પાકિસ્તાન પોતાના દુષ્ટ કૃત્યો બંધ નથી કરી રહ્યું. એક તરફ 10 મેના રોજ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો તેના થોડા કલાકો બાદ પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનના આ કૃત્યથી ફરી એકવાર ભારતમાં ગુસ્સો ફેલાયો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે.
શિખર ધવન પાકિસ્તાન પર ગુસ્સે ભરાયા
પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રે જાહેર કરાયેલા યુદ્ધવિરામ બાદ ક્રિકેટરોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ દરમિયાન શિખર ધવને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ‘ઘટીયા દેશ ને ફીર અપના ઘટીયાપન પૂરી દુનિયા કે આગે દિખા દિયા. #Pakistan’. આ સિવાય ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પોસ્ટમાં લખ્યું છે કે, ‘કૂતરાની પૂંછડી વાંકી રહે છે.’
વિદેશ મંત્રાલયે માહિતી આપી
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો અટકાવવા માટે એક કરાર થયો હતો પરંતુ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો તેમજ સરહદ પર ગોળીબાર કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.
IPL પણ સ્થગિત
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને BCCI એ 9 મેના રોજ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી. એવી અપેક્ષા છે કે IPL 2025 આવતા અઠવાડિયા સુધીમાં ફરી શરૂ થઈ શકે છે પરંતુ BCCI દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.


