- સિવિલમાં ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
- અસારવા સિવિલમાં 18 દિવસમાં ઝાડા ઉલ્ટીના 215 કેસ નોંધાયા
- વાયરલ ઇન્ફેક્શનના કેસ 520 કેસ નોંધાયા છે
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં અમદાવાદ સિવિલમાં ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. અસારવા સિવિલમાં 18 દિવસમાં ઝાડા ઉલ્ટીના 215 કેસ નોંધાયા છે. જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસ 520 કેસ નોંધાયા છે. તથા ઋતુગત બીમારી સાથે હિટસ્ટ્રોક કેસમાં વધારો થયો છે.
અસારવા સિવિલમાં હીટસ્ટ્રોકના રોજના 40થી વધુ દર્દીને સારવાર અપાઇ
અસારવા સિવિલમાં હીટસ્ટ્રોકના રોજના 40થી વધુ દર્દીને સારવાર અપાઇ છે. તેમજ બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓએ ગરમી અને ઋતુગત બીમારીથી સાચવવા અપીલ કરાઇ છે. ત્યારે રાજ્યમાં 7 દિવસમાં માંદગીના 529 ઈમરજન્સી કોલ્સ આવ્યા છે. 108ની સેવાને ભારે તાવના સૌથી વધુ 375 કોલ્સ મળ્યા છે. તથા પેટમાં દુખાવો, ઝાડા ઊલટીને લગતી બીમારી પણ વધી છે. પેટમાં દુખાવાના સાત, ઝાડા ઉલટીને લગતા 34, હિટ સ્ટ્રોકના 3 કોલ્સ મળ્યા છે. ગરમીના કારણે ભારે તાવ આવવાની ફરિયાદો સૌથી વધુ સામે આવી છે.
ફરિયાદો વધવાના કારણે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસની દોડધામ વધી
પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીને લગતી ફરિયાદો વધવાના કારણે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસની દોડધામ વધી છે. 12મી મે થી 18મી મે સુધીમાં એટલે કે સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના 529 ઈમરજન્સી કોલ્સ આવ્યા છે, જેમાં જે તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા. ભારે ગરમીના કારણે માંદગીના કેસનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ગરમીને કારણે માંદા થવાની 12મી મે એ 64 ઈમરજન્સી નોંધાઈ હતી, એ પછી 13મી મે એ 78, 14 મે એ 51, 15 મે એ 71, 16મી મે એ 83, 17મી મે એ 85 અને 18મી મે એ 97 એમ 7 દિવસમાં કુલ 529 ઈમરજન્સી આવી છે. 12થી 17મી મે સુધીમાં અમદાવાદમાં કુલ 73 ઈમરજન્સી નોંધાઈ છે. રાજ્યમાં આ અરસામાં ભારે તાવના 375 કોલ્સ આવ્યા હતા, જેમાં સૌથી વધુ 16મી મે એ 72 અને 17મી મે એ 70 કોલ્સ આવ્યા છે.


