ભગવાનના પુણ્યને આપણું પુણ્ય બનાવવા રોજ એની પાસે જઈને આશીર્વાદ મેળવવાના
ગજપુર નામનું એક નગર હતું. એમાં શ્રીધર નામનો એક વણિક રહેતો હતો. સીધોસાદો અને ભલોભોળો. એ ભગવાનનો પરમ ઉપાસક હતો. એના મનમાં એક દૃઢ વિશ્વાસ હતો કે ભગવાનની આરાધના-ઉપાસના કરવાથી જ આપણું પુણ્ય વધે છે અને આપણાં બધાં કાર્યો પણ એનાથી જ સંપન્ન થાય છે. માનવું એક અલગ વાત છે અને કરવું એ અલગ વાત હોય છે. આની પરીક્ષા તો અવસરે જ થતી હોય છે. જ્યારે અવસર આવે ત્યારે એણે પોતાની દૃઢતા બતાવવાની હોય.
એક દિવસ એના ગામમાં ગુરુ ભગવંત પધારેલા. ગુરુ ભગવંત ગામમાં આવે એટલે આખો દિવસ એમની સેવામાં જ રહેવાનું. વ્યવસાય તો રોજ કરવાનો જ હોયને! ગુરુ ભગવંત ઓછા રોજ આવવાના છે? ગુરુને ગૌચરી કરવાની હોય, આહાર ગ્રહણ કરવા જવાનું હોય ત્યારે ગુરુદેવની પાસે આવીને બેસવાનું, એમને કંઈ કામ હોય તો કરવાનું, બાકી એ આપણને ઉપદેશ આપે એનો સ્વીકાર કરવાનો.
શ્રીધર ગુરુ મહારાજ પાસે બેઠો છે. ગુરુદેવ પણ પોતાની ક્રિયાથી નિવૃત્ત થઈ ગયા છે અને શ્રીધરે એમની સેવાસુશ્રૂષા સારી કરેલી છે તો આપણે પણ એના માટે કંઈક કરવું જોઈએ. આવા વિચારને શાસ્ત્રોમાં ભાવદયા કહેવાય. સાધુ મહાત્મા પાસે આપવાનું તો બીજું શું હોય? એમના આત્માનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપવાનો હોય. એમાંથી જેટલો એ ગ્રહણ કરે એટલો એને લાભ થાય.
એમણે શ્રીધરને કહ્યું, ભાગ્યશાળી જીવનમાં સુખી થવા માટે પુણ્યકર્મની આવશ્યક્તા હોય છે. એમાં પણ ગૃહસ્થના જીવનમાં પુણ્ય વગર ચાલતું નથી. બીજાની પાસે માંગીને લાચારી બતાવવા કરતાં સ્વમાનીજન મરવાનું પસંદ કરશે, પણ બીજાની પાસે હાથ ફેલાવવાનું પસંદ નહીં કરે. આવી સ્થિતિ ન સર્જાય એના માટે પુણ્ય કરવામાં વિશેષ ધ્યાન આપવું જોઈએ અને પુણ્યકર્મ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે પરમાત્માની ભક્તિ, કારણ કે જગતમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય જો કોઈનું હોય તો અરિહંત પરમાત્માનું એટલે આપણે એમના પુણ્યમાં ભાગ કરવા માટે એમની ભક્તિ કરવી જોઈએ. અરિહંત પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાથી તમારા મનોરથો તો ફળે જ છે, પણ સાથેસાથે પરમપદ સુધી પણ આપણને લઈ
જાય છે.
ગુરુ ભગવંત એને સમજાવે છે. એના પોતાના અંતરમાં ગડમથલ ચાલુ છે, શું કરવું? આંતરમને જવાબ આપ્યો, ગુરુદેવ, ભલે આજ્ઞા કરતા ન હોય, પણે જ્યારે આ રીતની સ્પષ્ટ વાત આત્મવિશ્વાસ સાથે કરતા હોય ત્યારે, આપણે એનો ભાવપૂર્વક સ્વીકાર જ કરવાનો હોય. એને પોતાને પણ પૂ. ગુરુની વાત સારી અને સાચી લાગે છે. એણે ગુરુદેવને પ્રણામ કરીને આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરતાં કહ્યું, ભગવન, આપની વાત સાચી છે. ભગવાનના પુણ્યને આપણું પુણ્ય બનાવવા શું કરવું જોઈએ?
