- સીઆઈડીની તપાસમાં સાઈટનું નામ ખૂલ્યું પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં
- દેહવિક્રય કરતી યુવતીઓ અને એજન્ટોના ફોટો- નંબર વેબસાઈટ પર આસાનીથી ઉપલબ્ધ
- આધારે સીઆઈડી ક્રાઈમે 22 જેટલા ગુના દાખલ કરી 42 જેટલા આરોપીની અટકાયત કરી હતી
સેક્સ રેકેટના દૂષણને ડામવાના પ્રયાસરૂપે સીઆઈડી ક્રાઈમે 35 સ્થળે દરોડા પાડયા પણ કોઈ અસર થઈ હોય તેવું જોવા મળ્યું નથી. સીઆઈડીની તપાસમાં સેક્સ રેકેટ ચલાવતી વેબસાઈટ નામ ખૂલ્યા બાદ પણ બેરોકટોક ધમધમે છે.
પોલીસે મસાજની આડમાં સેક્સ રેકેટનો વેપલો ચલાવતી વેબસાઈટ સામે કોઈ કાર્યવાહી કરી નથી. સીઆઈડી ક્રાઈમે ગાંધીનગર-અમદાવાદમાં 35 જેટલા સ્થળોએ દરોડા પાડીને 20થી વધુ વિદેશી અને સ્થાનિક યુવતીઓને ઝડપી હતી. શહેરની રમાડા, પ્રગતિ ઈન, ન્યુ આઈલેન્ડ , શૈલી ઈન સહિતની નામી હોટલો અને સ્પામાંથી દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોવાના પુરાવા મળ્યા હતા. જેના આધારે સીઆઈડી ક્રાઈમે 22 જેટલા ગુના દાખલ કરી 42 જેટલા આરોપીની અટકાયત કરી હતી. રમાડા હોટલના રૂમમાં રેડ દરમિયાન મળેલી વિદેશી ટ્રાન્સજેન્ડર અને યુવતીની પૂછપરછમાં વેબસાઈટનું નામ ખુલ્યું હતું. આ વેબસાઈટ પર બંનેએ રજિસ્ટ્રેશન કરાવી પોતાનો ફોટો અને નંબર મૂક્યો હતો. આ નંબર પર કોઈ વ્યક્તિ ફોન કરે એટલે ભાવ-તાલ નક્કી કરી બંને યુવતી જે તે હોટલમાં પહોંચી હતી. આ મામલે સીઆઈડી ક્રાઈમે ગુનો દાખલ કર્યો હતો. જો કે, વેબસાઈટને કોઈ આંચ આવી નથી. આ વેબસાઈટ આજે ધમધમતી હોવાની વિગતો સંદેશના પ્રતિનિધિને મળી હતી. આ વેબસાઈટ સર્ચ કરતા જ તેમાં વિદેશી સહિત અનેક યુવતીઓના ફોટો અપલોડ કરેલા છે . આ ફોટો પર ક્લિક કરતા યુવતીઓ કે એજન્ટના નંબર આવી જાય છે આ નંબર ફોન કરતા જ સામે છેડે બોલતી વ્યક્તિ વોટસએપ કોલ કે મેસેજ કરવાની સલાહ આપી રહ્યા છે. વોટસએપ મેસેજમાં ભાવ-તાલ નક્કી કરીને એડવાન્સ રકમ ચૂકવવાનું કહી રહ્યા છે આ રકમ ચૂકવ્યા બાદ યુવતી તમે કહો તે હોટલમાં પહોંચી જશે તેવી ખાતરી આપી રહ્યા છે. વેબસાઈટના સંચાલકો દ્વારા પણ ચાલાકીથી મસાજ શબ્દની આડમાં સેક્સ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.
જામીન તુરંત મળી જતા હોવાને કારણે દૂષણ ફૂલ્યું ફાલ્યું છે
સિનિયર પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ દેહવિક્રયની પ્રવૃત્તિના કેસમાં આરોપીઓને આસાનીથી જામીન મળી જતા હોવાને કારણે દૂષણ ફુલ્યું ફાલ્યું છે. બે નંબરના અનેક ધંધા આરોપીઓ ઓનલાઈન ચલાવી રહ્યા છે. આ દૂષણને ડામવા દેહવિક્રય સહિતની અન્ય ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરવા કાયદામાં કડક જોગવાઈ લાવવાની જરૂર છે.


