- ન્યુયોર્ક, વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલ્સમાં અનેક કાર્યક્રમો
- ત્રિનિદાદ અને ટોબેગોમાં 5000 લોકો રામભક્તિમાં ડૂબ્યાં
- મોરેશિયસમાં ભારતવંશીઓ રામભક્તિમાં થયા તરબોળ
અયોધ્યામાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી. તેની સાથે જ રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઈને મોરેશિયસ અને ત્રિનિદાદથી લઈને ટોબેગો જેવા દેશોમાં પણ રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમેરિકાના ન્યુયોર્કથી લઈને વોશિંગ્ટન અને લોસ એન્જલ્સ સુધી રામભક્તો ભક્તિ અને આસ્થામાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. ન્યુયોર્કના લોકપ્રિય ટાઈમ સ્ક્વેર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર રેલી કાન કાઢવામાં આવી અને અન્ય કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા.
રામમય બન્યું અમેરિકા
ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેર ખાતે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જેને જોવા માટે ભારતીય સમુદાયના હજારો નાગરિકો એકત્રિત થયા હતા. આ દરમિયાન ટાઈમ્સ સ્ક્વેર શ્રી રામ અને રામ મંદિરના 3D ચિત્રોથી રંગાઈ ગયું હતું. અહીં પરંપરાગત પોશાકમાં લોકો ભજન ગાતા અને ડાન્સ કરતા જોઈ શકાય છે.
તો, વોશિંગ્ટન ડીસીના વર્જીનિયાની ફેરફેક્સ કાઉન્ટીમાં એસવી લોટસ ટેમ્પલ ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં શીખ, મુસ્લિમ અને પાકિસ્તાની મૂળના અમેરિકન નાગરિકો સહિત 2500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે લોસ એન્જલ્સમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 250 કાફલાની આ રેલીમાં 1000 લોકોએ ભાગ લીધો હતો. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA) અને કેનેડાની વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા અને કેનેડામાં 1000 થી વધુ મંદિરોની પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રા 25 માર્ચે મેસેચ્યુસેટ્સના ઓમ હિન્દુ સેન્ટરથી શરૂ થશે. આ દરમિયાન એક સુસજ્જ વાનમાં શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓને લઈ જવામાં આવશે. આ પદયાત્રા 45 દિવસ સુધી ચાલશે.
ત્રિનિદાદ અને ટોબેગોમાં 5000 લોકો રામભક્તિમાં ડૂબ્યાં
ત્રિનિદાદ અને ટોબેગોમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકોએ એક કાર્યક્રમમાં સામેલ થાય હતા. આ દરમિયાન 5000 થી વધુ લોકોએ એકત્રિત થઈને રામભક્તિનું અનોખુ પ્રદર્શન કર્યું હતું.
મોરેશિયસમાં ભારતવંશીઓ રામભક્તિમાં થયા તરબોળ
મોરેશિયસ સરકારે સરકારી કર્મચારીઓ માટે બે કલાકની વિશેષ રજા જાહેર કરી હતી. આ દરમિયાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમારે કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે કે ભગવાન શ્રી રામ અયોધ્યા આવ્યા છે. ભગવાન કરે તેમના આશીર્વાદ શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય હિંદ, જય મોરેશિયસ.
મેક્સિકોનું પહેલું રામમંદિર ચર્ચાનું કેન્દ્ર
મેક્સિકો પણ સોમવારના રોજ રામની ભક્તિમાં ડૂબેલું જોવા મળ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ મેક્સિકોને તેનું પહેલું રામ મંદિર પણ મળ્યું. મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં પહેલું રામ મંદિર તૈયાર થઈ ગયું છે. આ પહેલા અહીં એક હનુમાન મંદિર પણ છે, જ્યાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફિજીમાં રામલલ્લા ઉત્સવની ધૂમ
ફિજીમાં 18થી 22 જાન્યુઆરી સુધી રામલલ્લા ઉત્સવના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. ફિજીની રાજધાની સુવામાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં વિશાળ કાર રેલી યોજાઇ
ઓસ્ટ્રેલિયામાં પણ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા લઈને અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના સેંકડો મંદિરોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પહેલા, સિડનીમાં ભારતીય પ્રવાસીઓએ કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં 100 થી વધુ કારોએ હિસ્સો લીધો હતો અને લોકોએ પોતાના ઘરની બહાર ફટાકડા પણ ફોડ્યા હતા.