ગુરુદેવે એને જવાબ આપ્યો, ભગવાનના પુણ્યને આપણું પુણ્ય બનાવવા માટે એક તો રોજ એની પાસે જઈને આશીર્વાદ મેળવવાના અને બીજા નંબરમાં એને જે ગમે તે જ કરવાનું. ભગવાનને ન ગમે એવાં કામો કરવાનાં નહીં.
સીધી વાત છે, ભગવાનને હંમેશાં સારાં કામો જ ગમે. તમે કોઈની સાથે પ્રેમ કરો એ ગમે – કોઈનો તિરસ્કાર કરો-ગુસ્સો કરો તો એ એને ક્યાંથી ગમે?
આ બે વાતમાં તો બધું આવી ગયું. એની પાસે રોજ પ્રેરણા લેવા જવાનું. રોજ એનો સ્પર્શ કરવાનો. એનાથી એના શુભ પરમાણુઓ આપણામાં આવે. ગુરુદેવની વાત એના અંતરને ઉઘાડવાવાળી બની. એણે પણ હવે નક્કી કરી લીધું છે કે એને રીઝવવા માટે મારે પ્રયત્ન કરવો છે. એને જો રીઝવવો છે તો હવે પછી ખોટાં કામો કરવાનો ત્યાગ.
એ તો રોજ ભગવાનની પાસે પ્રેરણા લેવા પહોંચી જાય, વિધિપૂર્વક એની પૂજા કરે અને પછી થોડી વાર માટે આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન કરે. એમ કરતાં ઘણો સમય પસાર થઇ ગયો છે. સારાં કામો કરવાના કારણે એની એક વિશિષ્ટ વ્યક્તિ હોવાની ઇમ્પ્રેેશન ઊભી થઇ છે.
એક દિવસ એ ભગવાનના મંદિરમાં દર્શન કરવા ગયો હતો. ભગવાનની સેવાપૂજા વગેરે બધી વિધિ પૂર્ણ કરીને એ તો ધ્યાનમાં જ બેસી ગયો.
ધૂપ-અગરબત્તી સળગી રહેલાં. એને જોઈ એણે વિચાર કર્યો છે જ્યાં સુધી આ અગરબત્તી સમાપ્ત ન થાય ત્યાં સુધી મારે ભગવાનના ધ્યાનમાં રહેવું. અગરબત્તી લાંબી-મોટી હતી. એની સુગંધ પણ સરસ આવી રહી હતી, પણ એમને એની સુગંધનો વિચાર પણ આવતો ન હતો. એને માત્ર ભગવાનના નૈસર્ગિક સ્વભાવનો જ વિચાર કરવો હતો. ભગવાનની સામે કેવા કેવા ઉપસર્ગો આવ્યા અને છતાં પણ ભગવાને કેવા સમભાવથી સહન કરેલું. શું આવી એકાગ્રતા આપણે ન લાવી શકીએ? જો ભગવાન લાવી શકતા હોય તો આપણે કેમ ન લાવી શકીએ. શ્રીધરના મનમાં આવી વિચારધારા ચાલી રહેલી હતી. એ જ સમયે અચાનક ક્યાંકથી એક લાંબો, કાળો ભયંકર સર્પ ત્યાં આવ્યો. જે માણસની નજરોમાં આવે તો પણ ગભરાટથી એ સ્થાન છોડી દે- કોઈને પકડી લે, પણ આ તો શ્રીધર છે. એણે આવું કશું કર્યું નહીં. એ તો ધ્યાનમાં ઊભો છે. સર્પ આવશે અને એને કરડશે તો શું થશે? આવો કોઈ વિચાર કરવાના બદલે એ એવો વિચાર કરે છે આ સર્પ અત્યારે જો મને કરડશે તો હું શુભ ભાવોમાં હોઈશ અને શુભ ભાવો સાથેનું મરણ મારી ઉચ્ચ ગતિનું કારણ બનશે. મારે બીજી કોઈ ચિંતા કરવાનું કારણ ક્યાં છે?
સાપ પણ જાણે શ્રીધરના મનના ભાવ સમજતો હોય એમ થોડી વાર ત્યાં જ સ્થિર રહ્યો. માથું એક ફૂટ જેટલું ઊંચું કરેલું છે અને શ્રીધરને કંઇક કહી રહ્યો હોય એવું એ સમયના દૃશ્ય ઉપરથી આપણે વિચારી શકીએ. સાપ થોડી વાર ત્યાં રહ્યો અને પછી જતો રહ્યો. પછી તરત જ ત્યાં એક દેવી આવી. એણે આવીને શ્રીધરની પ્રશંસા કરી.
