- પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામે 93 રને હાર
- ટુર્નામેન્ટમાંથી પાકિસ્તાન થયું બહાર
- કેપ્ટનશીપને લઈને વસીમ અકરમનું નિવેદન
11 નવેમ્બરે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાન 93 રને કારમી હાર થઈ છે. તે સાથે જ પાકિસ્તાન વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે. ઇંગ્લેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ હાર્યા બાદ તે સ્વદેશ પરત ફરી રહી છે. આ દરમિયાન, કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. જેના પર હવે વસીમ અકરમે પોતાની પ્રતિક્રિયા આપી છે.
બાબરને બલિનો બકરો ન બનાવો…
વર્લ્ડ કપ 2023માંથી પાકિસ્તાનની વિદાય બાદ પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે મોટું નિવેદન આપ્યું છે. તેણે પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન માટે એકલા બાબર આઝમને જવાબદાર ઠેરવવાને ખોટું ગણાવ્યું છે. તેણે કહ્યું છે કે આ ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને બલિનો બકરો ન બનાવવો જોઈએ. તેમણે પાકિસ્તાન ટીમની હાલત માટે સમગ્ર પાકિસ્તાન ક્રિકેટ સિસ્ટમને જવાબદાર ઠેરવી છે.
પાકિસ્તાનની સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા અકરમે કહ્યું, ‘કેપ્ટન એકલો મેચ નથી રમતો. હા, તેણે આ વર્લ્ડ કપ અને એશિયા કપમાં કેપ્ટન તરીકે કેટલીક ભૂલો કરી છે. પરંતુ આ હાર માટે માત્ર તે જ જવાબદાર નથી. આ સમગ્ર સિસ્ટમની ભૂલ છે કારણ કે છેલ્લા એક વર્ષથી અમારા ખેલાડીઓને ખબર નથી કે કોચ કોણ છે. તમે અહીં એકલા બાબરને બલિનો બકરો નહીં બનાવી શકો.
‘બાબર વર્લ્ડ કપમાં તણાવમાં જોવા મળ્યો હતો’
વસીમ અકરમે ચોક્કસપણે સ્વીકાર્યું કે બાબર પર કેપ્ટનશિપનું પ્રેશર દેખાઈ રહ્યું છે અને તેણે આ પ્રેશરને હેન્ડલ કરવાનું શીખવું જોઈએ. અકરમે કહ્યું, ‘બાબર સ્ટાર ખેલાડી છે. જ્યારે તે રન બનાવે છે ત્યારે આખો દેશ ખુશ અને ગર્વ અનુભવે છે. પરંતુ કેપ્ટનશીપે બાબરના પ્રદર્શન પર દબાણ સર્જ્યું છે. વર્લ્ડ કપ અને એશિયા કપમાં તે તણાવમાં જોવા મળ્યો હતો. તેઓએ આ દબાણને નિયંત્રિત કરવાનું શીખવું પડશે. જ્યારે તે બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવે છે ત્યારે તેણે માત્ર બેટ્સમેન તરીકે રન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કેપ્ટન્સી અને બેટિંગ… બાબર બંને મોરચે ફ્લોપ
બાબર આઝમ માટે આ વર્લ્ડ કપ માત્ર એક કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ તે બેટ્સમેન તરીકે પણ ફ્લોપ સાબિત થયો છે. તેણે 9 ઇનિંગ્સમાં માત્ર 320 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં દોષ હવે તેમના પર આવી શકે છે. તેની કેપ્ટનશીપ પણ ગુમાવવાની પણ ચર્ચા છે.


