- વરુણ દેવે કહ્યું કે આપ એક કુંડ બનાવો અને એનું નામ બ્રહ્મકુંડ રાખો. હું વરસીશ અને એમાં પાણી ભરી દઈશ. આખાયે ભૂ-ભાગમાં પાણી-પાણી કરી દઈશ, પરંતુ એ કુંડ આપ પહેલાં બનાવો
ગોદાવરી શું છે? પ્રવાહધારા છે. પરંપરા પ્રવાહી હોવી જોઈએ, કટ્ટર અને જડ નહીં. કોઈ પણ નદીની ધારા પ્રવાહમાન જ હોય છે. ગોદાવરી સનાતન ધર્મની પ્રવાહિત સરલ-તરલ ધારા છે. સભ્યતા અને સંસ્કૃતિ પ્રવાહમાન હોવી જોઈએ. જો એ કટ્ટર થઈ જાય, જડ થઈ જાય તો સંસ્કૃતિનું પોત નબળું પડી જાય છે અને તથાકથિત અનેક સભ્યતાઓ, તથાકથિત અનેક ધર્મધારાઓ શતાબ્દીઓ વીતી ગઈ છતાં પણ પોતાની જડતા અને કટ્ટરતા છોડી નથી શકી! અને આપણી સભ્યતા વૈશ્વિક ધારા છે. હું કોઈનું નામ ન લઉં, પરંતુ અનેક તથાકથિત ધારાઓ જડ અને કટ્ટર છે! મારા `માનસ’માં કળિપ્રભાવનું વર્ણન કરતા ગોસ્વામીજીએ કહ્યું છે –
કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભએ સદગ્રંથ
દંભિન્હ નિજ મતિ કલ્પિ કરિ પ્રગટ કિએ બહુ પંથ.
ઘણા લોકોએ પોતાની મનમાની કરીને કેટલાયે પંથ પ્રગટ કરી દીધા એવું તુલસી કહે છે. એ તો તુલસી ઉદાર છે એટલે એને પંથ પણ કહે છે. બાકી ન એ ધર્મ છે, ન એ સંપ્રદાય છે, ન એ પંથ છે! બીજાના ખેતરમાં પૂછ્યા વિના પાડેલી કેડીઓ છે! શું તમે એનાથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી લેશો! એ નાનીમોટી કેડીઓ છે અને પરિણામસ્વરૂપ જડતા પકડી લે છે. ગઈકાલે હું એક મહાપુરુષને મળવા ગયો તો એ બહુ જ સારી વાત કરતા હતા કે બાપુ, અમારી ધારાઓ તો નાની હોય છે, પરંતુ કોઈ મહાધારા મળે છે તો અમે એમાં અમારી ધારા મેળવી દઈએ છીએ એટલે સાગર સુધી પહોંચી જવાય. આપણી નાની નાની વિચારધારાઓ, તથાકથિત ધર્મધારાઓ જો સનાત ધર્મની પ્રવાહધારામાં મેળવી દેવામાં આવે તો ક્ષીરસિંધુવાળા વિષ્ણુ બહુ દૂર નથી અને એકલા વિષ્ણુ નહીં મળે, પરંતુ લક્ષ્મી સાથે એ વિષ્ણુ મળશે. ગોદાવરીનો બહુ જ તાત્ત્વિક અર્થ એ છે કે એ પ્રવાહમાન છે. ધર્મ જ્યારે જડ થઈ જાય છે ત્યારે હિંસા કરે છે, બેઈમાની કરે છે. હું તમને એ વાત કરતો રહું છું કે પરંપરા જડ નહીં હોવી જોઈએ, પ્રવાહી હોવી જોઈએ.
