- સોલંકીવાસ, ખટિક, ભાટિયા, ઠાકોર સમાજ સહિત અન્ય સમાજની મહિલાઓએ માટલા ફોડયા
- મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવી
- ઈડર નગરપાલિકામાં આવી હલ્લાબોલ કર્યો હતો
ઇડર નગરપાલિકા ભોઈવાડામાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી ન મળવાને કારણે અનેક સમાજની મહિલાઓએ મંગળવારે ઈડર નગરપાલિકામાં આવી હલ્લાબોલ કર્યો હતો. તેમજ ઉશ્કેરાયેલી મહિલાઓએ નગરપાલિકામાં આવી માટલા ફોડયા હતા. જેને લઈને થોડોક સમય નગરપાલિકામાં ઉશ્કેરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતુ. સાથો સાથ પાણીના મુદ્દે આવેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસી જઈને રામધૂન બોલાવી હતી. આખરે 2 કલાક બાદ પાણી આપવાની હૈયાધારણ અપાતાં મહિલાઓ નગરપાલિકામાંથી પરત ફરી હતી.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ઈડર નગરપાલિકા વિસ્તારમાં કેટલાક રહીશોએ વર્ષ પુરુ થવા આવ્યુ હોવા છતાં બાકીદારોએ નગરપાલિકાને ટેક્ષની રકમ ચૂકવી નથી. દરમિયાન મહિલાઓએ કરેલા આક્ષેપ મુજબ, ભોઈવાડામાં રહેતા કેટલાક પરીવારોએ ઘરવેરો ભર્યો ન હોવાને કારણે નગરપાલિકાના સત્તાધિશોએ સાર્વજનિક પાણી ટાંકીઓ ભરવાની બંધ કરતા ભોઈવાડા વિસ્તારમાં રહેતા 6 સમાજની મહિલાઓએ પાણીના કકળાટથી તંગ આવી ગઈ હતી.
ત્યારબાદ અનેક મહિલાઓએ સત્તાધિશોને જગાડવાના આશ્યથી મંગળવારે ભોઈવાડાના વેરાઈમાતા મંદિરેથી ટાવર ચોક થઈને નગરપાલિકામાં રેલી સ્વરૂપે માટલા લઈને આવી પાણી આપોના સૂત્રો સાથે મહિલાઓએ પાણી મુદ્દે ઇડર નગરપાલિકાના સત્તાધીશોની નિતી રીતે સંદર્ભે સખત વિરોધ નોંધાયો હતો. ઈડર નગરપાલિકા વિસ્તારમાં આવતા ભોઈ, ખટીક, ઠાકોર, વાલ્મિકી, ભાટીયા તેમજ ભીલ સમાજના વિસ્તારોમાં આવેલી 6 સાર્વજનિક પાણીની ટાંકીઓમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરવાનું બંધ કરાયું છે. પાણીની રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ સાથે પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાણીપુરવઠા ઈજનેર દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યા હોવાનો આક્ષેપ કરી મહિલાઓએ વધુ ઉગ્ર્ર બની ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ નીચે બેસી રામધુન બોલાવી હતી. 2 કલાક કરતા પણ વધુ સમયથી પોતાનો રોષ ઠાલવવા પહોંચેલી મહિલાઓનો કોઈપણ પ્રકારનો હકારાત્મક જવાબ ન મળતા વિવાદ વધુ વક્રર્યો હતો. જોકે આખરે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાણી ચાલુ કરવાની હૈયાધારણ આપતાં મહિલાઓ પરત ફરી હતી.


