- આ વાઇરસ કેવી રીતે ફેલાય છે તેના અંગે વધુ રિસર્ચ જરૂરી
- 14 ઓગસ્ટે WHO દ્વારા એમપૉક્સને વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ હતી
- મન્કીપૉક્સની શરૂઆત આફ્રિકાના કોંગોથી થઈ. ત્યાંથી આ વાઇરસ અન્ય દેશોમાં ફેલાયો
દુનિયાભરમાં મન્કીપૉક્સ વાઇરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) એમપૉક્સ અંગે ફરી એકવાર ચેતવણી આપી છે. WHOનું કહેવું છે કે શારીરિક સંપર્કની તુલનામાં ડ્રોપલેટ્સ (લાળના ટીપાં) વાઇરસના ફેલાવાનું એક નજીવું માધ્યમ છે.
સાથે જ WHOએ એમપૉક્સ વાઇરસ કેવી રીતે ફેલાય છે તેના અંગે વધુ રિસર્ચની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. ઝડપથી ફેલાઈ રહેલા એમપૉક્સને WHOના ડાયરેક્ટર જનરલે ગત 14 ઓગસ્ટે વૈશ્વિક સ્તરની પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યો હતો. એમપૉક્સ એક ઓર્થોપૉક્સ વાઇરસ છે, જે સ્મોલ પોક્સ (શીતળા) જેવા લક્ષણો ધરાવતી પણ ઓછી ગંભીર બીમારી છે. વર્તમાન સમયમાં દુનિયાભરના દેશોમાં એમપૉક્સના કેસ સામે આવી રહ્યા છે, જેની શરૂઆત આફ્રિકાના કોંગોથી થઈ. ત્યાંથી આ વાઇરસ અન્ય દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
WHOની પ્રવક્તાએ શું કહ્યું?
WHOની પ્રવક્તા માર્ગારેટ હેરિસે બુધવારે જણાવ્યું હતું કે એમપૉક્સથી ગ્રસ્ત વ્યક્તિના શરીર પર ઘા હોય, જો તમે કોઈની સાથે નજીકથી વાત કરી રહ્યા હો, કોઈની નજીક શ્વાસ લઈ રહ્યા હો કે શારીરિક સંપર્કમાં આવી રહ્યા હો તો વાઇરસ ફેલાવાની સંભાવના છે પણ વાઇરસના ફેલાવાના આ બધા સામાન્ય માધ્યમ છે. તમે કોઈની સાથે વાત કરી રહ્યા હો ત્યારે પણ તમારા મોઢામાંથી ડ્રોપલેટ્સ નીકળતા હોય તે વાઇરસના ફેલાવાનું મુખ્ય કારણ નથી.
ભારતની શું તૈયારીઓ છે?
ભારતમાં હાલ એમપૉક્સનો એક પણ એક્ટિવ કેસ નથી. સરકારે એરપોર્ટ્સ, બંદરો અને સરહદો પરના અધિકારીઓને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. એઇમ્સ, દિલ્હી દ્વારા એમપૉક્સના સંભવિત કેસો માટે પ્રોટોકોલ જારી કરાયો છે. સરકારી હોસ્પિટલોમાં એમપૉક્સના કેસો માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે.


