ર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી વખતે સંસ્કૃતના અધ્યાપક અવારનવાર કહેતા કે કૃષ્ણ રૂઢિભંજક હતા! ઉપરાંત મારા મતે ભગવાન કૃષ્ણ સૃષ્ટિના નિયમ વિરુદ્ધના કાર્ય માટે પણ જગજાહેર છે.સૃષ્ટિનો નિયમ છે કે એકવાર શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી ફરીથી તેમાં પ્રાણ પ્રતિષ્ઠાપન કરી શકાતું નથી, પણ ભગવાન કૃષ્ણે પોતાની અવતારલીલા નટખટલીલા રાસલીલા દરમિયાન એવા કાર્યો કર્યા છે જેના દ્વારા અનેક મૃતાત્માઓને પુનઃ જીવતદાન પ્રાપ્ત થયું છે.
આજે એવા એક પ્રસંગની વાત કરવી છે જેના થકી કૃષ્ણની વચનબદ્ધતા અને ગુરુ પ્રત્યેની સાચી નિષ્ઠાના અપ્રતિમ દર્શન થાય છે. એકવાર મધ્યપ્રદેશના ઉજ્જૈન – અવંતિકાનગરી માળવામાં સાંદિપની ઋષિ પુત્ર શોકમાં ગમગીન હોય છે અને શિવ આરાધના કરે છે ત્યારે તપોબળથી ભગવાન સર્વેશ્વર મહાકાલ પ્રગટ થાય છે અને વરદાન આપે છે કે બે કુંવરનું અહીં વિદ્યા સંપાદન હેતુ આગમન થશે અને એ તમારા મનોરથ પૂર્ણ કરશે. કહેવાય છે કે થોડા સમય પછી ઉજ્જૈન નગરમાં શ્રીકૃષ્ણ-બલરામ શિક્ષા માટે સાંદિપની મુનિને ગુરુ ધારણ કરે છે. અહીં ગરીબ સુદામાનો ભેટો થાય છે. શ્રીકૃષ્ણ અને સુદામા જીગરજાન મિત્રો બને છે.
64 દિવસમાં 64 કલા અને 14 વિદ્યા મેળવીને જ્યારે સ્વગૃહે જવાનો સમય નિર્ધારિત થાય છે ત્યારે કૃષ્ણ ગુરુને દક્ષિણા આપવાનું વિચારે છે રજૂઆત કરે છે ત્યારે ગુરુમાતા સુશ્રૂષા સમુદ્ર કિનારે જળમય અદ્રશ્ય થઈ ગયેલ પોતાના પુનર્દત્ત નામના પુત્રને જીવિત લાવવા આહ્વાન તથા આજીજી કરે છે. ત્યારે કૃષ્ણ એ પડકાર ઝીલી લે છે અને સમુદ્રમાં રહેતા શંખાસુરનો વધ કરી તેની પાસેથી પાંચજન્ય શંખ લાવે છે જેનો નાદ કરવાથી ગમે તેવા અશક્ય અને અણધાર્યા કાર્યો પણ અલ્પ સમયમાં શક્ય બને છે તેથી એ શંખની મદદ વડે શ્રીકૃષ્ણ-બલરામ યમલોક દ્વારે જઈને શંખ ધ્વનિ કરે છે અને ખુદ કાળદેવતા સામે ચાલીને સ્વદેહે યમલોકમાં આવી ગયેલા દેવકીનંદન અને રોહિણીનંદનને આગમન હેતુ કારણ પૂછે છે ત્યારે શ્રીકૃષ્ણ ગુરુપુત્રની માગણી કરે છે. શંખ ધ્વનિનો પ્રતાપ જોયા પછી યમદેવતા પુનર્દત્તને પુનઃ કૃષ્ણે અર્પણ કરે છે. અહીં પણ કૃષ્ણ સૃષ્ટિના નિયમ વિરુદ્ધ યમદેવતા પાસેથી ગુરુપુત્ર પ્રાપ્ત કરે છે.
તેમાં પ્રાણાર્પણ કરે છે અને ઉજ્જૈન નગરે વિરાજતા ગુરુના આશ્રમ ગુરુકુળના આંગણામાં સૌકોઈ સહપાઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરુમાતાને પુત્ર અર્પણ કરે છે! પુત્રનું પુનરાગમન જોઈ ગુરુ અને ગુરુમાતાનો હરખ બેવડાય છે અને યદુનંદનના જયકારા સાથે આશ્રમનું પ્રાંગણ પુનઃ ખીલી ઉઠે છે. આકાશ ગુંજી ઊઠે છે એવા નવ પથસર્જક અર્જુન ઉપદેશક રૂઢિભંજક. અવારનવાર પરંપરા તોડીને પણ સત્યને ટકાવી રાખ્યું એટલે જ તો ધર્મ શ્રદ્ધાળુઓ અભ્યાસુ સંશોધકો શ્રીકૃષ્ણને ચાલાક રાજનીતિજ્ઞ કહે છે. આવા બાંકે બિહારી વ્રજ વિહારી મુરલીધર મુરારિ મનોહર મૂર્તિ મોહન ગિરધારી સુદર્શનધારી ગોવર્ધનધારી વાસુદેવ પરમ પ્રભાવી પ્રગટ પુરુષોત્તમ સિદ્ધ અવતારી પરમ પુરુષ પરમેશ્વર કિશનચંદ્ર ભગવાન કી જય હો.