- જ્યારે શંખ ફૂંકાય છે ત્યારે ઓમનો નાદ ઉદ્ભવે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ઓમ છે
હિંદુ ધર્મમાં અનેક ધાર્મિક વિધિઓ, કર્મકાંડ, રીત-રિવાજો અને પરંપરા જોવા મળે છે. જે વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આજે પણ આપણે તેને નિભાવીએ છીએ. જેમ કે, મંદિરમાં કે ઘરના મંદિરમાં દીવો કરવો, માથે તિલક કરવું, મંદિરમાં દર્શન પહેલાં ઘંટનાદ કરવો વગેરે. આપણે આ બધું જ કરીએ છીએ, પરંતુ તે શા માટે કરીએ છીએ, તેની પાછળ શું હેતુ રહેલો છે, તે જાણતા નથી હોતા. જે કાર્ય કરતા હોઈએ તેનો અર્થ ન સમજીએ તો શું કામનું? ચાલો, આપણી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પાછળના હેતુઓને જાણીએ.
મંદિરમાં દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે?
દરેક હિંદુના ઘરમાં કે મંદિરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. દીવો સવારે અને સાંજે (સંધ્યાકાળે) એમ બે સમયે કરવામાં આવે છે. ઘણી જગ્યાએ અખંડ જ્યોત પણ રાખવામાં આવે છે. મોટાભાગની પૂજા કે અનુષ્ઠાન શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. પ્રકાશ એ જ્ઞાનનો દ્યોતક છે અને અંધારું અજ્ઞાનનો. ભગવાન જ્ઞાનના સાગર છે, તેથી દીવો પ્રગટાવીને ભગવાનની આરાધના કરવામાં આવે છે. જ્ઞાન એ અજ્ઞાનનો અને પ્રકાશ અંધકારનો નાશ કરે છે. જ્ઞાન એ આંતરિક ઉજાસ છે જેના દ્વારા બહારના અંધારા પર વિજય મેળવી શકાય છે. દીવાનું બીજું એક મહત્ત્વ એ પણ છે કે તેનું ઘી કે તેલ તેની જ્યોત દ્વારા આપણી વાસનાઓ અને અહંકારને બાળીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.
દર્શન પહેલાં ઘંટનાદ શા માટે કરવામાં આવે છે?
કોઈ વ્યક્તિ જ્યારે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે જાય ત્યારે દર્શન કરતાં પહેલાં મંદિરમાં બંને બાજુએ લટકાવેલા ઘંટ અવશ્ય વગાડે છે, પરંતુ આપણે ઘંટ શા માટે વગાડીએ છે તેની સમજ ન હોય તો ઘંટ વગાડવાનો કોઈ અર્થ ખરો? ઘણા લોકો એવું માને છે કે ભગવાનને જગાડવા માટે ઘંટ વગાડવામાં આવે છે, પરંતુ ભગવાન ઊંઘે ખરા? ભગવાન ક્યારેય સૂતા નથી. બીજી માન્યતા એવી છે કે આપણે દર્શને આવ્યા છીએ તેની ભગવાનને જાણ કરવા માટે ઘંટ વગાડવો જોઈએ. ઈશ્વર તો સર્વજ્ઞ છે. તેને કશું જ જણાવવાની જરૂર નથી.
વાસ્તવમાં ઘંટારવ કરવાથી તેમાંથી એક સુંદર તરંગરૂપ અવાજ સાથે મંગળ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેમાં પરમાત્માના વૈશ્વિક નામ ઓમનો નાદ ઉત્પન્ન થાય છે. ભગવાન પોતે મંગળસ્વરૂપ છે, તેથી આપણે જ્યારે તેમનાં દર્શન કરવા માટે જતા હોઈએ ત્યારે મંદિરની અંદર અને બહારનું વાતાવરણ મંગલમય હોવું જોઈએ. તેથી વાતાવરણને મંગલમય બનાવવા માટે ઘંટનાદ કરવો જોઈએ.
શંખ શા માટે વગાડવામાં આવે છે?
