મોરબીના સોનલ શાહે પોતાના ઘરમાં નાની જગ્યામાં દેશ-વિદેશના તમામ પ્રકારના ફુલછોડ તેમજ ફ્રુટ અને શાકભાજી વાવ્યા છે, આવા ફૂલ છોડના સુંદર પ્લાન્ટ બનાવીને આપે છે સ્વજનોને ભેટ
ગાર્ડનિંગનો શોખ ડેવલપ કરવાથી ડિપ્રેશન, એકાકીપણું, ક્રોધ વગેરે દૂર રાખી શકાય અને શાંતિ મેળવી શકાય.
ઘરમાં ગાર્ડન હોય તો આખું વાતાવરણ બદલાય છે છે. એક સમયે ઘરની મોટી જગ્યામાં સહેલાઈથી ગાર્ડન બનાવી શકાતું પરંતુ વર્તમાન સમયમાં નાના ઘર અને ફ્લેટ સિસ્ટમ હોવાથી ગાર્ડનનો વિચાર કરવો પણ અશક્ય લાગે પરંતુ અત્યારના સમયમાં પોતાના ઘરમાં ઓછી જગ્યામાં સરસ મજાનું ગાર્ડન બનાવી શકાય છે. મોરબીના સોનલ શાહે પોતાના ઘરમાં નાની જગ્યામાં દેશ-વિદેશના તમામ પ્રકારના ફુલછોડ તેમજ ફ્રુટ અને શાકભાજી વાવ્યા છે. તેઓ આવા ફૂલ છોડના સુંદર પ્લાન્ટ બનાવીને સ્વજનોને ભેટમાં પણ આપે છે.
સોનલ શાહ કે જેઓ કુકિંગ એક્સપર્ટ છે, ટેલિવિઝનના જાણીતા રસોઈ શો સાથે સંકળાયેલા છે અને મિનિએચર કૂકિંગથી પણ જાણીતા છે.ટચૂકડા વાસણમાં રસોઈ બનાવવાનો એમનો શોખ અનેરો છે.કુકિંગ સાથે એમને ગાર્ડનિંગનો પણ ખુબ જ શોખ છે.આ ઉપરાંત મોરબીની અનેક જાણીતી સંસ્થા સાથે સંકળાયેલા છે.એક સાથે અનેક કામગીરી અને ઘર પરિવારની સંભાળ છતાં ગાર્ડનની દેખરેખ માટે તેઓ જરૂર સમય કાઢી લે છે. તેઓની સવાર બગીચાની સાર સંભાળથી જ શરૂ થાય છે.બગીચાના એક એક છોડ અને પર્ણથી તેઓ પરિચિત છે.તેઓ કહે છે કે ગાર્ડન બનાવતા બનાવતા તમે પણ તાજા અને ખીલેલા થઈ જાવ છોઘરનું આંગણું નાનું હોવાથી અલગ પ્રકારનું ટેરેસ ગાર્ડન વિકસાવ્યું છે જેમાં સીઝન અનુરૂપ ફૂલઝાડ ઉગાડ્યા છે. પોતાના બગીચાની વાત કરતા તેઓ પણ ફૂલોની જેમ ખીલી જાય છે તેઓએ જણાવ્યું કે, “મારા ઘેર ગાર્ડનમાં એક્સોરા, વૉટરલીલી,રૈન લીલી, પીસ લીલી, મોગરા, જાસુદ, બેલ જાસુદ, ગુલાબ, કેના, એડેનિયમ, મોર્નિંગ ગ્લોરી, ચંપો, સૂર્યમુખી, વિવિધ રંગની બોગન, જૂઈ, મધુ માલતી, કોયલ વેલ, વન્ડરીંગ જ્યું, સ્નેક પ્લાન્ટ , વડ, પીપર વગેરે ઉગાડ્યા છે. આ પ્લાન્ટ એમના તડકા છાયાની જરૂરત પ્રમાણે ગોઠવણ કરી છે.ગાર્ડનમાં પણ વાસ્તુ શાસ્ત્રનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેમ કે મુખ્ય દ્વાર પાસે ફળ આપનાર ચિકૂડી રાખી છે તો પૂર્વમાં તુલસી, ઉત્તર પૂર્વમાં વાંસ, પૂર્વમાં વડ અને મની પ્લાન્ટ, ઉત્તર પશ્ચિમ માં મધુ માલતી, પશ્ચિમમાં એરેકા પામ, દક્ષિણ પશ્ચિમ માં કમળ, દક્ષિણમાં લીમડો રાખ્યો છે.
તેઓ માને છે કે વાસ્તુ પ્રમાણે ગાર્ડનની સજાવટ લાભદાયી હોય છે.તેમના બગીચાની એક દિવાલ જે ગ્રીક સંસ્કૃતિ ની ઝલક છે જ્યાં બ્લૂ વ્હાઇટ મોરોકોન ટાઇલ્સ અને પિન્ક બોગન તેમજ એક કોર્નર આફ્રિકન બનાવી છે જ્યાં લાકડાના આફ્રિકન આર્ટિકલ્સ સાથે સુક્યુલન્ટ્સ અને સ્નેક પ્લાન્ટ્સ મુક્યા છે જેનું મૂળ આફ્રિકન છે કારણ કે આ ઓછા પાણી માં ઉછરે છે સાથે બુદ્ધ ભગવાનની પ્રતિમા, પરગોલા, ફાઉંટેન અને નાના પથ્થર મૂકી ઝેન ગાર્ડન બનાવ્યું છે.ગાર્ડનમાં વિવિધ છોડની ટોપિયારી જેવી કે લાલસા, ઝેડ, જૂઈ પણ છે.આ બધા માટે ઘરના શાકભાજીની છાલથી બનાવેલ ડિકમ્પોસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે”.
ઘરમાં આ રીતે ગાર્ડન બનાવી શકો
તેઓ જણાવે છે કે ફ્લેટ હોય કે મકાન તમે ઘરમાં ગાર્ડન બનાવી શકશો.મની પ્લાન્ટ, વન્ડરીંગ જ્યુ, સ્નેક પ્લાન્ટ, ઝેડ પ્લાન્ટ, લાલસા, પર્પલ હાર્ટ , ચીની ગુલાબ વગેરે દિવાલ પરના પ્લાન્ટરમાં ઉગાડી શકાય છે તેમજ તડકો આવતો હોય ત્યાં ફૂલના છોડ જેવા કે ગુલાબ, જાસુદ, મોગરા , એડેનિયમ જે ખુબ ઓછી જગ્યા માગે છે અને સાથે કોયલ વેલ ઉગાડી શકો અને જેડ, લાલસા ની ટોપિયારી બનાવીને ગેલેરી ગાર્ડન આકર્ષક બનાવી શકાય છે.તમારા રસોડામાંથી જ તમે ગાર્ડનને મેઈન્ટેન કરી શકો છો જેમ કે કેળા, ડુંગળી, લીંબુ વગેરેને પલાળીને એનું પાણી છોડ માટે ખુબ ઉપયોગી છે , રોજના દાળ ચોખા ધોયેલુ પાણી પણ વાપરી શકાય અને ગાર્ડનિંગનો શોખ ડેવલપ કરવાથી ડિપ્રેશન, એકાકીપણું, ક્રોધ વગેરે દૂર રાખી શકાય છે.ગાર્ડનિંગ મેડિટશન નું એક સ્વરૂપ છે.