગે છે કે એક વાહને લોકોના સમૂહમાં ઘૂસીને અનેક લોકોને કચડી નાખ્યા છે. જો કે તેમાં જાનમાલને ચોક્કસ કેટલું નુકસાન થયું છે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. અહેવાલો અનુસાર હજારો લોકો નવા વર્ષની ઉજવણી માટે પાસેની બોરબન સ્ટ્રીટ પર એકત્ર થયાં હતાં.. પોલીસે લોકોને હાલના તબક્કે આ ક્ષેત્રથી દૂર રહેવાની અપીલ કરી છે કેમ કે ઇમર્જન્સી ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ ધરપકડની વિગત સામે આવી નથી.
ખુશીની રાત શોકમાં બદલાઈ
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર અસંખ્ય પોસ્ટ દેખાઈ રહી છે. એક એક્સ યૂઝરે લખ્યું છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન એક પીકઅપ ટ્રકે ભીડને ટક્કર મારી દીધી તેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગચાં છે. એક ખુશીની રાત વિનાશકારી ઘટનામાં તબદીલ થઈ ગઈ છે. દુર્ઘટના બાદ તારાજી જોવા મળી હતી.