કૃપાપાત્ર તો એ જ હોઈ શકે કે જે એક જ કૃપાળુની કૃપાની આશા કરે છે અને જે પોતાની સમગ્ર શક્તિ સમર્પણ કરીને કેવળ કૃપા પર જ પૂર્ણ ભરોસો ધરાવે છે, તેથી એકમાત્ર કૃપા જ જેનો સહારો છે તે જ કૃપાપાત્ર છે. આવા કૃપાપાત્ર પર કૃપા કરવા માટે કૃપાળુ ભગવાન પણ વિવશ થઈ ઊઠે છે. કૃપાપાત્રમાં કશુંક કરવાની શક્તિ શેષ બચી શકતી નથી, કેમ કે તેનાં સઘળાં સાધન કૃપામાં જ વિલીન થઈ જાય છે. જે પોતાના પ્રેમાસ્પદન પૂર્ણ પ્રભાવ થકી જાણે છે તે જ કૃપાનો પૂર્ણ આશ્રય ગ્રહણ કરી શકે છે.
શ્રીરામચરિતમાનસમાં વાલ્મીકિજીને શ્રીરામે પૃચ્છા કરતાં જણાવાયું છે કે જેનું શ્રવણ સમુદ્ર સમાન છે તેમજ જે પરમાત્માની કથાથી નિરંતર ઉલ્લાસિત રહે છે, છતાં પણ તે ખાલી ને ખાલીનો અનુભવ કરે છે અર્થાત્ કદાપિ તૃપ્ત થતા નથી, તેના હૃદયમાં ભગવાન પોતાનું નિવાસસ્થાન બનાવે છે. ભક્ત તો એક જ છે કે જેનું અંત:કરણ સમસ્ત પાપોથી અલિપ્ત બની ઈષ્ટદેવ પરમાત્માનું નિત્ય નિકેતન બની ગયું છે.
વસ્તુત: ભક્તિ સાધન પણ છે અને સાધ્ય પણ છે. સાધન અવસ્થામાં સાધન છે, સિદ્ધાવસ્થામાં સાધ્ય છે. સાધક આરંભમાં શ્રવણ, કીર્તન વગેરે નવધા ભક્તિનું સેવન સાધન ભાવથી કરે છે, પરંતુ કેટલાક સમયમાં તે ભક્તિ સાધ્ય બની જાય છે. સાધનાવસ્થામાં કંઈક કંઈક લૌકિક કામનાઓ રહે છે, તેથી સારી રીતે ભગવદ્ ભક્તિનો અનુભવ થઈ શકતો નથી, પરંતુ નવધા ભક્તિના સેવનથી કેટલાક સમયમાં કામનાઓનો સમૂળ નાશ થઈ જાય છે.
તુલસીદાસજી નવધા ભક્તિમાં ભગવદ્ નામને સર્વોપરી માને છે. જે ફળ સમ્યયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ અને દ્વાપરમાં દેવાર્ચન કરવાથી પ્રાપ્ત થાય છે. તે જ કલિયુગમાં કેવળ ભગવદ્ નામ સંકીર્તન કરવાથી મળી જાય છે. પાતંજલ યોગસૂત્રમાં જણાવાયું છે કે શ્રદ્ધા અને પ્રાપ્તિની સાથોસાથ લાંબા સમય સુધીના અભ્યાસની પણ જરૂર છે. અભ્યાસ થવાની સાથે જ જપ થકી સંસાર સાથેનો સંબંધ કપાઈ જશે તથા ભગવાન સાથેનો સંબંધ પ્રગાઢ બની જોડાઈ જશે. નામના જપથી ઉત્પન્ન થયેલું સુખ સાત્ત્વિક સુખ છે. સાત્ત્વિક સુખ આરંભમાં તો વિષતુલ્ય, અરુચિકર જણાય છે, પરંતુ પરિણામમાં તે હિતકર હોય છે.