- ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
- કેન્દ્રીયમંત્રી મીનાક્ષી લેખીનું પત્તુ કપાયુ
- ભાજપે સુષ્મા સ્વરાજની દીકરીને આપી ટિકિટ
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ દિલ્હીમાં 5 બેઠકો માટે ટિકિટની જાહેરાત કરી છે, જેમાંથી બાંસુરી સ્વરાજની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.જ્યાંથી કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી હાલમાં સાંસદ છે તે સીટ પર ભાજપે બાંસુરી સ્વરાજને ટિકિટ આપીને ચોંકાવી દીધા છે. ત્યારે રાજનીતિમાં શરૂઆત કરનાર બાંસુરી સ્વરાજ વિશે જાણીએ વિગતવાર
વ્યવસાયે છે વકીલ
1982 માં દિલ્હીમાં જન્મેલા, બાંસુરી ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી છે, જેઓ ભારતના ખૂબ જ લોકપ્રિય વિદેશ પ્રધાન હતા. માતાની જેમ તે પણ ભાજપ માટે સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહી છે. રાજકારણમાં સક્રિય હોવા ઉપરાંત બાંસુરી કાયદાની પ્રેક્ટિસ પણ કરે છે. તે સુપ્રીમ કોર્ટના વકીલ છે અને ઘણા મોટા કેસોમાં કામ કરી ચૂકી છે.
લંડનથી મેળવી છે ડિગ્રી
બાંસુરી સ્વરાજે લંડનથી અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટી ઑફ વૉરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થયા પછી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણીએ બીપીપી લો સ્કૂલ, લંડનમાંથી કાયદાની ડિગ્રી મેળવી, ત્યારબાદ તે ભારત પરત આવી અને કાયદાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. બાંસુરીએ 2007માં દિલ્હી બાર કાઉન્સિલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ તે પ્રેક્ટિસ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં શિફ્ટ થઈ ગઈ હતી. તે છેલ્લા 17 વર્ષથી વકીલાત પ્રેક્ટિસ કરી રહી છે.
બીજેપી લૉ સેલના છે કોર્ડિનેટર
ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહેલા બાંસુરી દિલ્હી પ્રદેશ ભાજપના લો સેલના કો-ઓર્ડિનેટર છે. વર્ષ 2019માં પણ બાંસુરીને ટિકિટ આપવા અંગે ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે સુષ્મા સ્વરાજના નિધનને કારણે બાંસુરીને મતદારોનું ભાવનાત્મક સમર્થન મળશે પરંતુ તે સમયે તેમની ટિકિટ ફાઈનલ થઈ શકી ન હતી. આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી છે.
માતાના કર્યા હતા અંતિમ સંસ્કાર
બાંસુરીએ સોશિયલ મીડિયા પર મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાયના કટ્ટર સમર્થકની છબી જાળવી રાખે છે. બાંસુરી પોતાની માતા સુષ્મા સ્વરાજના નિધનને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. 2019 માં સુષ્મા સ્વરાજનું અવસાન થતા તેઓ પુત્રી હોવા છતાં માતાની અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી જેની ખૂબ ચર્ચા થઈ હતી.


