- ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પરિવર્તનની માગ કરી
- હાલના સંઘર્ષોને શાંત પાડવામાં સંપૂર્ણપણે અસરહીન સાબિત થઈ છે : કંબોજ
- યુએન જનરલ એસેમ્બ્લી પ્લાનરીની બેઠક થઈ હતી, જેમાં રુચિરા કંબોજે આ સવાલ કર્યો હતો
ભારતે ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની હાલની વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે સવાલ કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ રશિયા-યૂક્રેન યુદ્ધને અટકાવવામાં નિષ્ફળ કેમ રહી? ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જૂની વ્યવસ્થામાં ફેરફારની માગણી કરી છે. યુએન જનરલ એસેમ્બ્લી પ્લાનરીની બેઠક થઈ હતી, જેમાં રુચિરા કંબોજે આ સવાલ કર્યો હતો.
રુચિરા કંબોજે કહ્યું કે રશિયા-યૂક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને બે વર્ષ થઈ ગયાં છે, તેને જોતાં આપણે સંયુક્ત રાષ્ટ્ર સભ્યદેશોએ થોડી ક્ષણો અટકીને વિચારીને તમને પૂછવાની જરૂર છે કે શું નજીકના ભવિષ્યમાં આ યુદ્ધનું સમાધાન મળી શકે છે? અને જો સમાધાન મળે તેમ ન હોય તો પછી સંયુક્ત રાષ્ટ્ર વ્યવસ્થા, ખાસ કરીને સુરક્ષા પરિષદ શા માટે છે? તેની રચના આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા માટે કરવામાં આવી હતી, તેને ધ્યાને લેતાં, તે હાલના સંઘર્ષોને શાંત પાડવામાં સંપૂર્ણપણે અસરહીન સાબિત થઈ છે? રુચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જૂના માળખામાં ફેરફાર કરવાની માગ કરી અને કહ્યું કે જ્યાં સુધી તેમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી સુરક્ષા પરિષદની વિશ્વસનિયતા સવાલોના ઘેરામાં રહેશે.
કૂટનીતિના સ્તરે જ સમાધાન શક્ય
રુચિરા કંબોજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનો પુનરુચ્ચાર કર્યો જેમાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહેલું કે આ યુદ્ધનો યુગ નથી. કંબોજે કહ્યું કે યૂક્રેન સ્થિતિ બાબતે ભારત ચિંતિત છે. અમે સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છીએ કે માનવજીવનના બદલામાં કોઈ સમાધાન ન થવું જોઈએ. હિંસા કોઈના હિતમાં નથી. કંબોજે કહ્યું કે કૂટનૈતિક રીતે જ શાંતિ સંભવ છે અને તે માટે બધા પક્ષો વચ્ચે વાતચીત થવી જોઈએ. આપણે એવાં પગલાં ભરતાં બચવું જોઈએ જેનાથી વાતચીત અને સમાધાનના માર્ગો બંધ થઈ જાય.


