- જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો યજ્ઞને સૌથી સરળ વિધાન માનવામાં આવે છે, પરંતુ કયા પ્રકારના યજ્ઞથી તે સંભવ છે?
શાસ્ત્રો જણાવે છે કે જેનાથી આપણા સમાજનું અને વિશ્વનું ભલું થતું હોય એવા યજ્ઞ કરવા જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે દંપતી દરરોજ શ્રદ્ધાભાવથી પરિવાર સહિત યજ્ઞ કરે છે તેમની બધી જ કામનાઓ પૂર્ણ થાય છે.
વેદ અનુસાર યજ્ઞકુંડમાં નાખવામાં આવેલી હવનસામગ્રી, ઘી, મિષ્ટાન્ન અને શ્રદ્ધા, ભક્તિ વગેરે મળીને યજમાનની બધી જ કામનાઓ કે ઇચ્છાઓને પૂર્ણ કરે છે. ભગવત પુરાણ અનુસાર દરરોજ સવારે ઊઠીને સૌથી પહેલાં સૂર્ય દેવતાને પ્રણામ કરવા જોઈએ. ગાયનું છાણ કે જે અતિ પવિત્ર છે તેનાથી તે યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો હોય તે સ્થાન ખૂબ જ શ્રદ્ધાપૂર્વક લીંપવું જોઈએ. ગાયનું ઘી, અક્ષત અને પૂજનની અન્ય સામગ્રી લઈને પરિવાર સહિત યજ્ઞ કરવો જોઈએ.
વેદો અનુસાર આ બ્રહ્માંડની ધુરા યજ્ઞ છે. તેથી ભગવાન પણ યજ્ઞ કરનારને પસંદ કરે છે. વિશ્વ કલ્યાણ માટે કાર્ય કરનારાઓને દેવતા પણ પસંદ કરે છે. અહીં અર્થ એમ છે કે વિશ્વનું કલ્યાણ કરવું તે પણ એક યજ્ઞ છે.
આપણે આપણી શક્તિ અને સામર્થ્ય મુજબ સમાજ કલ્યાણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈનું ભલું કરી શકીએ તેમ ન હોઈએ તો કોઈનું ખરાબ પણ ન કરવું.
તૈત્તરીય આરણ્યક અનુસાર આપણે યજ્ઞની જ્યોતને ક્યારેય ન બુઝાવા દેવી જોઈએ. આપોજ્યોતિ રસોમૃતંબ્રહ્મ ભૂર્ભવ:સ્વરો સ્વાહા। અર્થાત્ યજ્ઞની જ્યોત જલાવવાથી માત્ર એક લોકનું જ નહીં, પરંતુ ત્રણે લોકનું કલ્યાણ થાય છે. તેનાથી પરમપિતાની કૃપા પ્રાપ્ત થાય છે. પરમાનંદનું પરમ સુખ મળે છે અને તે મોક્ષ પણ અપાવે છે.
અગ્નિપુરાણમાં જણાવાયું છે કે જે મનુષ્ય સંપૂર્ણ શ્રદ્ધાથી પોતાનાં માતા-પિતાની સેવા કરે છે અને તેમને બધી રીતે ખુશ રાખે છે તેમને પણ યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. પુરાણોમાં એવા ઘણા પ્રસંગ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માતા-પિતાની સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે. વેદોમાં દરરોજ પાંચ યજ્ઞ કરવાની પ્રેરણા આપવામાં આવી છે. બ્રહ્મ યજ્ઞ એટલે કે દરરોજ સંધ્યાના સમયે ઈશ્વરની પૂજા કરવી. બીજો છે દેવ યજ્ઞ. આ દેવ યજ્ઞને જે હવન કહેવામાં આવે છે. ત્રીજો છે અતિથિ યજ્ઞ. ચોથો છે પિતૃ યજ્ઞ અને પાંચમો છે બલિવેશ્વ યજ્ઞ.
આ પાંચ પ્રકારના યજ્ઞ કરનારા મનુષ્યો જ માનવસમાજના આધાર છે. આજે પરિવાર, સમાજ અને પ્રકૃતિમાં જાતજાતની સમસ્યાઓ વધવા લાગી છે. જો તેને રોકવી હોય તો દરેક પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે યજ્ઞ થવો જરૂરી છે.