ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી તણાવ વધ્યો છે. પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી નિર્ણાયક કામગીરી ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી આક્રમક રુખ જોવા મળ્યુ. આ વચ્ચે પાકિસ્તાનમાંથી દેશ નિકાલ કરાયેલ નેતા અને મુત્તાહિદા કૌમી મૂમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈનએ પીએમ મોદી પાસે મદદની અપીલ કરી છે.
PM મોદી પાસે મદદની કરી અપીલ
લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન અલ્તાફ હુસૈને પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ ભાગલા પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા ઉર્દૂભાષી શરણાર્થીઓ (મુહાજિરો) પર થતા અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવે. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકાર અને સેના લાંબા સમયથી શરણાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે અને તેમને અત્યાર સુધી સંપૂર્ણ કાયદેસર નાગરિકનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
અલ્તાફે દાવો કર્યો હતો કે લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 25,000 થી વધુ શરણાર્થીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેઓનો અવાજ કચડી નાખવામાં આવી રહ્યો છે અને તેમના અધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ કોણ છે અલ્તાફ હુસૈન.
કોણ છે મુહાજિરો ?
મુહાજિરો ઉર્દૂભાષી મુસ્લિમો છે જેઓ ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનના કરાચી શહેરમાં સ્થાયી થયા હતા. એક સમયે પાકિસ્તાનની સત્તા પર તેમની મજબૂત પકડ હતી, પરંતુ હવે તેમની સ્થિતિ દાયકાઓથી ખરાબ છે અને તેમને ભેદભાવ અને ત્રાસનો સામનો કરવો પડે છે.
કોણ છે અલ્તાફ હુસૈન ?
- અલ્તાફ હુસૈનનો જન્મ 1953માં સિંધના કરાચી શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.
- તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો હતો.
- દેશના ભાગલા પછી પાકિસ્તાન સ્થળાંતર કરીને આવ્યો હતો.
- તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો.
- તેઓ શરૂઆતથી જ રાજકારણ તરફ ઝુકાવ ધરાવતા હતા.
- અભ્યાસ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે પાકિસ્તાનમાં મુહાજિર સમુદાય (વિભાજન પછી ભારતમાંથી આવેલા મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ)નો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.
- એક સમયે મુહાજિર સમુદાય વ્યવસાય, નાગરિક સેવા અને સત્તામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો,
- પરંતુ 1970ના દાયકાના અંત સુધીમાં તેમનું સ્થાન નબળું પડવા લાગ્યું
- . તેમની જગ્યાએ, સ્થાનિક સિંધી અને પંજાબી સમુદાયો ધીમે ધીમે પ્રભુત્વ મેળવવા લાગ્યા.
- 1990 ના દાયકામાં અલ્તાફ હુસૈન સામે હત્યા અને હિંસાના ડઝનેક કેસ નોંધાયા.
- 1992માં અલ્તાફ હુસૈનને પાકિસ્તાન છોડવું પડ્યું
- પાકિસ્તાન છોડીને બ્રિટનમાં આશરો લેવો પડ્યો
- તેમના પર અનેક ખૂની હુમલાઓ થયા હતા, જેમાં તેમણે તેમના ભાઈ અને ભત્રીજા ગુમાવ્યા હતા
- 2015માં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુહાજિરોની દુર્દશા પર ભારતને શરમ આવવી જોઈએ.
- આ નિવેદનથી ભારે રાજકીય હલચલ મચી ગઈ.