ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાઈ રહ્યું છે. 20 ડિસેમ્બરે દિલ્હીમાં મહત્તમ તાપમાન માત્ર 16.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ હતો. લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી ગયું હતું. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં તાપમાન શિમલા અને નૈનિતાલ જેવા હિલ સ્ટેશનો કરતાં પણ ઓછું નોંધાઈ રહ્યું છે, જેના કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પર અસર પડી છે.
નાસા દ્વારા પુષ્ટિ કરવામાં આવી
US સ્પેસ એજન્સી નાસાએ લા નીના સક્રિય થવાની પુષ્ટિ કરી છે, જેના કારણે આ વર્ષે ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ 31 ડિસેમ્બર સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેર અને કડકડતી ઠંડી યથાવત રહેશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી અને નોઇડામાં હાલ પ્રદૂષણની સ્થિતિ
દિલ્હી અને નોઈડામાં હાલ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. શહેર પર ઝેરી હવા છવાઈ ગઈ છે અને ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ખૂબ ઘટી ગઈ છે. આજે સવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400થી વધુ નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આનંદ વિહારમાં AQI 438, ચાંદની ચોકમાં 455, ITO ચોકમાં 405, વઝીરપુરમાં 449, દ્વારકામાં 420 અને જહાંગીરપુરીમાં 444 નોંધાયો હતો. આટલા ઊંચા AQIના કારણે લોકોમાં શ્વાસની તકલીફ, આંખોમાં જલન અને ગળામાં ખંજવાળ જેવી સમસ્યાઓ વધી રહી છે.
31 ડિસેમ્બર સુધી હવામાનમાં સુધારો
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ સુધારો થવાની શક્યતા નથી. આજે અને કાલે આકાશ વાદળછાયું રહેશે અને ધુમ્મસ યથાવત રહેશે. ક્રિસમસ દરમિયાન પણ ભારે ઠંડી પડવાની શક્યતા છે અને આખા અઠવાડિયામાં શહેર ધુમ્મસ અને શીત લહેરની ઝપેટમાં રહેશે.
જમ્મુ અને કાશ્મીરમાં ચિલ્લા-એ-કલાનની શરૂઆત
આ તરફ જમ્મુ અને કાશ્મીરમાં મોસમની પહેલી હિમવર્ષા સાથે ચિલ્લા-એ-કલાનની શરૂઆત થઈ ગઈ છે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે. સોનમર્ગ, ઝોજીલા અને દ્રાસ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઈ છે, જેના કારણે બાંદીપોરા–ગુરેઝ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો છે. પર્વતીય વિસ્તારોમાં પડેલી હિમવર્ષાનો સીધો પ્રભાવ મેદાની વિસ્તારોમાં અનુભવાઈ રહ્યો છે, જ્યાં બર્ફીલા પવનો ઠંડીને વધુ કડક બનાવી રહ્યા છે.
મધ્ય ઈરાન પર સક્રિય પશ્ચિમી વિક્ષેપ
હવામાન વિભાગ અનુસાર મધ્ય ઈરાન પર સક્રિય પશ્ચિમી વિક્ષેપ અને ઉત્તર ભારત પર અસર કરી રહેલી પશ્ચિમી જેટ સ્ટ્રીમના કારણે આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા હિમવર્ષાની શક્યતા છે. આ વિસ્તારોમાં થનારી હવામાન પ્રવૃત્તિઓના પરિણામે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડી વધુ વધવાની સંભાવના છે.
હવામાન અનુસાર અહિંયા પણ ધુમ્મસ
IMDએ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી આપી છે. તાપમાનમાં અચાનક ઘટાડો થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


