અમેરિકા પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે પાકિસ્તાનને થાબડભાણાં કરે છે. ભારતે કેટલી ચિંતા કરવી જોઇએ? અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ મોદીને અદ્ભૂત માણસ કહે છે અને બીજી તરફ પાકિસ્તાન માટે પ્રેમ પ્રગટ કરે છે. પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઇરાનને સાથ ન આપે અને જરૂર પડ્યે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા દે એવી દાનત અમેરિકાની છે. અમેરિકન લાલો લાભ વગર લોટે એવો નથી!
પાકિસ્તાનને નજીક લેવા પાછળ અમેરિકાની અનેક ગણતરીઓ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અચાનક ઉભરેલા પાકિસ્તાન પ્રેમે અનેક સવાલો સર્જ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અદ્બૂત માણસ કહે છે અને બીજી તરફ આઇ લવ પાકિસ્તાન બોલે છે. અમેરિકા પોતાના હિતો સાધવા કંઇ પણ કરી શકે છે એ વાત આખી દુનિયા જાણે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી તેમણે માત્ર ભારત જ નહીં, અમેરિકાના બીજા અનેક મિત્ર દેશોને નારાજ કર્યા છે. પાકિસ્તાનને નજીક લેવા પાછળ અમેરિકાની અનેક ગણતરીઓ છે.
અમેરિકા ઇરાન સાથેના યુદ્ધમાં ઝંપલાવે એવી શક્યતાઓ વધી
પાકિસ્તાન ચીનનું પીઠ્ઠું છે. ઇરાન અને ઇઝરાયેલના યુદ્ધમાં પાકિસ્તાને ઇરાનને સમર્થન આપ્યું છે. અમેરિકાના વિરોધી દેશ તુર્કિયે સાથે પણ પાકિસ્તાનને સારા સંબંધો છે. અમેરિકા એવું ઇચ્છે છે કે, ઇરાન સાથે યુદ્ધ વકરે ત્યારે પાકિસ્તાન ઇરાનની પડખે ન રહે. પાકિસ્તાન જરૂરિયાતવાળો દેશ છે. પાકિસ્તાનની આર્થિક હાલત પતલી છે. આવા સંજોગોમાં પાકિસ્તાન અમેરિકા કહે એ બધું જ કરવા તૈયાર થઇ જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે જ પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરે ટ્રમ્પનું નામ નોબલ પીસ પારિતોષિક માટે રજૂ કર્યું છે. અમેરિકાને સાથ આપવા માટે પાકિસ્તાન પોતાના મિત્ર દેશોને પણ છેહ દે તો એમાં જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય. અમેરિકા ઇરાન સાથેના યુદ્ધમાં ઝંપલાવે એવી શક્યતાઓ વધી છે.
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે એક અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે
અમેરિકાએ હજુ આ યુદ્ધમાં સીધું ઝંપલાવ્યું નથી. અલબત્ત, ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન યુદ્ધને મંજૂરી આપી દીધી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે નવી પરમાણુ સંધિ માટે વાટાઘાટો ચાલતી હતી, જે ઇરાને અટકાવી દીધી હતી. ઇઝરાયેલના હુમલાઓ પછી ઇરાને યુદ્ધવિરામ માટે વાત કરી હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. સાથોસાથ ટ્રમ્પે એવું પણ કહ્યું કે, હવે બહુ મોડું થઇ ગયું છે. ઇરાને પરિણામો ભોગવવા પડશે. ઇઝરાયેલ અને અમેરિકાનો ઇરાદો ઇરાનના સર્વોચ્ય ધાર્મિક નેતા આયાતોલા ખોમૈનીને પતાવી દેવાનો છે. ખોમૈનીના હાલ તેમણે ઇરાકના સદ્દામ હુસેન જેવા કરવા છે. ખોમૈની પણ કંઇ ઓછા ઉતરે એવા નથી. તેણે પણ એલાન કર્યું છે કે, અમે અમેરિકાના શરણે નહીં થઇએ. ઇરાનની એટલી ત્રેવડ નથી કે એ ઇઝરાયેલ અને અમેરિકાની ટક્કર ઝીલી શકે. ઇરાનની બરબાદી નક્કી છે એવું નિષ્ણાતો કહી રહ્યા છે.
ઇરાનને સાથ આપવા કોઇ દેશ તૈયાર નથી
ઇરાન જ્યારે ઇઝરાયેલ સામે બાંયો ચડાવતું હતું ત્યારે પાકિસ્તાન, તુર્કિયે, રશિયા સહિત કેટલાંક દેશોએ ઇરાનને એવું કહ્યું હતું કે, અમે તમારી સાથે છીએ. હવે જ્યારે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે કોઇ ઇરાનને સાથ આપવા આગળ આવતું નથી. પાકિસ્તાન વિશે એવો ડર હતો કે, કદાચ એ ઇરાનને સાથ આપે. એવું ન થાય એટલે જ અમેરિકા પાકિસ્તાનને થાબડભાણાં કરી રહ્યું છે. ઇરાને પાકિસ્તાન અને તુર્કિયે સાથે મળીને સંયુક્ત ઇસ્લામિક સેના બનાવવાની વાતો કરી હતી. એક તબક્કે ત્યાં સુધીની વાતો ફેલાઇ હતી કે, જો ઇઝરાયેલ ઇરાન પર પરમાણુ હુમલો કરશે તો પાકિસ્તાન ઇઝરાયેલ પર પરમાણુ એટેક કરશે. જો કે, પાકિસ્તાને પછી એવું કહ્યું હતું કે, આ વાત ખોટી છે. ટ્રમ્પે પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીર સાથેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને એવી સ્પષ્ટ ચેતવણી પણ આપી હોય એવી શક્યતા છે કે, તમે તમારી મર્યાદામાં રહેજો, નહીંતર તમારી સારાવાટ પણ નહીં રહે!
