- શું પ્રેમ ધિક્કારનો વિરોધી શબ્દ છે? શું પ્રેમ લાગણી, સંવેદના કે અનુભૂતિ છે કે જે સ્મૃતિમાંથી બહાર આવે છે?
લાગણીનો આપણે શો અર્થ કરીએ છીએ? શું તે સંવેદના છે, શું તે જ્ઞાનેન્દ્રિયોની પ્રતિક્રિયા કે પ્રતિભાવ છે? બીજા માટે ધિક્કાર, શ્રદ્ધા-ભક્તિ, પ્રેમ અથવા સહાનુભૂતિની ભાવના-આ બધી લાગણીઓની અભિવ્યક્તિ છે. કેટલીક લાગણીઓને જેવી કે પ્રેમ અને સહાનુભૂતિને આપણે હકારાત્મક ગણીએ છીએ જ્યારે બીજી કેટલીક લાગણીઓ જેવી કે ધિક્કારને આપણે નકારાત્મક ગણીએ છીએ અને તેનાથી છુટકારો મેળવવા ઇચ્છીએ છીએ. શું પ્રેમ ધિક્કારનો વિરોધી શબ્દ છે? અને શું પ્રેમ લાગણી, સંવેદના કે અનુભૂતિ છે કે જે સ્મૃતિમાંથી બહાર આવે છે?
તો, પ્રેમનો આપણે શો અર્થ કરીએ છીએ? એ તો ચોક્કસ છે કે પ્રેમ સ્મૃતિ નથી. તે સમજવું આપણા માટે બહુ મુશ્કેલ છે, કારણ કે મોટાભાગના લોકો માટે પ્રેમ સ્મૃતિ છે. જ્યારે તમે એમ કહો છો કે તમે તમારી પત્નીને કે તમારા પતિને પ્રેમ કરો છો ત્યારે તમે શું કહેવા માગો છો? શું તમે તેને પ્રેમ કરો છો જે તમને આનંદ કે સુખ આપે છે? શું તમે તેને પ્રેમ કરો છો કે જેની સાથે તમે ઘનિષ્ઠ સંબંધ સ્થાપ્યો છે અને જેને તમે તમારા પોતાના તરીકે ઓળખો છો? કૃપા કરીને જુઓ કે આ વાસ્તવિક હકીકતો છે; હું કોઈ નવી વાત નથી કરી રહ્યો, તેથી ગભરાઓ નહીં. આપણે `મારી પત્ની’ અથવા `મારો પતિ’ના પ્રતીકને કે તેની છાપને પ્રેમ કરીએ છીએ અને માનીએ છીએ કે આપણે તેને પ્રેમ કરીએ છીએ, પરંતુ આપણે કોઈ જીવતીજાગતી વ્યક્તિને પ્રેમ કરીએ છીએ એવું નથી. હું મારી પત્નીને બિલકુલ જાણતો નથી અથવા હું મારા પતિને બિલકુલ જાણતી નથી; અને જ્યાં સુધી જાણવાનો અર્થ ઓળખ થતો હોય ત્યાં સુધી હું તે વ્યક્તિને ક્યારેય જાણી ન શકું, કેમ કે ઓળખ સ્મૃતિ ઉપર આધારિત હોય છે- સુખ અને દુ:ખની સ્મૃતિ, જેને માટે હું જીવ્યો, જેને માટે મેં દુ:ખ ભોગવ્યું તેની સ્મૃતિ અને એવી વસ્તુઓ કે જેનો હું કબજો ધરાવું છું અને જેના પ્રત્યે મને આસક્તિ છે. જ્યાં સુધી મારામાં ભય, દુ:ખ, એકલતા, હતાશાની છાયા હોય ત્યાં સુધી હું પ્રેમ કેવી રીતે કરી શકું? મહત્ત્વાકાંક્ષી માણસ પ્રેમ કેવી રીતે કરી શકે? અને આપણે સહુ ઘણા મહત્ત્વાકાંક્ષી છીએ, ભલેને એ મહત્ત્વાકાંક્ષા ગમે તેટલી ઉમદા કે સન્માનનીય હોય. તેથી ખરેખર પ્રેમ શું છે એ શોધી કાઢવા માટે, આપણે ભૂતકાળ પ્રતિ મરી જવું જોઈએ. આપણા બધા જ મનના ભાવ પ્રતિ મરવું જોઈએ, સારી કે ખરાબ એ બધા પ્રત્યે પ્રયત્ન વગર મરવું જોઈએ જે રીતે ઝેરી પદાર્થ પ્રત્યે, કારણ કે આપણે તેના ઝેરી તત્ત્વની સમજ પ્રાપ્ત કરી છે.