- જ્યારે કોઈ વ્યક્તિ અનુભવના આધારે જાણી લે છે કે બધું જ કેટલું પરિવર્તનશીલ છે, ત્યારે તે પોતાની અંદરથી પકડ ઢીલી કરી દે છે
તમારું મન સતત ભેદભાવ કરે છે. તેથી પહેલું પગલું એ છે કે પસંદ અને નાપસંદ, કામ અને ક્રોધને ઓછા કરવા. જો તમે આને ઓછું કરો, તો ધીમેધીમે વસ્તુઓ એકસાથે જોડાઈને ભળી જવા લાગે છે. ઓછામાં ઓછું જ્યારે તમે બેસીને ધ્યાન કરતા હોવ, ત્યારે બીજું કશું અસ્તિત્વમાં નથી રહેતું. ત્યાં બસ એક `અસ્તિત્વ’ છે; બીજું કંઈ નથી.
હું કેવી રીતે કહી શકું કે અહીં બીજું કંઈ નથી? અસ્તિત્વમાં કેટલું બધું થઈ રહ્યું છે – પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ અને પવન. હું કેવી રીતે કહી શકું કે આ વાસ્તવિક નથી? તે સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. એવું નથી કે તે વાસ્તવિક નથી, તે બસ એટલું જ છે કે તમારું મન વાસ્તવિક નથી. તમે જે તમારા મનથી જુઓ છો તે બધું અવાસ્તવિક બની જાય છે. અત્યારે તમે જેને વાસ્તવિકતા કહો છો તે વાસ્તવિક નથી. ચાલો તેને આ રીતે સમજીએ: અત્યારની વાસ્તવિકતા અને પરમ વાસ્તવિકતા. જ્યારે હું કહું છું કે અત્યારની વાસ્તવિકતા એ વાસ્તવિક નથી ત્યારે, એનો અર્થ એ નથી કે થતો કે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. તેનું અસ્તિત્વ છે, પરંતુ તેની પ્રકૃતિ ખૂબ જ પરિવર્તનશીલ છે. આગલી ક્ષણે, જો અસ્તિત્વ ઇચ્છે તો, આખો ખેલ એ રીતે પૂરો થઈ જાય કે જાણે તે ક્યારેય ત્યાં હતું જ નહીં.
તમે તેને આ રીતે જોઈ શકો છો. ધારો કે તમે તમારા મનપસંદ કલાકારને જોવા થિયેટરમાં જાઓ અને ફિલ્મ પણ સારી નીકળી. તમે તેમાં ડૂબી ગયા, તમે તમારાં હીરો કે હિરોઈન સાથે રડ્યા, તમે તેમની સાથે હસ્યા, તમે તેમની સાથે લડ્યા. બધું કેટલું સાચું હતું; તે જીવન હતું. મોટાભાગના લોકો ફક્ત ફિલ્મ દ્વારા તેમના જીવનને જીવે છે; તે એટલું બધું વાસ્તવિક છે. હવે છેલ્લે, ઓછામાં ઓછું તેઓ જણાવે છે, `ધ એન્ડ’…તે સમાપ્ત થઈ ગયું છે. બસ પૂરું; તે સમાપ્ત થઈ ગયું છે.
કેટલાક લોકો ફિલ્મમાં એટલા લીન થઈ જાય છે કે, તેમના માટે તે માનવું અઘરું બની જાય છે કે તે પૂરું થઈ ગયું છે. તેઓ ઊઠીને જવા નથી માંગતા. અહીં પણ એવું જ છે. આ આખી વસ્તુ પ્રકાશનો એક ખેલ છે.
તો આધ્યાત્મિક માર્ગનો મૂળભૂત ધ્યેય એ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ અનુભવના આધારે જાણી લે છે કે બધું જ કેટલું પરિવર્તનશીલ છે, ત્યારે તે પોતાની અંદરથી પકડ ઢીલી કરી દે છે. તે કશામાં અટવાયેલો નથી. જ્યારે તે કોઈ બાબતમાં અટવાયેલો નથી, પછી જો તે ઇચ્છે તો તે દરેક વસ્તુમાંથી ખસી જઈ શકે છે અથવા જો તે ઈચ્છે તો, તે દરેક વસ્તુનો આનંદ માણી શકે છે પણ ત્યાં કોઈ પીડા નથી હોતી