નવા કમિશનર દેવાંગ દેસાઇએ ચાર્જ સંભાળ્યાને દોઢ મહિનાથી વધુ સમય થયો, છતા નગરસેવકોને મળતા નથી
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના હત્યાકાંડમાં સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ થયા બાદ તેની જગ્યાએ મુકાયેલા નવા ટાઉન પ્લાનર ઓફિસર પંડ્યા તો ઠીક પણ નવા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ અરજદારોને તો ઠીક પણ નગરસેવકોને મળવાથી પણ દૂર રહે છે તેવો કચવાટ અંતે ખુલ્લીને સામે આવ્યો છે. આ બાબતે નગરસેવકોમાં દેકારો છે. નવા કમિશનરે ચાર્જ સંભાળ્યાને આજે દોઢ મહિનાથી વધુ સમય થઇ ગયો છતા કમિશનર અમને, કે અમે કમિશનરને ઓળખતા નથી! આવી વ્યાપક ફરિયાદના પગલે અંતે આજે મંગળવારે સાંજે ભાજપના તમામ ૬૬ નગરસેવકો અને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ વચ્ચે ગેટ-ટુ-ગેધર ગોઠવવાની ફરજ પડી છે.
કમિશનર અને નવા ટીપીઓ બન્ને સામે નગરસેવકોમાં નારાજગી છે. પ્રજાના પ્રશ્નો અને અન્ય રજૂઆત ક્યા કરવા જવી? તેવો ગણગણાટ છેલ્લા કેટલાક દિવસોથી સંભળાતો અને હવે આ ગણગણાટ જાહેરમાં આવ્યો છે. નવા ટીપીઓ પંડ્યા તો જાણે મીસ્ટર ઇન્ડિયા હોય તેમ ક્યા ગાયબ થઇ જાય છે એ ખુદ તેમના વિભાગના સ્ટાફને પણ ખબર નથી હોતી. મનપા કચેરીમાં ભાગ્યે જ દેખાય છે. આખરે નવા ટીપીઓ પંડ્યા હોય છે ક્યા? જાય છે ક્યા? તેમનુ કોઇ કામ હોય તો ક્યા શોધવા જવા? મન પડે ત્યારે ફોન ઉપાડવા! આખરે તેનો સંપર્ક કઇ રીતે કરવો? ‘નવા ટીપીઓ ગૂમ છે, શોધી આપનારને ઇનામ’ આવી જાહેરાત આપવી પડે તેમ છે તેવા હાસ્યાસ્પદ કટાક્ષ ખુદ તેમની જ ટીપી શાખાના સ્ટાફમાં અંદરોઅંદર થઇ રહ્યા છે.
તો બીજીબાજુ મ્યુનિ. કમિશનર પણ ફિલ્ડવર્ક અને મિટિંગની વ્યવસ્તામાં જ રહીને નગરસેવકોને જાણે મળવાનું ટાળતા હોય તેમ દૂર રહે છે તેવી પણ વ્યાપક ફરિયાદ છે. આ ફરિયાદ ભાજપની ટોચની નેતાગીરી સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નગરસેવકોને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ ફેસ-ટુ-ફેસ ઓળખતા નથી. ફોન કરીએ તો પણ તેને ખબર નથી હોતી કે ક્યા વોર્ડના નગરસેવક સાથે વાત કરે છે. આવી વ્યાપક ફરિયાદના પગલે અંતે નગરસેવકો અને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ વચ્ચે સંકલન રહે તેવા હેતુથી સાંજે ૬ વાગ્યે ગેટ-ટુ-ગેધર રાખવામા આવ્યુ છે.
ટાઉન પ્લાનીંગ શાખા ‘કોમા’માંથી ક્યારે બહાર આવશે?
ફાઇલ આગળ વધતી નથી, કામ થતા નથી, બિલ્ડરો-આર્કિટેક-આમજનતામાં દેકારો
મનપામાં સૌથી ખરાબ સ્થિતિ ટાઉન પ્લાનીંગ શાખાની છે. એમા પણ બદલીનો જે ઘાણવો કાઢવામા આવ્યા બાદ મોટાભાગના વોર્ડમાં એટીપીઓ સહિતનો સ્ટાફ બદલી ગયો છે. અન્ય વિભાગમાંથી આવ્યા છે. ટીપી શાખાની કામગીરીમાં હજુ ચાંચ ડૂબતી નથી. બીજીબાજુ
નવા ટીપીઓ પંડ્યાને જાણે રાજકોટ મનપાની સળગતી ટીપીઓની ખુરશી પર બેસવામા રસ ન હોય તેની આવી નિષ્ક્રિયતાના કારણે હાલ તો શહેરભરના ટાઉન પ્લાનીંગ અને રિયલ એસ્ટેટના વિકાસને જબરુ ગ્રહણ લાગ્યુ છે. બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે તેવુ કહીએ તો પણ અતિ શયોક્તિ નથી. ટીપી શાખાની કામગીરીનું આમતો ઝોનવાઇઝ વિભાજન કરીને સિટી ઇજનેરોને જવાબદારી સોંપવામા આવી છે. ટીપીઓની જવાબદારી ઉપરથી બોજનો પોટલો ઓછો થઇ ગયો હોવા છતા ટાઉન પ્લાનર ઓફિસર પંડ્યા બાકીની ફરજમાંથી પણ ભાગતા ફર