મંદિરમાં અને ઘરમાં પણ પૂજા સમયે શંખનાદ કરવામાં આવે છે. શુભ પ્રસંગોએ પણ શંખ વગાડવામાં આવે છે. યુદ્ધના આરંભે તથા વિજય મળે ત્યારે પણ શંખનાદ કરવામાં આવે છે. શંખને પૂજાસ્થાનમાં મૂકીને તેની પૂજા પણ કરવામાં આવે છે. જ્યારે શંખ ફૂંકાય છે ત્યારે ઓમનો નાદ ઉદ્ભવે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ઓમ છે. પહેલાંના સમયમાં નાનાં ગામડાંઓમાં આરતીના સમયે જ્યારે શંખનાદ કરવામાં આવતો ત્યારે જે લોકો આરતી માટે ન જઈ શકતા તેણે શંખનાદ દ્વારા આરતીની જાણ થતાં થોડો સમય કામ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરતાં. મંદિરોમાં અને ઘરમાં શંખને પૂજાસ્થાનમાં મૂકવામાં આવે છે, કારણ કે તે નાદ, બ્રહ્મ, વેદ, સત્ય, ધર્મના વિજય, ઓમ્ અને મંગલનું પ્રતીક છે.
શ્રીફળ શા માટે વધેરાય છે?
મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જઈએ, હોમ-હવન, તહેવારો, લગ્ન, ગૃહપ્રવેશ, ઉદ્ઘાટન વગેરે જેવા પ્રસંગોએ આપણે શ્રીફળ વધેરીએ છીએ. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા જળભરેલા કળશની શુભ પ્રસંગે પૂજા થાય છે. શ્રીફળ વધેરીને તેને ભગવાનની સામે રાખવામાં આવે છે અને પછીથી તે પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
એક સમય હતો જ્યારે ભગવાનને પશુબલિ આપવામાં આવતો હતો. આ પ્રથા ધીરેધીરે બંધ થઈ અને તેની જગ્યાએ શ્રીફળ હોમવાની શરૂઆત થઈ. શ્રીફળ ઉપરનાં છોતરાં, ચોટલીના ભાગ સિવાય છોલી નાખવામાં આવે છે. શ્રીફળ ઉપરની નિશાનીઓથી તે માનવમસ્તક જેવું દેખાય છે. અહંના નાશના પ્રતીક રૂપે પણ શ્રીફળ ફોડવામાં આવે છે. મનની વાસના રૂપી એનું જળ અને મનરૂપી સફેદ મલાઈ ભગવાનને ધરાવાય છે. આ રીતે પ્રભુના સ્પર્શથી શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે.
તિલક શા માટે કરવામાં આવે છે?
હિંદુ ધર્મમાં દરરોજ અથવા શુભ પ્રસંગોએ કપાળ પર કુમકુમનું તિલક અવશ્ય કરવામાં આવે છે. ભગવાનને પણ તિલક કરવામાં આવે છે. અન્ય ધાર્મિક વિધિમાં પણ તિલક કરવામાં આવે છે. તિલક એટલે ચાંલ્લો જેને સૌભાગ્યનું ચિહ્ન પણ માનવામાં આવે છે. તિલક કુમકુમ, કેસર, ભસ્મ, ચંદન વગેરે દ્વારા કરવામાં આવે છે. કપાળમાં બે ભ્રમરો વચ્ચે તિલક કરવામાં આવે છે, કારણ કે આ જગ્યા સ્મૃતિશક્તિ અને ચિંતનશક્તિનું સ્થાન છે. જે યોગની ભાષામાં આજ્ઞાચક્ર તરીકે ઓળખાય છે. તિલક એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે અને પ્રભુસ્મરણ કરવાની યાદ અપાવે છે.
શુભ કાર્યમાં અક્ષતનો ઉપયોગ
સંસ્કૃતમાં અને પૂજા-વિધિમાં જેને અક્ષત તરીકે સંબોધવામાં આવે છે તે અક્ષત એટલે ચોખા. બધાં જે પ્રકારનાં ધાન્યોમાં ચોખા ધવલ એટલે કે સફેદ હોવાથી તેને ખૂબ જ પવિત્ર તથા ઉપયોગી માનવામાં આવે છે. કપાળમાં જ્યારે તિલક કરવામાં આવે છે ત્યારે સાથે અક્ષત પણ લગાવવામાં આવે છે. લાલ રંગના તિલકમાં સફેદ ચોખા સૌંદર્યમાં વધારો કરે છે અને બીજું એ કે ચોખાને શ્રેષ્ઠ ધાન્ય માનવામાં આવે છે. ચોખા દેવોને પણ પ્રિય છે. તેને કારણે વર-વધૂ, સંત-મહાત્માઓ અને વડીલોને ચોખા વડે વધાવવામાં આવે છે. જે વસ્તુ દેવોને પ્રિય હોય તેનું સ્થાન ચોક્કસ આપણાં મસ્તક પર હોવું જોઈએ, કારણ કે આપણું મસ્તક આપણી વિચારવાની શક્તિ ધરાવતા મગજને સાચવે છે.