રાજકોટને વિશ્વ ફલક પર લઈ જવાનું સ્વપ્ન કોઈએ સેવ્યું હોય તો એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનના પૂર્વ સચિવ નિરંજન શાહ છે. 1983માં સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત ઈરાની કપનું આયોજન કર્યા બાદ નિરંજન શાહના અથાક પ્રયત્ન થી રાજકોટ ને ટાંચા સાધનો વચ્ચે પણ અનેક વન ડે મેચમાં આયોજન નો લાભ મળ્યો. પરંતુ નિરંજન શાહ BCCI ના સેક્રેટરી બન્યા ત્યારથી તેમનું સ્વપ્ન હતું કે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાય. એ સમયમાં જ માત્ર મુંબઈ, કલકત્તા, કાનપુર, દિલ્હી, ચેન્નાઇ અને બેંગલોર જેવા સેન્ટર માં જ રમતાં હતા. પરંતુ નિરંજન શાહ નું સ્વપ્ન ત્યારે પૂરું થયું જ્યારે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રાજકોટને 2016 નવેમ્બરમાં પ્રથમ વખત ટેસ્ટ મેચનું યજમાનપદ સોંપ્યું.
એ પળ યાદ કરતા નિરંજન શાહ જણાવે છે કે આજની તારીખે સાચું ક્રિકેટ એ ટેસ્ટ મેચ ક્રિકેટ છે. દુનિયાના દિગ્ગજ ક્રિકેટરમાં સચિન હોય, વિરાટ કોહલી હોય, વિવ રિચાર્ડ્સ હોય કે સ્ટીવ સ્મિથ હોય.પણ એમના માટે પણ સાચું ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટ રહ્યું છે.
નિરંજન શાહ જણાવે છે કે વિશ્વની બે દિગ્ગજ ટેસ્ટ ટીમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાય તે એટલા માટે પણ યાદગાર છે કારણ કે આ જ બંને ટીમો વચ્ચે બંને દેશનો પ્રથમ ટેસ્ટ મેચ 1932 માં રમાયો હતો. 9 નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ મેચ શરૂ થતાં વિશ્વ ક્રિકેટમાં રાજકોટ વિશ્વનું 120 મુ ટેસ્ટ સેન્ટર બન્યું હતું.