સદીઓથી ચાલી આવતી આપણી ધાર્મિક પરંપરાઓ પાછળ તાર્કિક તથ્યો જોડાયેલાં હોય છે. ભારતીય પરંપરા મુજબ પહેલાં આપણે ભગવાનને ભોજન ધરાવીએ છીએ અને પછી જ ભોજનને પ્રસાદરૂપે આરોગીએ છીએ. ઈશ્વરની આભાર માનવાની પ્રાર્થના કર્યા પછી ભોજન ધરાવવામાં અને કરવામાં આવે છે. ભગવાનનાં મંદિરોમાં અને અસંખ્ય ઘરોમાં દરરોજ પહેલાં ભોજન પ્રભુને ધરાવાય છે.
ધરાવેલું ભોજન બાકીના ભોજનમાં મેળવી દઈને તે પ્રસાદ તરીકે પીરસાય છે. આપણી દૈનિક પૂજામાં પણ આપણે ભગવાનને નૈવેદ્ય ધરાવીએ છીએ તે વિશે થોડું જાણીએ.
આપણે નૈવેદ્ય શા માટે ધરાવીએ છીએ?
પરમેશ્વર સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. મનુષ્ય અંશમાત્ર છે જ્યારે પરમેશ્વર સર્વ અથવા પૂર્ણ છે. આપણે જે કંઈ કરીએ છીએ તે બધું માત્ર તેની શક્તિ અને જ્ઞાન થકી જ થાય છે, તેથી આપણે કર્મ કરીને જીવનમાં જે કંઈ મેળવીએ છીએ તે ખરેખર તો માત્ર તેનું જ છે. ભગવાનને નૈવેદ્ય ધરાવવાની ક્રિયા દ્વારા આપણે આ સત્યને શિરોધાર્ય કરીએ છીએ. `જય જગદીશ હરે’ની આરતીમાં તેરા તુજકો અર્પણ એટલે `તારું જે છે તે તને અર્પણ છે’ આ વાતને સુંદર રીતે સમજાવવામાં આવી છે. ભગવાનને ધરાવીએ પછી એ અન્ન એમના દિવ્ય સ્પર્શથી પ્રસાદ બને છે, જેથી તે આરોગવાથી મન-તન સ્વસ્થ રહે છે. આ સમજીએ ત્યારે અન્ન અને જમવાની ક્રિયા પ્રત્યેનો આપણો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ભગવાનને ધરાવેલું અન્ન સ્વાભાવિક રીતે જ શુદ્ધ અને ઉત્તમ હોય, તેથી પ્રસાદનું સંપૂર્ણ માન જાળવવા માટે આપણે તેનો અનાદર નહીં કરીએ, તેની ટીકા-ટિપ્પણી નહીં કરીએ એટલે અનાજનો બગાડ થતો પણ અટકે છે. આપણે તેને પ્રસાદીરૂપે સ્વીકારીએ છીએ તેથી પ્રભુની આશિષ પણ અન્ન સાથે મેળવીએ છીએ. આપણે આ વલણને બરાબર અપનાવી લઈએ છીએ ત્યારે તે ભોજનની ક્રિયાથી આગળ વધીને આપણા સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. પછી જીવનમાં જે કંઈ મળે, સારું કે નરસું
તે તેમના પ્રસાદ તરીકે આપણે સહર્ષ સ્વીકારીએ છીએ.
આપણે રોજ જમતા પહેલાં થાળી ફરતે પાણીનો છંટકાવ કરી ભોજનશુદ્ધિ કરીએ છીએ. થાળી પાસે પાંચ કોળિયા મૂકીએ છીએ. આમ કરીને આપણા પર રહેલાં પાંચ તત્ત્વોના ઋણનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ પાંચ ઋણ છે:
દેવઋણ- દૈવિક તત્ત્વો જેમ કે, સૂર્ય, ચંદ્ર વગેરે આપણા પર કૃપા વરસાવીને આપણું રક્ષણ કરે છે.
પિતૃઋણ- પૂર્વજોનો વારસો અને કુટુંબના સંસ્કાર બદલ આપણે પિતૃઓના ઋણી છીએ.
ઋષિઋણ- જે સમાજના સહકાર વિના આપણું જીવન ટકી શક્યું ન હોત તે સમાજના સાથી બાંધવો પ્રત્યેનું ઋણ.
ભૂતઋણ- મનુષ્ય સિવાય અન્ય કોઈ જીવ જેઓ આપણી સતત સેવા કરે છે તેમના પ્રત્યેનું ઋણ.
આ પાંચ તત્ત્વોનાં ઋણને સ્વીકાર્યા બાદ આપણા દેહમાં જીવનશક્તિ રૂપે તથા જીવનપોષક પાંચ ક્રિયાઓ રૂપે રહેલા ભગવાનને ભોજન ધરાવાય છે. આ વખતે પાંચ દૈહિક ક્રિયાઓને અનુલક્ષીને `પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રહ્મણે સ્વાહા’ એ મંત્ર બોલવામાં આવે છે. આ રીતે ભોજન ધરાવવાની આપણી પરંપરા પાછળ ભગવાન પ્રત્યેની ભાવના સાથે તેનો આભાર વ્યક્ત કરવાની પણ ભાવના છુપાયેલી છે અને તેમની અમીદૃષ્ટિ પડવાથી આ સમગ્ર ભોજન પ્રસાદી બની જવાથી અન્નનો પણ ખોટો બગાડ થતો નથી. આ રીતે આપણી પરંપરા પાછળ શ્રદ્ધાની સાથે એક આગવી સમજ પણ જોડાયેલી છે.