- ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપ્યું
- કેબિનેટ મંત્રી ચંપઇ સોરેનની વિધાયક દળના નેતા તરીકે પસંદગી
- ચંપઇ સોરેને અપક્ષ ધારાસભ્ય બનીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ હેઠળ રહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપ્યું છે. હેમંત સોરેનના રાજીનામાં બાદ કેબિનેટ મંત્રી ચંપઇ સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચંપઇ હેમંત સોરેનની કેબિનેટમાં વરિષ્ઠ મંત્રી છે. હવે ઝારખંડમાં મુખ્યમંત્રી પદ માટે ચંપઇ સોરેનનું નામ આગળ આવી રહ્યું છે.
કોણ છે ચંપઇ સોરેન?
સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં આવેલા જીલિંગગોરા ગામના આદિવાસી રહેવાસી સિમલ સોરેન ખેતીકામ કરતા હતા. તેમના ચાર બાળકોમાં સૌથી મોટા પુત્રનું નામ ચંપઇ સોરેન છે. ચંપઇ પણ તેના પિતાને મદદ કરતી. ચંપઇએ 10મા ધોરણ સુધી સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો. દરમિયાન નાની ઉંમરમાં જ તેમના લગ્ન માનકો સાથે થયા હતા. લગ્ન પછી ચંપઇને 4 પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.
આ દરમિયાન બિહારથી અલગ ઝારખંડ રાજ્યની માંગ ઉઠવા લાગી. શિબુ સોરેનની સાથે ચંપઇ પણ ઝારખંડના આંદોલનમાં જોડાયા હતા. ટૂંક સમયમાં જ તે ‘ઝારખંડ ટાઈગર’ના નામથી પ્રખ્યાત થઈ ગયા. આ પછી, ચંપઇ સોરેને સરાઈકેલા સીટથી પેટાચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય બનીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેઓ ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા હતા.
ભાજપ સરકારમાં મંત્રી હતા ચંપઇ સોરેન
ભાજપના નેતા અર્જુન મુંડાની 2 વર્ષની 129 દિવસની સરકારમાં JMMના નેતા ચંપઇ સોરેનને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમને મહત્વપૂર્ણ મંત્રાલયો આપવામાં આવ્યા હતા. ચંપઇ 11 સપ્ટેમ્બર 2010 થી 18 જાન્યુઆરી 2013 સુધી મંત્રી હતા. આ પછી, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું અને પછી હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચાની સરકારમાં ચંપઇ સોરેનને ખાદ્ય, નાગરિક પુરવઠા અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા. હેમંત સોરેનના મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ ચંપઇ સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
હેમંત સોરેનની સરકારમાં બીજી વખત મંત્રી
જ્યારે હેમંત સોરેન 2019 માં ફરીથી મુખ્યમંત્રી બન્યા, ત્યારે ચંપઇ સોરેનને પરિવહન, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા છે. ચંપઇ JMMના ઉપાધ્યક્ષ પણ છે.
EDની પૂછપરછ બાદ હેમંત સોરેને આપ્યું રાજીનામું
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આજે એટલે કે બુધવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરવા પહોંચી હતી. EDની ટીમ બપોરે 1 વાગ્યે રાંચીમાં સીએમ આવાસ પર પહોંચી હતી અને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પ્રશ્નોના સવાલ જવાબ કર્યા હતા. આ પછી હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતુ. હવે વિધાયક દળના નેતા તરીકે ચંપઇ સોરેનની પસંદગી કરવામાં આવી છે.


