- જ્યારે કોઈ જીવને કોઈ જીવ પ્રત્યે આસક્તિ હોય ત્યારે તે જીવો માટે તેનું સ્મરણ કરવું સરળ પડે છે
એક વાર દેવર્ષિ નારદે પ્રભુને પૂછ્યું કે, `પ્રભુના પરમ ભક્તોમાં સૌથી પહેલું નામ કોનું આવે?’ ત્યારે પ્રભુએ કહ્યું કે, `જે ભક્ત મારું સદૈવ નામ લે છે તે મારો પરમ ભક્ત છે.’
પ્રભુની વાત સાંભળીને નારદજી વિચારવા લાગ્યા તો તો પ્રભુનો પરમ ભક્ત હું જ છું. બસ, આટલા જ વિચારે નારદજીમાં અભિમાન આવી ગયું. નારદજીમાં અહંકારનો સ્પર્શ જોઈને પ્રભુએ કહ્યું, `નારદ, આ દૂધના ઘડામાંથી એક પણ ટીપું ન છલકાય તેવું ધ્યાન રાખી આપ આખી પૃથ્વીની કેવળ એક પરિક્રમા કરી આવો.’
નારદજી પ્રભુની આજ્ઞા સાંભળી દૂધનો ઘડો માથે લઈ નીકળી પડ્યા. આખી પૃથ્વી પર ફરીને નારદજીએ ભગવાન વિષ્ણુ પાસે આવી ગર્વથી કહ્યું, `પ્રભુ, આપે આપેલું કાર્ય મેં પૂર્ણ કર્યું છે. એક પણ ટપકું મેં ઘડામાંથી નીચે પડવા નથી દીધું.’
નારદજીની વાત સાંભળીને પ્રભુએ કહ્યું, `નારદજી, આ પરિક્રમા દરમિયાન આપે મારા નામનું કેટલી વાર સંસ્મરણ કર્યું?’ ત્યારે નારદજી બોલ્યા, `પ્રભુ, મારું પૂર્ણ ધ્યાન દૂધના ઘડા પર હતું તેથી હું આપનું સ્મરણ કરી શક્યો નથી.’
ત્યારે પ્રભુએ કહ્યું, `હે નારદ! જે જીવ પોતાનું લૌકિક અને અલૌકિક કર્તવ્ય પૂરું કરતાં કરતાં એક પણ ક્ષણ મારું નામ ભૂલતો નથી અને સ્નેહપૂર્વક મારું નામ જપતો રહે છે તે જ મારો ખરો ભક્ત છે.’
ભગવાન વિષ્ણુ જેને નામસ્મરણ કહે છે કે તે સ્મરણભક્તિ એ નવધા ભક્તિનો જ એક ભાગ છે. શ્રીમદ ભગવદજીમાં કહ્યું છે કે, `શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એમાંથી નવધા ભક્તિમાં પ્રથમ 6 પ્રકારો (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન અને વંદન) તનની બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે અને બાકીની ત્રણ દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન તે અંત:કરણ સાથે સંબંધ ધરાવે છે. ભક્ત જ્યારે નિર્મળ હૃદયથી ભક્તિ કરે છે ત્યારે ભગવાન એ ભક્તિનો સ્વીકાર પ્રસન્નતાથી કરી પોતાના આનંદમય સ્વરૂપનું દાન ભક્તોને કરે છે.’
ધર્મશાસ્ત્રએ જે નામસ્મરણ ઉપર ભાર મૂકેલો છે તે સ્મરણ ક્યારે થાય? સ્મરણ અર્થાત્ કોઈને પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક યાદ કરવું, પરંતુ આપણે કોઈને ક્યારે યાદ કરીએ છીએ? સામાન્ય રીતે એમ કહેવાય જેને આપણે પ્રેમ કરતાં હોઈએ, જેનું મૂલ્ય આપણા માટે હોય, જેની સાથે સુખે-દુ:ખે બંધાયેલા હોઈએ તેવા લોકોનું સ્મરણ સહજ રીતે થઈ જાય છે.