તમારા ઘરની દીવાલો હોય છે એ જેલની દીવાલો જેટલી મજબૂત નથી હોતી, પરંતુ ઘરની દીવાલો નબળી હોય તો પણ એમાં ચેન પડે છે. જેલની દીવાલો બહુ મજબૂત છે, પરંતુ જેલ, જેલ છે. દ્વાર તો ઘરમાં પણ હોય છે અને જેલમાં પણ હોય છે, પરંતુ ઘરના દરવાજા બહારથી પણ બંધ કરી શકાય છે અને અંદરથી પણ બંધ કરી શકાય છે. જેલના દરવાજા બહારથી જ બંધ કરી શકાય છે, એને અંદરથી બંધ કરવાની કોઈ વ્યવસ્થા જ હોતી નથી. એટલે જેલમાંથી જ્યારે ઇચ્છીએ ત્યારે દરવાજો ખોલીને નીકળી નથી શકાતું. ધર્મ એવો હોવો જોઈએ કે માણસ જ્યારે દ્વાર ખોલે ત્યારે ખૂલે. આપણને બંદી બનાવી દેવાય છે! ગોદાવરી આપણને પ્રવાહમય ધર્મની સૂચના આપે છે, જડતાની નહીં. ગોદાવરીની સાથે ઘણીબધી કથાઓ જોડાયેલી છે અને એ બધાના કેન્દ્રમાં ગૌતમ છે. અને એ કારણે જ એ ગૌતમી છે.
ગૌતમીની એક એવી કથા છે. ભૂમિ પર વરુણ દેવ બહુ જ કોપિત હતા અને ત્યારે બધા ઋષિગણ, દેવતાઓ ગૌતમ ઋષિ પાસે જાય છે અને કહે છે કે ભગવન્, આપની તપસ્યાના બળથી વરુણને પ્રસન્ન કરો. વરસાદ થાય અને સૌને અન્નજળ પ્રાપ્ત થાય; પશુપક્ષી બચી જાય અને ખેતરો હર્યાંભર્યાં થઈ જાય અને તપસ્યાના બળે મહર્ષિ ગૌતમે વરુણ દેવને પ્રસન્ન કર્યા અને કહ્યું કે આપ વરસો. ત્યારે વરુણ દેવે કહ્યું કે આપ એક કુંડ બનાવો અને એનું નામ બ્રહ્મકુંડ રાખો. હું વરસીશ અને એમાં પાણી ભરી દઈશ. આખાયે ભૂ-ભાગમાં પાણી-પાણી કરી દઈશ, પરંતુ એ કુંડ આપ પહેલાં બનાવો. એમાં હું વરસીશ અને પાણીનો સંચય થશે પછી ક્યારેય એમાંથી પાણી ઓછું નહીં થાય. તો પછી બ્રહ્મકુંડમાં પાણી ભરાઈ ગયું. અને ગૌતમપત્ની અહલ્યા અને ઋષિપત્નીઓમાં લડાઈ થઈ ગઈ. કઈ વાત પર લડાઈ થઈ? અહલ્યાએ કહ્યું, આ બ્રહ્મકુંડનું પાણી પહેલાં હું જ પીશ, કેમ કે એ મારા પતિએ બનાવ્યો છે. ખબરદાર, કોઈએ પીધું છે તો! આ બધી વાતો મારા મગજમાં ઊતરતી નથી! ઋષિમુનિની પત્નીઓએ ફરિયાદ કરી કે અહલ્યા અમને પાણી પીવા નથી દેતી. તો આ બધા ઋષિમુનિઓ ગણેશજી પાસે ગયા.
ગણેશને કહ્યું કે આપ અમને કંઈક મદદ કરો. ગૌતમની પત્ની અહંકારી થઈ ગઈ છે. એને ગૌતમની પત્ની હોવાનો ગર્વ છે અને આ ગૌતમ એને કંઈ કહેતા નથી. આપ કંઈક એવું કરો કે ગૌતમનો તપસ્યાભંગ થાય અને ગૌતમ આ પ્રદેશમાંથી ભાગી જાય. એવું એટલા માટે કહ્યું કે દરેક ક્ષેત્રમાં ગૌતમને બહુ જ આદર મળી રહ્યો હતો. અને કોઈ એકને વધારે આદર મળે તો એના સહધર્મીઓથી એ સહન નથી થઈ શકતું. પછી એ ઋષિમુનિ હોય તો પણ શું? કેમ કે પંચમહાભૂતના શરીરમાં ત્રણેય ગુણ હોય જ છે. ગુણાતીત તો કોઈ બ્રહ્માનંદી જ હોય છે.
