- લોકસભામાં PoK અકસાઈ ચીનને લઈને ભાજપ કોંગ્રેસ આમને-સામને
- મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાના બિલને મંજૂરી
- PoK અને અક્સાઈ ચીન કોના શાસનમાં ગયા હતા: અમિત શાહ
જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરીની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાના બિલને લોકસભાએ મંગળવારે 12 ડિસેમ્બરે મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર જોરદાર હુમલા કર્યા હતા. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમંત્રી અમિત શાહને સવાલ કર્યો હતો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નું ભારતમાં વિલય ક્યારે થશે? આ સવાલ પર ગૃહમાં હાજર અમિત શાહે ખુદ જવાબ આપ્યો હતો.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અમને સવાલ કરી રહ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે અક્સાઈ ચીન ક્યારે પરત આવશે. PoK ક્યારે આવશે… બિલ પસાર થઈ ગયા છે, નહીં તો મેં જવાબ આપ્યો હોત… હજુ પણ આપીશ. હું પૂછવા માંગુ છું કે PoK અને અક્સાઈ ચીન કોના શાસનમાં ગયા હતા. આ સવાલનો જવાબ આપી દો.
‘નેહરુને દોષ ન આપો’
આ અંગે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ત્રણ યુદ્ધ લડ્યા છે. ઈન્દિરા ગાંધી આયર્ન લેડી હતા. ઈતિહાસને વિકૃત ન કરો. નેહરુ પર આવા આક્ષેપો ન કરો. તમે શા માટે ક્લાસિફાઈડ કર્યું છે?
આ દરમિયાન કોંગ્રેસ નેતાએ કલમ 370 પર સોમવારે 11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. ચૌધરીએ કહ્યું, “જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ. સરકારે ચૂંટણી કરાવવી જોઈએ. અમે પહેલાથી આની માંગણી કરી રહ્યા છીએ. તમે ગૃહમાં વચન આપ્યું હતું કે તમે ચૂંટણી કરાવશો.”


