- સ્વતંત્રતા દિવસ માત્ર 15 ઓગસ્ટે જ કેમ ઉજવાય છે?
- બ્રિટિશ શાસન પ્રમાણે 30 જૂન 1948ના રોજ ભારતને આઝાદી મળવાની હતી
- નહેરુ અને ઝીણા વચ્ચે ભારત અને પાકિસ્તાનનું વિભાજન મોટો મુદ્દો બન્યો
15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો શું હતો આ તારીખનો ઈતિહાસ. આ વખતે સમગ્ર દેશમાં, ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં માત્ર 15 ઓગસ્ટને જ આઝાદીનો દિવસ કેમ માનવામાં આવતો હતો? આજે અમે તમને 15 ઓગસ્ટ પસંદ કરવા પાછળનું કારણ જણાવીશું.
સ્વતંત્રતા દિવસ માત્ર 15 ઓગસ્ટે જ કેમ ઉજવાય છે?
બ્રિટિશ શાસન પ્રમાણે 30 જૂન 1948ના રોજ ભારતને આઝાદી મળવાની હતી, પરંતુ તે જ સમયે નહેરુ અને ઝીણા વચ્ચે ભારત અને પાકિસ્તાનનું વિભાજન મોટો મુદ્દો બની ગયો હતો. ઝીણાની પાકિસ્તાનની માગણીને કારણે લોકોમાં સાંપ્રદાયિક સંઘર્ષની શક્યતાઓ દેખાતા, 15 ઓગસ્ટ 1947ના રોજ જ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 4 જુલાઈ 1947ના રોજ માઉન્ટબેટન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલની રજૂઆત કરવામાં આવી હતી. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા તરત જ મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીનો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
15મી ઓગસ્ટ જ શા માટે?
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના જીવનમાં 15 ઓગસ્ટનો દિવસ ખૂબ મહત્ત્વનો હતો. જેમાં 15 ઓગસ્ટ, 1945 ના રોજ, જાપાની સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોને આત્મસમર્પણ કર્યું. તે સમયે લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ આર્મીમાં સાથી દળોના કમાન્ડર હતા. માઉન્ટબેટનને જાપાની સેનાના શરણાગતિનો સંપૂર્ણ શ્રેય આપવામાં આવ્યો હતો, તેથી માઉન્ટબેટને 15 ઓગસ્ટને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેથી જ તેમણે 15મી ઓગસ્ટને ભારતની આઝાદીના દિવસ તરીકે પસંદ કર્યો.
મહાત્મા ગાંધીએ આઝાદીમાં કેમ ભાગ લીધો ન હતો?
મહાત્મા ગાંધીએ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. સ્વતંત્રતા સમયે, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર તેમને આશીર્વાદ આપવા માટે પત્રો મોકલ્યા હતા. પરંતુ પત્રના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં સાંપ્રદાયિક રમખાણો થઈ રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં તેઓ સ્વતંત્રતાની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે. તે સમયે મહાત્મા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે હું 15 ઓગસ્ટે ખુશ નહીં રહી શકું. હું તમને છેતરવા નથી માંગતો, પરંતુ તે જ સમયે હું એમ કહીશ નહીં કે તમારે પણ ઉજવણી ન કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ આજે જે રીતે આપણને આઝાદી મળી છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાવિ સંઘર્ષના બીજ પણ છે. મારા માટે, આઝાદીની ઘોષણા કરતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ વધુ મહત્વપૂર્ણ છે.


