મોટાભાગે આપણે ઈશ્વરને મંદિર, મસ્જિદ, દેવળ, ગુરુદ્વારા તથા જંગલો, ગુફાઓ, હિમાચ્છાદિત પર્વતમાળાઓ વગેરે બાહ્ય જગતમાં શોધતા ફરીએ છીએ. તેમ છતાં તે શોધ્યા જડતા નથી, કારણ કે તેનું અસલ નિવાસસ્થાન તો ક્યાંક બીજે છે. ઈશ્વરનું અસલ મંદિર તો માનવીનું પોતાનું હૃદયસ્થળ છે.
ભગવાનને પામવા માટે અનેક અનુષ્ઠાન અને આકરાં જપ તપ કરવામાં આવે છે. પ્રભુનાં દર્શન માટે યાત્રા કરવામાં આવે છે. ગિરિ પર્વત ચડવામાં આવે છે, પણ શું આ બધું જ કરીને આપણે ખરા અર્થમાં ભગવાનને પામી શકીએ છીએ? તો તેનો જવાબ ના જ હશે. ભગવાન તો ખરા અર્થમાં એ મનમંદિરમાં બિરાજે છે અને આ મનમંદિર કોઈ મનુષ્યે નહીં, પણ ભગવાને જ બનાવ્યું છે, જે પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલું છે અને અત્યંત શ્રેષ્ઠ સુંદર છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ કહ્યું છે કે, `હું બધાં પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત સૌનો આત્મા છું. તેઓ કહે છે કે સૌની અંદર છુપાયેલું અંત:કરણ છું, જે ઊંડું કેન્દ્ર છે તે જ હું છું. બ્રહ્માથી લઈને આજ સુધીનાં જેટલાં પ્રાણીઓ છે તે બધામાં આત્મારૂપે હું સ્થિત છું.’ મહર્ષિ અરવિંદ પણ કહે છે કે, `ઈશ્વર સમસ્ત પ્રાણીઓમાં આત્મારૂપે નિવાસ કરે છે. હૃદયને આત્માનું અધિષ્ઠાન માનવામાં આવ્યું છે. આશય એટલે કે આશ્રયસ્થાન. મનમાં તો સારા-ખોટા દરેક જાતના વિચારો આવતા રહે છે, પરંતુ હૃદય તો સદ્ભાવનાનું આશ્રયસ્થાન છે. તેનું નિર્માણ દિવ્ય તત્ત્વોથી થયેલું છે, તેથી તેમાં ભગવાનનું નિવાસસ્થાન છે.’
પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે પરાક્રમી રાક્ષસોને અજેય માનવામાં આવતા હતા. દેવાસુર સંગ્રામમાં હિરણ્યાક્ષનું મૃત્યુ થઈ ગયું, તેથી પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા હિરણ્યકશિપુ ભગવાન સાથે લડવા માટે ગદા લઈને નીકળી પડ્યો. જેવું યુદ્ધ શરૂ થયું કે તરત ભગવાન અંતર્ધાન થઈ ગયા. તેમને શોધતાં શોધતાં હિરણ્યકશિપુની મુલાકાત દેવર્ષિ નારદ સાથે થઈ ગઈ. નારદજીએ પૂછ્યું કે યુદ્ધમાં કોનો વિજય થયો? હિરણ્યકશિપુ બોલ્યો, `લડતાં લડતાં કોણ જાણે તેઓ ક્યાં છુપાઈ ગયા કે હું તેમને જોઈ જ ન શક્યો.’ નારદજીએ જઈને ભગવાનને પૂછ્યું, `તમે ક્યાં સંતાઈ ગયા હતા, જેથી હિરણ્યકશિપુ તમને જોઈ જ ન શક્યો?’ ભગવાને કહ્યું, `હું તો બધાં જ પ્રાણીઓમાં મારા રહેવાના સ્થાન એવા તેના હૃદયમાં જ બેઠો હતો.’
મહાભારતના શાંતિપર્વ અધ્યાય 224માં પણ એક પ્રસંગ આવે છે કે ભગવાન વામન અવતાર દ્વારા ત્રણે લોકોને માપી લીધા. પછી દેવરાજ ઈન્દ્રે ભ્રમણ કરતાં કરતાં એક ગુફામાં બેઠેલા દૈત્યરાજ બલિને જોયા. તેની મશ્કરી કરતાં ઈન્દ્ર પોતાની શક્તિ-સામર્થ્યનાં વખાણ કરવા લાગ્યો. બલિએ ખૂબ જ નિર્ભયતાથી કહ્યું, `અંતર્યામી પ્રભુ હૃદયમાં બેસીને પ્રાણીઓનાં કર્મો અનુસાર તેમને સંસારક્રમમાં ફેરવતા રહે છે. જેણે આજે તેને રાજાના પદે પહોંચાડ્યો છે, એવી જ રીતે કર્માનુસાર ક્યારેક મને પણ પહોંચાડશે.’ શ્રુતિઓ દ્વારા પણ સાબિત થાય છે કે ઈશ્વર સૌનો અંતર્યામી છે.
પુરાણશાસ્ત્રનાં તમામ પ્રમાણ એક જ વાતને દર્શાવે છે કે ભગવાન હૃદયમાં વાસ કરે છે અને એટલે કુકર્મ કરવા જઈ રહેલી વ્યક્તિને સૌ પ્રથમ તેના અંતરાત્માનો પોકાર જ આવું કરતાં રોકે છે.
આ પોકાર બીજા કોઈનો નહીં, પણ સ્વયં ભગવાનનો હોય છે. ભગવાન જ તેના સંતાનને ખોટા માર્ગે જતાં રોકવા માટે પ્રયાસ કરે છે. આ રીતે આપણે મનમંદિરમાં બિરાજતા એ આરાધ્યનું સમર્પણભાવથી સન્માન કરવું જોઈએ અને ભગવાનના નિવાસસ્થાનને કામ, ક્રોધ, લોભ, મોહથી દૂર રાખવું જોઈએ, જેથી હૃદયમાં બિરાજતા ભગવાન હંમેશાં આપણા જીવનને યથાર્થ માર્ગ પર ચલાવતા રહે.