લોકો હંમેશાં બસ સમજવાની કોશિશ કરે છે. થોડા વર્ષો પહેલાં મેં એક મોટું પુસ્તક જોયું, `અન્ડરસ્ટેન્ડિંગ ગોડ’. લોકો ભગવાનને પણ સમજી રહ્યા છે, જેમણે તમને બનાવ્યા એમને! તમે એમને કેવી રીતે સમજી શકો? આખો પ્રયાસ એક અલગ પરિમાણમાં જવાનો છે. એવું થાય તે માટે પહેલાં તમારે સમજવાનું બંધ કરવું પડશે, કેમ કે જે વસ્તુ તમે અત્યારે જે પરિમાણમાં છો તેના કરતાં અલગ પરિમાણમાં છે એને તમે સમજી નહીં શકો. તમારે જોવું પડશે કે, `હું સમજી નથી શકતો.’ અને સમજવાની જરૂર પણ નથી. સમજણ નહીં પણ અનુભવ જ તમને આ પરિમાણમાંથી બહાર લઈ જશે.
જો તમે એક ફૂલને સમજવાની કોશિશ કરશો, તો શું સમજશો? સમજવાની કોશિશમાં કદાચ તમે વારાફરતી એની પાંખડીઓ તોડી નાખશો, પણ તમને કંઇ સમજાશે નહીં. કદાચ તમે એની કેમિસ્ટ્રી જાણી લેશો. બધું વિશ્લેષણ કરીને કદાચ તમે કહેશો કે બધું પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન છે. એ બધું બરાબર છે, પણ તમે ફૂલ વિશે કંઇ નહીં જાણી શકો.
લોકો આધ્યાત્મને એક સમજણ તરીકે આપવાની કોશિશ કરે છે. તમે કેવી રીતે બંધાયેલા છો એ સમજવાની જરૂર છે, બસ એટલું જ. તમે બીજા પરિમાણને સમજી નહીં શકો. લોકો હંમેશાં ભગવાન કેવા છે અને સ્વર્ગ કેવું છે એની વાતો કરે છે. આ તમને ભ્રમ સિવાય ક્યાંય નહીં લઈ જાય. તમારે બસ એટલું સમજવાની જરૂર છે કે તમે તમારી સીમાઓથી કેવી રીતે બંધાયેલા છો. જો તમે આ સમજો અને એ બંધનોમાંથી મુક્ત થાઓ, તો જ્યાં જવાનું છે ત્યાં તમે આમેય જશો જ.
જો હું આકાશ વિશે વાત કરું તો એનો કોઈ ફાયદો નથી. કયાં દોરડાં તમને જમીન સાથે બાંધી રહ્યાં છે? બસ એટલું જ મહત્ત્વનું છે. તમારે તમને બાંધી રાખતાં દોરડાં સાથે કામ છે, આકાશ સાથે નહીં. જો તમે આ દોરડાં છોડી નાખો, તો તમે આમેય આકાશ સુધી પહોંચી જ જશો. ત્યાં પહોંચ્યા પછી જ તમે જાણશો કે આકાશ શું છે. ત્યાં સુધી તમે એના વિશે જે વિચારો, જે સમજણ, જે વિશ્લેષણ કરો, એ બધું તમારા અત્યારના સીમિત પરિમાણમાંથી જ આવે છે.
તમારા હાલના અનુભવથી આગળની વસ્તુને સમજવાનો કોઈ રસ્તો નથી. એટલે ગુરુનું કામ તમને એ ગાંઠો છોડવામાં મદદ કરવાનું છે, જેનાથી તમે પોતાને બાંધ્યા છે અને તમને એ બતાવવાનું છે કે આ ગાંઠો ક્યાં છે. જો તમે એ છોડો અને તૈયાર થાઓ, જો તમે અણી પાસે આવી ઊભા હોવ અને બસ એક ગાંઠ બાકી હોય, તો એ તમને ધક્કો મારી શકે છે. જો દસ દોરડાં બંધાયેલાં હોય ત્યારે એ ધક્કો મારે તો તમને નુકસાન થશે.
એ તમને ત્યારે જ ધક્કો મારી શકે છે જ્યારે બધું તૂટી ગયું હોય અને બસ એક દોરો લટકતો હોય. ત્યારે એ તમને ધક્કો મારી શકે છે, કેમ કે તમે તૂટશો નહીં, બસ દોરો તૂટશે. યોગથી તમે શરીર, મન અને ઊર્જાને એવી રીતે પરિપક્વ કરી શકો છો કે ધીમે ધીમે, આ બંધનો અને દોરડાં જે આપણે આપણી આસપાસ બાંધીએ છીએ એ તૂટતાં જાય. એક ક્ષણ આવે છે જ્યારે તમને બસ એક `હું’ની જરૂર પડે છે. તમે કૂદી જશો.