- પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભારત મંડપમ્માં ભારત ટેક્સ-2024નું ઉદ્ઘાટન કર્યું
- મોદીએ ટેક્સ્ટાઇલ સેક્ટરને તમામ પ્રકારની મદદનું વચન આપ્યું
- દેશમાં આયોજિત થયેલાં અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક કાપડ કાર્યક્રમોમાંથી એક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી સ્થિત ભારત મંડપમ્માં ભારત ટેક્સ-2024નું ઉદ્ઘાટન કર્યું. આ દેશમાં આયોજિત થયેલાં અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક કાપડ કાર્યક્રમોમાંથી એક છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને દર્શના જરદોશ પણ જોડાયા હતાં. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે એવા સમાજની રચના કરવા માંગીએ છીએ કે જેમાં સરકારની દખલ ઓછામાં ઓછી હોય. હા, ગરીબને જરૂર છે તો તેને પૂર્ણ કરવી જોઈએ. બાકીના લોકોના જીવનમાં ટાંગ અડાવવાની સરકારની આદતની વિરુદ્ધ હું 10 વર્ષથી લડી રહ્યો છું અને આગામી પાંચ વર્ષમાં તેને પાક્કુ કરી નાખીશ. વડાપ્રધાને ટેક્સ્ટાઇલ સેક્ટરને તમામ પ્રકારનો ટેકો આપવાનું વચન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનાવવામાં તે મહત્ત્વની ભૂમિકા ભજવશે. 2014માં અમે સત્તા સંભાળતા હતા ત્યારે દેશના ટેક્સ્ટાઇલ સેક્ટરનું કદ સાત લાખ કરોડનું હતું જે આજે 12 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
વડાપ્રધાને ટેક્સ્ટાઇલ સેક્ટરને 5F સાથે જોડયું
વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે કાપડ મૂલ્ય શૃંખલાના તમામ તત્ત્વોને 5F સાથે જોડી રહ્યા છીએ. 5F ફાર્મ, ફાઇબર, ફેક્ટરી, ફેશન અને ફોરેન છે. 5Fને ધ્યાનમાં રાખતાં અમે ખેડૂતો, એમએસએમઇ અને નિકાસને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. તેમના વિકાસ બાદ પણ તેમને સરકારી યોજનાઓનો લાભ મળતો રહેશે.