આવી ધીરજ બહુ ઓછા માણસોમાં જોવા મળે છે. તારી ધીરજ જોઈએ મને પ્રસન્નતા થઇ છે. હું તને વરદાન આપવા માગું છું. તારે જે જોઈએ એ માંગી લે! શ્રીધરે કહ્યું, આપ કોણ છો એની મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મારી પાસે જે છે એ પૂરતા પ્રમાણમાં છે. વધારે મેળવવાની મારે કોઈ જરૂર નથી. વધારે ભેગું કરીને પાપ કરવા કરતાં જે છે એમાં મને સંતોષ છે.
દેવી કંઈ એમ માને? એણે કહ્યું, તારી જગ્યાએ તું ભલે સાચો હોય, પણ હું કંઈ પણ આપ્યા વગર ખાલી હાથે જઇશ નહીં. એમ કહીને એણે પોતાની પાસે રહેલો એક દૈવી મણિ આપ્યો કે જ અત્યંત પ્રભાવશાળી હતો. કેટલીક વખત જડ વસ્તુની પણ તાકાત જોરદાર હોય છે. જેના કારણે જીવ એનો મહત્તમ પ્રભાવ અનુભવતો હોય છે, એમાં પણ પાછો આ તો પ્રસન્ન થયેલી દેવીએ આપેલો મણિ હોય પછી એની તો વાત જ શું થઇ શકે?
આ મણિ શ્રીધરના હાથમાં આવ્યો એ પછી એના જીવનમાં જોરદાર પલટો આવ્યો. પહેલાં એ સુખી તો હતો જ, પણ હવે તો એની પાસે અઢળક સંપત્તિ આવી છે. આટલી સંપત્તિ હોવા છતાં એ ભગવાનને ભૂલતો નથી. એ સમજે છે, આજે મારી જે સ્થિતિ છે તે માત્ર ને માત્ર ભગવાનને જ આભારી છે.
એક વખત એના ઘરમાં ચોર આવ્યા. એના ઘરમાં રહેલો બધો જ સામાન એ લોકો લઈ ગયા. એના માટે કશું બાકી રાખ્યું નહીં. શ્રીધર બિચારો થઈ ગયો. જે હતું એ બધું જ ચોરો ઉપાડી ગયા છે. પોતાની જરૂરિયાતની વસ્તુઓ પણ હવે રહી નથી. એના માટે પોક મૂકીને રડવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.
માણસની મુશ્કેલી એ છે એની પાસે ન હોય તો એને ચલાવી લેવાની આદત પડી જાય છે, પણ પોતાને મળ્યા પછી ચાલી જાય ત્યારે એને ઘણો અફસોસ થતો હોય છે. શ્રીધર પાસે ઓછું હતું ત્યારે એ વધારે સુખી હતો, પણ મળ્યા પછી બધું ચાલી ગયું ત્યારે હવે એના અફસોસનો કોઈ પાર નથી.
હવે એને ઘણી ચિંતા થયા કરે છે. એને એવો પણ વિચાર આવે છે કે મારી સાથે જ કુદરતે આવો વહેવાર કેમ કર્યો? આવા વિચારોમાં એ વધારે દુઃખી થઈ રહ્યો છે. એને ક્યાંય ચેન પડતું નથી. અભાવની પીડા અસહ્ય થઈ રહી છે. આ પીડાથી બચવા માટે એણે હવે ઘણા પ્રયત્નો કર્યા પણ જ્યારે એક પણ પ્રયત્નમાં એને સફળતા ન મળી ત્યારે એ ફરીને પાછો ભગવાનના શરણે જાય છે. ભગવાનને ભાવપૂર્વક ભજે છે, ભક્તિ કરે છે. પરમાત્માની ભક્તિમાં એકાકાર થઇ જાય છે.
એ સમયે એના અંતરમાં પ્રકાશ થાય છે. જાણે ભગવાન એને સમજાવી રહ્યા છે : સુખનાં સાધનો હોય તો જ માણસ સુખી થઈ શકે એવું માનવાની જરૂર નથી. સુખનાં સાધનોના અભાવમાં પણ જો માણસ સંતોષ રાખે તો સુખી થઈ શકે. તારે સુખી થવું છે તો સંતોષ રાખ. જે મળ્યું છે અથવા તારી પાસે જે છે એમાં આનંદ માણ.
શ્રીધરને જ્ઞાનનો પ્રકાશ મળ્યો. હવે દુઃખી થવાની જરૂર નથી. આપણે સુખી થવું છે? આપણા માટે પણ માર્ગ તો એ જ છે.