જ્યારે અલૌકિકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે કોઈ જીવને કોઈ જીવ પ્રત્યે આસક્તિ હોય ત્યારે તે જીવો માટે તેનું સ્મરણ કરવું સરળ પડે છે.
ક્યારેક એવો પણ સવાલ થાય છે કે આપણે પ્રભુનું સ્મરણ ક્યારે કરી શકીએ? શ્રીવલ્લભ ચરણ કહે છે કે, `વૈષ્ણવો જ્યારે પોતાની વાસના, અહંકાર અને હું કર્તાને મૂકી દૈન્યતાપૂર્વક પ્રભુના શરણે જાય છે ત્યારે જ પ્રભુનું નામ હૃદયપૂર્વક લઈ શકે છે.’
બીજો પ્રશ્ન એ છે કે પ્રભુનું નામસ્મરણ કરવા માટે કેવું વાતાવરણ હોવું જોઈએ? શ્રી પ્રભુએ ઉદ્ધવજીને સ્વયં કહ્યું છે, `એકાંતમાં જઈ ચિત્તને મારામાં જોડીને મારું સ્મરણ કર, તને મારા કોઈ પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે.’
નારદસૂત્રમાં નારદજીએ કહ્યું કે, `જ્યાં સુધી ભક્તોનાં હૃદય, મન અને આત્મામાં રહેલી દેહબુદ્ધિ દૂર થતી નથી ત્યાં સુધી તે ભક્ત પૂર્ણ શરણાગતિ સાથે, સાચા મનથી પ્રભુનું નામસ્મરણ કરી શકતો નથી.’
એક વાર શુકદેવજીએ મહર્ષિ દ્વૈપાયનને પૂછ્યું કે, `હે પિતૃચરણ, કહો શું પ્રભુના નામસ્મરણ અને સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ રહેલો છે?’ મહર્ષિ વેદવ્યાસજી ઉત્તરમાં કહે છે કે, `હે પુત્ર! વનમાં રહેલા ગોપીજનોને યશોદાના પુત્ર બાળકૃષ્ણ સાથે અત્યંત આસક્તિ છે તેથી તેઓ જાગતાં, ઊઠતાં, ખાતાં-પિતાં, પોતાનાં સર્વ લૌકિક-અલૌકિક કાર્યો કરતાં કરતાં કેવળ અને કેવળ બાળકૃષ્ણનું જ સ્મરણ કરે છે. ત્યારે શુકદેવજીએ કહ્યું, `હે પિતૃચરણ! આપના કહેવાનું તાત્પર્ય હું સમજ્યો નથી.’ ત્યારે વેદવ્યાસજીએ કહ્યું,`બાલકૃષ્ણના ગુણ અનેક છે, પરંતુ ગોપીજનો જેમનું સ્મરણ કરે છે તે સ્વરૂપનું એક નામ છે તેથી ગોપીજનોએ પ્રથમ સ્નેહ નામ સાથે કર્યો ત્યારબાદ બીજો સ્નેહ તેમના સ્વરૂપ સાથે કર્યો છે જેથી કરીને જ્યારે જ્યારે ગોપીજનો તે નામસ્વરૂપનું ધ્યાન ધરે છે ત્યારે ત્યારે તેઓ સહજ રીતે તેમનું સ્મરણ કરી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે નામ અને રૂપ એ બંને જુદાં નથી, પણ રૂપની પહેલાં પણ નામ આવે છે અને પછી પણ તે જ ચાલુ રહે છે. હે પુત્ર! નામ લેતી વખતે રૂપનું ધ્યાન સૂક્ષ્મ રૂપે અંદર જ રહેતું હોવાથી પ્રત્યેક ભક્તોએ પોતાના આરાધ્યનું નામસ્મરણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.’