- હવે સૈયદ સલાહુદ્દીન, સઇદ અને અઝહરનો વારો આવશે?
- ભારતને આતંકવાદના ભરડામાં ભીંસનારા આતંકવાદીઓમાં ડરનો માહોલ
- પાડોશી દેશ પાકિસ્તાનમાં આ વર્ષે ભારતના અનેક શત્રુ મોતને ભેટયા
પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને કોઇ અજ્ઞાત બળ નિશાન બનાવી રહ્યું છે. બે-ત્રણ સપ્તાહના અંતરાલે જૈશ-એ-મહંમદ, ડી કંપની, લશ્કર-એ-તોઇબા, લશ્કર-એ-જબ્બર, લશ્કર-એ-જાંગવી જેવા આતંકવાદી સમૂહના સભ્યોને અજાણ્યા હુમલાખોર હણી રહ્યા હોવાના અહેવાલ આવતા રહે છે. તેવામાં વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે ભારતના ટોપ મોસ્ટ આતંકવાદીઓનો નંબર પણ આવી શકે છે. જોકે પાકિસ્તાની આઇએસઆઇ એજન્સીએ તેવા ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને મજબૂત સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડેલી છે. તેમને બુલેટપ્રૂફ કાર્સ આપેલી છે. પરંતુ સાથે જ ઠેકાણામાંથી બહાર ના નીકળવા તાકીદ પણ કરી દીધી છે. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ બન્યા પછી હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન, જૈશ-એ-મહંમદનો વડો મસૂદ અઝહર અને લશ્કર-એ-તોઇબાનો વડો હાફિઝ સૈયદ ડરેલા છે. આ દરમિયાન રવિવારે પીઓકેમાંથી આતંકવાદી ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદનો મૃતદેહ મળી આવ્યા પછી આ ડર વધી ગયો છે. આતંકવાદીઓના મોતના સિલસિલા પર એક નજર નાખી લઇએ.
પાકિસ્તાનમાં આ ટોચના આતંકવાદી હણાયા
વીતેલા દિવસોમાં પઠાણકોટ હુમલાનો માસ્ટર માઇન્ડ શાહિદ લતીફ માર્યો ગયો હતો. આઇએસઆઇ એજન્ટ મુલ્લા બાહૌર ઉર્ફે હોર્મુઝને પણ પાકિસ્તાનમાં અજ્ઞાત લોકોએ ગોળી મારીને ઠાર માર્યો હતો. તે પછી ગયા સપ્તાહે દાઉદ મલિક હણાયો હતો. દાઉદ મલિક વિવિધ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય મસૂદ અઝહર, હાફિઝ સઇદ, લખવી અને દાઉદ ઇબ્રાહીમ જેવા આતંકવાદના આકાઓને યુએપીએ કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે.
ભારતના આ વોન્ટેડ આતંકવાદી પણ પાકિસ્તાનમાં માર્યા ગયા
આ વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝને રાવલપિંડીમાં ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની આતંકવાદીઓની યાદીમાં તેનું નામ હતું. તેનું કામ પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનું હતું. તે હિઝબુલ મુજાહિદ્દીનનું લોન્ચ પેડ સંભાળવાની જવાબદારી નિભાવતો હતો. આઇએસઆઇએ તેને આ જવાબદારી સોંપી હતી. તો ગયા મહિને હાફિઝ સઇદનો નજીકનો આતંકવાદી અબુ કાસિમ રાવલપિંડીમાં ઠાર મરાયો હતો. ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકી મોસ્ટ વોન્ટેડ પરમજીતસિંહ પંજવાડની પણ પાકિસ્તાનમાં અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. તે ઉપરાંત હિઝબુલના ટોચના આતંકવાદી બશીર મીર અને જૈશના ખૂંખાર આતંકવાદી જહૂર મિસ્ત્રીની પણ હત્યા થઇ હતી. જહૂર મિસ્ત્રી કંદહાર વિમાન અપહરણ કાંડમાં સામેલ હતો. એ દરમિયાન કેનેડામાં ભારત વિરોધી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થતાં કેનેડા અને ભારત વચ્ચે વિવાદ સર્જાયો છે.
