– ઘઉંની આયાત પર ચાલીસ ટકા ડયૂટી નાબુદ કરવા દબાણ
Updated: Oct 18th, 2023
મુંબઈ : તહેવારો નિમિત્તે માગ નીકળતા દેશની મુખ્ય મંડીઓમાં ઘઉંના ભાવ ઉછળીને આઠ મહિનાની ટોચે પહોંચ્યા છે. મર્યાદિત પૂરવઠાને કારણે પણ ભાવને ટેકો મળ્યો છે. દેશની ફલોર મિલોને આયાતી ઘઉં પરવડી શકે એમ નહીં હોવાથી ઘઉંની આયાત પણ સીમિત રહે છે.
ભાવમાં ઉછાળાને પરિણામે બફર સ્ટોકસમાંથી વધુ ઘઉં છૂટા કરવાનું સરકાર પર દબાણ આવી શકે છે એટલું જ નહીં દેશમાં ઘઉંનો પૂરવઠો વધારવા ઊંચી આયાત ડયૂટી દૂર કરવાનું પણ જરૂરી બની રહેશે એમ બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
પાંચ રાજ્યોમાં આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ તથા ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર ઘઉં જેવા મુખ્ય અનાજના ભાવ કાબુમાં રહે તે ઈચ્છી રહી છે. કારણ કે અનાજના ઊંચા ભાવ ખાધાખોરાકીના ફુગાવામાં વધારો કરાવે છે.
મંગળવારે નવી દિલ્હીમાં ઘઉંના ભાવ વધી પ્રતિ ટન ૨૭૩૯૦ બોલાતા હતા જે ફેબુ્રઆરી બાદ સૌથી ઊંચા છે એમ સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા ૬ મહિનામાં ઘઉંના ભાવમાં ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે.
તહેવારો નિમિત્તેની માગ ઉપરાંત પૂરવઠા ખેંચથી ભાવમાં વધારો થયો છે. ઘરઆંગણે માલ ખેંચ દૂર કરવી હશે તો સરકારે ઘઉં પરની ચાલીસ ટકા આયાત ડયૂટી નાબુદ કરવી પડશે એમ રોલર ફલોર મિલર્સ’ ફેડરેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
જો કે ઘઉં પરની ડયૂટી નાબુદ કરવાનો હાલમાં કોઈ ઈરાદો નહીં હોવાનું અન્ન મંત્રાલય વતિ તાજેતરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. દેશમાં ઘઉંનો પૂરતી માત્રામાં સ્ટોકસ હોવાનો તેમણે દાવો કર્યો હતો. ૧લી ઓકટોબરના રોજ સરકાર પાસે ૨.૪૦ કરોડ ટન ઘઉંનો સ્ટોકસ હતો જે છેલ્લા પાંચ વર્ષની ૩.૭૬ કરોડ ટનની સરેરાશ કરતા ઘણો નીચો હતો.
૨૦૨૩ની રવી મોસમમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતા નીચું રહ્યાનું બજારના વર્તુળો માની રહ્યા છે માટે આગળ જતા ભાવમાં વધુ વધારો નકારી શકાય એમ નથી.