મને એ સમજાતું નથી કે વિવેકના દેવતા ઋષિમુનિઓની વાતમાં આવીને ચડી કેમ ગયા? પહેલાં તો ગણેશે બધાને ઠપકો આપ્યો કે તમે ઈર્ષ્યા શું કામ કરો છો? જેમણે ઉપકાર કર્યો એમના પ્રત્યે આટલો દુર્ભાવ! પરંતુ મહાત્માઓએ પ્રશંસા કરીને ગણેશને વધુ ફુલાવ્યા. પછી ગણપતિએ ગાયનું રૂપ લીધું. વરસાદને કારણે બધાં ખેતરો હર્યાંભર્યાં થઈ ચૂક્યાં હતાં અને ત્યાં એક ગૌતમનું ખેતર હતું એમાં ગણેશ રૂપી ગાય જાય છે. ગૌતમ ઋષિ તપસ્યામાં ધ્યાનમાં હતા. એમની દૃષ્ટિ ગાય પર પડી. હવે મારી સમજમાં એ નથી આવતું કે ઋષિ ધ્યાનમાં હતા તો ગાયમાં એની દૃષ્ટિ કેવી રીતે ગઈ? પ્રશ્નો જ પ્રશ્નો છે! જે હોય તે! એમની દૃષ્ટિ ગઈ. હવે તપસ્યામાંથી ઊઠે તો અનુષ્ઠાનભંગ થાય! ક્રોધ કરે તો પણ અનુષ્ઠાનભંગ થાય! આ બાજુ ગાય ખેતરમાં બધું બગાડી રહી છે. હવે કરવું પણ શું? તો બેઠાબેઠા ગૌતમ ઋષિએ એક દર્ભનું તણખલું લીધું. મંત્ર ભણ્યા અને તણખલું ફેંક્યું. ગણેશ ગાય બનીને આવ્યા હતા. એમને એ લાગ્યું. ગાય મરી ગઈ અને પછી મુનિઓને વિરોધ કરવાનું નિમિત્ત મળી ગયું કે ગૌતમને ગૌહત્યા કરી! એને અહીંથી કાઢો! ગમે તેમ કરીને એ અહીંથી જવા જોઈએ.
પછી ગૌતમ કહે છે કે જો તમે કહેતા હો તો હું જોઉં. મારા જવાથી તમે રાજી થશો, પરંતુ દુનિયા તો સદાય મારી કરજદાર રહેશે, ઋણી રહેશે કે હું ગયો તો પણ ગોદાવરી આપીને ગયો. મેં જગતને ગોદાવરી પ્રદાન કરી છે. જગતને આ પ્રવાહમાન વિચારધારા પ્રદાન કરી છે. નિયતિને કારણે એવી ઘટના ઘટી હશે. બાકી ઋષિમુનિ લડે એ મને માફક નથી આવતું. ઋષિપત્ની દાવો કરે કે આ પાણી પહેલાં હું જ પીઉં એ પણ મને માફક નથી આવતું. મુનિગણ એકત્ર થઈને ષડ્યંત્ર કરીને ગૌતમને કાઢી મૂકવાની કોશિશ કરે, એ પણ મને જરાય સારું નથી લાગતું. એ ઋષિમુનિઓ ગણેશને ચઢાવે અને ગણેશ એમની વાતમાં આવી જાય એ તો જરા પણ સારું નથી લાગતું, પરંતુ પરમાત્માની ઇચ્છાને અનુકૂળ થયું હશે. તો ગોદાવરી સનાતન ધર્મની જડતાનું પ્રતીક નથી, પ્રવાહમાન ગતિનું સ્વરૂપ છે. આપણે પણ થોડા પ્રવાહમાન થઈએ. યુવાની પ્રવાહમાન થવા લાગી છે એ એકવીસમી સદીનાં શુકન છે.