120 કલાકમાં માર્યા ગયા બે ખાલિસ્તાની । ભારતમાં આતંકવાદ ફેલાવનારા બે મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીઓ કેટલાક મહિના પહેલાં વિદેશોમાં માત્ર 120 કલાકની અંદર જ માર્યા ગયા હતા. આ ખૂબ મોટી ઘટના હતી. પ્રથમ આતંકવાદી તે અવતારસિંહ ખાંડા.15 જૂનના રોજ બર્મિંઘમની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઇ ગયું. લંડન ખાતેના ભારતીય દૂતાવાસ ઉપરથી રાષ્ટ્રધ્વજ ઉતારીને તેણે અપમાન કર્યું હતું. તે પછી 19 જૂનના રોજ કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરનું કેનેડામાં મોત થયું. બે અજ્ઞાત બંધૂકધારીએ ગોળી મારીને તેની હત્યા કરી હતી. માર્યા ગયેલા બંને આતંકવાદી એનઆઇએની મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની યાદીમાં હતા. હરદીપસિંહના માથે તો એનઆઇએ દ્વારા રૂપિયા 10 લાખનું ઇનામ જારી થયું હતું. ખાલિસ્તાનના બે આતંકવાદી માત્ર 120 કલાકમાં માર્યા ગયા હતા. કેનેડા અને અન્ય દેશોમાં વસેલા આતંકવાદીઓને તેથી પરસેવો પડી ગયો હતો.
મોહમ્મદ સલીમ પછી હવે મિયાં મુજાહિદ હણાયો
પાડોશી દેશ પાકિસ્તાનમાં આ વર્ષે ભારતના અનેક શત્રુ મોતને ભેટયા છે. હવે મિયાં મુજાહિદ માર્યો ગયો છે. તે પહેલાં 23 ઓક્ટોબરના રોજ દાઉદ ઇબ્રાહીમની ડી કંપનીનો એક ગેંગસ્ટર માર્યો ગયો હતો. મોહમ્મદ સલીમ કરાચીની દિલ્હી કોલોનીમાં રહેતો હતો. સલીમની હત્યા કરીને તેના મૃતદેહને લ્યારી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે તેનો મૃતદેહ નદીમાંથી શોધ્યો હતો. થોડા દિવસ પહેલાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મહમદના સૂત્રધાર મસૂદ અઝહરનો સહયોગી દાઉદ મલિક પાકિસ્તાનના ઉત્તર વઝિરિસ્તાનમાં માર્યો ગયો હતો.
મલિક બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે બચી ગયો હતો
ગયા સપ્તાહે જે દાઉદ મલિકને અજ્ઞાત લોકોએ ઉત્તર વઝિરિસ્તાનમાં ગોળી મારીને ઠાર માર્યો તે ભારતની એરસ્ટ્રાઇક વખતે બચી ગયો હતો પુલવામા હુમલા પછી ભારતીય સેનાએ બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરી હતી. દાઉદ મલિક તે વખતે ત્યાં ઉપસ્થિત હતો. જાણકારી મળી હતી કે એર સ્ટ્રાઇક વખતે તે બચી ગયો હતો. આ તમામ આતંકવાદી
આઇએસઆઇના રક્ષણ હેઠળ રહે છે. વિશ્વની આંખમાં ધૂળ નાખવા પાકિસ્તાન આ આતંકવાદીને બચાવવા માટે નીતનવા પેંતરા રચે છે. શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠક પહેલાં પાકિસ્તાને કહ્યું હતું કે મૌલાના મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં છે. તેની ધરપકડ કરવા અફઘાનિસ્તાનને પત્ર લખ્યો છે.
બલુચિસ્તાનમાં હોર્મુઝને ગોળી ધરબી દીધી
વર્ષ 2016ના પઠાણકોટ હુમલાના સૂત્રધાર અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફને અજ્ઞાત લોકોએ નજીકથી ગોળી ધરબી દીધી હતી. જૈશ-એ-મોહમ્મદના સિયાલકોટ સેક્ટરનો તે વડો હતો. તો આઇએસઆઇ એજન્ટ મુલ્લા બાહૌર ઉર્ફે હોર્મુઝને બલુચિસ્તાન પ્રદેશમાં અજ્ઞાત લોકોએ ઠાર માર્યો હતો. બાહૌર વિષે કહેવાય છે કે તેણે ઇરાનથી કુલભૂષણ જાધવનું અપહરણ કરીને આઇએસઆઇને સોંપ્યો હતો. ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયેલા કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાનની કોર્ટ તેમને મોતની સજા સંભળાવી ચૂકી છે. તે આદેશ વિરુદ્ધ ભારતે હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા હતા. તે અદાલતે કુલભૂષણને મૃત્યુદંડની સજા આપવા સામે મનાઇહુકમ ફરમાવેલો છે.