- મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સજીવન સજનાના લોકો વખાણ કરી રહ્યા છે
- સજનાએ છેલ્લા બોલ પર શાનદાર સિક્સર ફટકારીને MIને જીત અપાવી
- સજીવન સજના સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની ગઇ છે
વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2024)ની પ્રથમ મેચ બાદ હવે દરેક જગ્યાએ એક નામ સંભળાઈ રહ્યું છે અને તે છે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સજીવન સજનાનું. દરેક વ્યક્તિ હવે જાણવા માંગે છે કે સજીવન સજના કોણ છે? વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. સજીવન સજનાએ આ મેચના છેલ્લા બોલ પર શાનદાર સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી. ત્યારથી સજીવન સજના સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની ગઇ છે.
રિક્ષા ડ્રાઈવરની દીકરી WPL 2024માં ચમકી
સજીવન સજના કેરળના વાયનાડની રહેવાસી છે. WPL 2024ની હરાજીમાં, મુંબઈ ઈન્ડિયન્સે સજીવનને 10 લાખ રૂપિયામાં ખરીદી હતી. સજનાને પ્રથમ વખત WPL રમવાની તક મળી છે. સજનાના પિતા રિક્ષા ડ્રાઈવર છે. સજના એક અનકેપ્ડ ખેલાડી છે અને કેરળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
અહેવાલો અનુસાર, સજીવન 18 વર્ષની થઇ ત્યાં સુધી તેને વાસ્તવિક બેટ પણ નહોતું મળ્યું. તે નારિયેળના ઝાડના લાકડા અને પ્લાસ્ટિકના બેટથી રમતી હતી. WPL 2023ની હરાજીમાં સજીવન સજનાને કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા ખરીદવામાં આવી ન હતી અને તે અનસોલ્ડ રહી. તેને WPLની બીજી સિઝનમાં તક મળી અને હવે સજીવન સજના પહેલી જ મેચમાં સિક્સર ફટકારીને ફેમસ થઈ ગઈ છે.
મુંબઈને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો
WPLની બીજી સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી એલિસ કેપ્સીએ સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જેમિમાએ 42 રન બનાવ્યા હતા. આ મેચ જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સને આખરે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી. જે બાદ ક્રિઝ પર બેટિંગ કરવા આવેલા સજીવન સજનાએ શાનદાર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બેટિંગ કરતી વખતે યસ્તિકા ભાટિયાએ સૌથી વધુ 57 રનની ઈનિંગ્સ રમી હતી. આ સિવાય કેપ્ટન હરમનપ્રીતે 55 રન બનાવ્યા હતા.


