- ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ રખાશે
- 5 વર્ષની ઉંમરવાળા ભગવાન રામની હશે મૂર્તિ
- ભવ્ય ડિવાઇન ડ્રોઇંગથી તૈયાર થઇ રહી છે મૂર્તિ
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ યોજાનાર છે. આ સમારોહ સંબંધિત કાર્યક્રમ 15 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર ભગવાન રામની મૂર્તિ તેમના બાળ સ્વરૂપની હશે.
મૂર્તિમાં શું હશે વિશેષતા
આ અગે મંદિર ટ્રસ્ટે 27 ડિસેમ્બરે કહ્યું કે, રામ લલા એટલે કે ભગવાન રામની તેમના બાળ સ્વરૂપની મૂર્તિ આવતા મહિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. જેના અંગે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મૂર્તિ 51 ઈંચ ઊંચી હશે. આ મૂર્તિ 5 વર્ષની ઉંમરના ‘રામ લલા’ની હશે. ભવ્ય ડિવાઇન ડ્રોઇંગથી મૂર્તિ તૈયાર થઇ રહી છે.
આ માટે ત્રણમાંથી એક ડિઝાઇન પસંદ કરવામાં આવશે. ચંપત રાયે જણાવ્યું કે શ્રેષ્ઠ દિવ્યતા અને બાળ સુલભતા દર્શાવતી મૂર્તિની પસંદગી કરવામાં આવશે. એક અઠવાડિયામાં ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવશે. જેની સાથે જ 26 ડિસેમ્બરે ચંપત રાયે મીડિયાને રામ મંદિર પરિસરનો નકશો બતાવ્યો હતો.
ક્યારથી શરૂ થશે કાર્યક્રમ
15 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામ લલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે, જે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ છે. ત્યારબાદ 17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ સાથે શહેરની યાત્રા કાઢવામાં આવશે. આ પછી 18મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે અને 19મી જાન્યુઆરીએ યજ્ઞ અગ્નિની સ્થાપના કરવામાં આવશે.
20 જાન્યુઆરીએ ગર્ભગૃહને 81 કળશ સરયૂ પાણીથી ધોયા બાદ વાસ્તુની પૂજા કરવામાં આવશે. 21 જાન્યુઆરીએ રામલલાને 125 તીર્થધામોના જળથી સ્નાન કરાવવામાં આવશે. છેલ્લે, રામલલાનો વાજતે ગાજતે રાજ્યાભિષેક 22 જાન્યુઆરીએ મૃગશિરા નક્ષત્રમાં મધ્યાહ્ન સમયે થશે. આ પ્રસંગે પીએમ મોદી મુખ્ય યજમાન રહેશે. ભારત અને વિદેશના વીવીઆઈપી મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.