શરીફને બદલે સેનાના વડાને કેમ બોલાવ્યા?
સામાન્ય સંજોગોમાં કોઇ બે દેશ વચ્ચેના સંબંધોની વાત હોય ત્યારે દેશના વડાઓ મુલાકાત કરતા હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે મુલાકાત કરવાને બદલે પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરને પોતાને ત્યાં તેડાવ્યા હતા. ટ્રમ્પે અસીમ મુનીર સાથે લંચ કર્યું એ મોટી વાત છે. સામાન્ય સંજોગોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ પોતાના સમકક્ષ સિવાય લંચ કે ચર્ચા વિચારણા કરતા નથી. પાકિસ્તાનમાં વડાપ્રધાન શહેબાઝ શરીફનું કંઇ ચાલતું નથી તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. પાકિસ્તાનની કમાન સેનાના હાથમાં છે. અમેરિકાના ઇશારે ભવિષ્યમાં પાકિસ્તાનની સેના બળવો પણ કરી શકે છે. પાકિસ્તાનની ચેસ ગોઠવાઇ ગઇ છે અને બંને તરફથી અમેરિકા જ રમત રમી રહ્યું છે.
ભારતે ખરેખર કેટલી ચિંતા કરવી જોઇએ?
અમેરિકા અને પાકિસ્તાન નજીક આવે એ નો-ડાઉટ ભારત માટે ચિંતાનો વિષય છે. ડોનાલ્ડ ટ્રમ્પે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. બનવાજોગ છે કે, તેમણે પાકિસ્તાન સાથે આગળ વધતા પહેલા ભારતને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હોય. ટ્રમ્પે મોદીના વખાણ કરવાની સાથે એમ પણ કહ્યું કે, અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઇ રહ્યું છે. ટ્રમ્પની આવી વાત ભારત નારાજ ન થાય એ માટે જ છે. ભારત સાથે અમેરિકાને સંબંધ બગાડવા નથી પણ પાકિસ્તાનને અત્યારે સાથે લેવું એ અમેરિકા માટે સમયનો તકાજો છે. અમેરિકા પાકિસ્તાન માટે પણ ગમે ત્યારે ફરી જાય એવું છે. આપણા દેશે હજુ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો વિશે કોઇ પ્રતિભાવ આપ્યો નથી. આપણો દેશ બધા ખેલ શાંતિથી જોઇ રહ્યો છે. આગામી સમયમાં ઘણું બધું બનવાનું છે. સંબંધોના સમીકરણો બદલી રહ્યા છે. ઇરાન સાથેનું ઇઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ ક્યાં સુધી પહોંચે છે તેના પર ઘણો મોટો આધાર રહેવાનો છે. હજુ ઘણા ખેલ જોવા મળવાના છે.
સામે ચાલીને યુદ્ધવિરામ માટે આવ્યા હતા છતાં અસીમ મુનીરને શાંતિ વળતી નથી!
અમેરિકાની મુલાકાત દરમિયાન પાકિસ્તાની સેનાના વડા અસીમ મુનીરે વધુ એક વખત ભારત સામે લડવાની વાતો કરી. પાકિસ્તાનીઓને સંબોધન વખતે તેમણે કહ્યું કે, ભારત સાથે 1971નો બદલો લેવો છે. આપણા દેશે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું એ પછી પાકિસ્તાન નાકલીટી તાણીને યુદ્ધવિરામ માટે ભારત પાસે કરગર્યું હતું. અમેરિકાના પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ રોકાવાનો જશ ખાટવા ગયા ત્યારે આપણા દેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોઇએ મધ્યસ્થી કરી નથી. પાકિસ્તાને સામેથી અપીલ કરી હતી એટલે અમે યુદ્ધ અટકાવ્યું હતું. હમણાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. એ વખતે પણ એ વાતની ચોખવટ કરવામાં આવી હતી કે, પાકિસ્તાન સામેથી આવ્યું હતું. ટ્રમ્પે એ પછી એવું કહ્યું કે, મેં પાકિસ્તાનને યુદ્ધ રોકવા કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની વાતો પહેલેથી જ વિવાદાસ્પદ રહી છે. પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરને ડોનાલ્ડ ટ્રમ્પે તેડાવ્યા એમાં તેની ચકલી ફૂલેકે ચડી છે. અસીમ મુનીર સામે પાકિસ્તાનમાં જ નારાજગી છે. ઓપરેશન સિંદૂરમાં પોતાના કેવા હાલ થયા છે એ વિશેની વાતો પાકિસ્તાની સેનાએ છૂપાવી છે અને ખોટું બોલવામાં કંઇ બાકી નથી રાખ્યું. પાકિસ્તાને ભારતના હાથની અનેક થપ્પડો ખાધી હોવા છતાં સુધરવાનું નામ લેતું નથી.