- ધન-ધાન્યના પ્રતીક તરીકે ચોખાનો ઉપયોગ થાય છે
સંસ્કૃતમાં અને પૂજા-વિધિમાં જેને અક્ષત તરીકે સંબોધવામાં આવે છે તે અક્ષત એટલે ચોખા. ચોખા એ બધાં જ પ્રકારનાં ધાન્યોમાં ધવલ એટલે કે સફેદ હોવાથી તેને પવિત્ર તથા અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. ચોખાને તાંદુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તાંદુલ સાથે એક પવિત્ર પ્રસંગ જોડાયેલો છે, જેનાથી બધા જ પરિચિત છે. આ પ્રસંગ છે બે પરમમિત્ર એવા કૃષ્ણ-સુદામાનો. સુદામાને તેમની ગુરુમાતાએ પોતાના તથા કૃષ્ણ માટે ભૂખ લાગે ત્યારે ખાવા માટે તાંદુલની પોટલી આપી હતી.
સ્વસ્તિક એ સૌભાગ્યનું, વૈભવનું અને સમૃદ્ધિની અઢળકતાનું પ્રતીક છે. આ પ્રતીકને ચિત્રિત સ્વરૂપ આપવાનો વિચાર જ્યારે આપણા પૂર્વજોને આવ્યો હશે ત્યારે સૌપ્રથમ કુમકુમ (કંકુ)નો આવ્યો હશે, પરંતુ કુમકુમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું તે પહેલાં તેઓની પાસે સરળ રીતે મળતા ચોખા હતા અને સૌપ્રથમ સ્વસ્તિકનું ચિહન અક્ષત વડે જમીન પર બનાવવામાં આવ્યું હશે. આમ, સ્વસ્તિક અને ચોખા જાણે એકબીજાના માટે જ બન્યાં હતાં તેવું લાગે છે.
કપાળમાં જ્યારે તિલક કરવામાં આવે છે ત્યારે તેના પર અક્ષત એટલે કે ચોખા લગાવવામાં આવે છે. તેની પાછળ ઘણાં કારણો રહેલાં છે. લાલ રંગના તિલકમાં સફેદ ચોખા સૌંદર્યમાં વધારો કરે છે અને બીજું એ કે ચોખાને શ્રેષ્ઠ ધાન્ય માનવામાં આવે છે. ચોખા દેવોને પણ પ્રિય છે. તેને કારણે ભારતમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે વર-વધૂને, સંત-મહાત્માઓ અને પૂજ્ય વડીલોને ચોખા વડે વધાવવામાં આવે છે. જે વસ્તુ દેવોને પ્રિય હોય તે વસ્તુનું સ્થાન ચોક્કસ આપણા મસ્તક પર જ હોવું જોઈએ, કારણ કે આપણું મસ્તક આપણી વિચારવાની શક્તિ ધરાવતા મગજને સાચવે છે.
પ્રાચીન સમયમાં ચોખાને ઉત્તમ ધાન્ય માનવામાં આવ્યું છે. ખેતી દ્વારા જે ખાદ્યપદાર્થ મેળવવામાં આવતો હતો તે ચોખા છે. બીજાં કોઈ ધાન્યો કરતાં ચોખા અતિ પ્રાચીન છે અને જેની પાસે આ ધાન્ય હોય તેને ધન્ય તથા ધનવાન માનવામાં આવતા હતા. પહેલાંના સમયમાં પૂજામાં કે પોંખવામાં આ ધાન્યનો જેટલો ઉપયોગ કરવામાં આવતો હતો તેટલો જ આજે પણ કરવામાં આવે છે.
કલ્યાણના પ્રતીક તરીકે સ્વસ્તિક, ઉત્સાહ અને શક્તિ તરીકે સિંદૂર, ભોગ-બલિના પ્રતીક તરીકે શ્રીફળ, પાવનકારી વસ્તુઓ તરીકે ગંગાજળ અને તુલસીપત્ર તથા ધન-ધાન્યના પ્રતીક તરીકે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સિવાય આખી દુનિયામાં તથા ભારતના મોટા ભાગના પ્રદેશોમાં ચોખા એ ભોજનની મહત્ત્વની વાનગી છે. ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના લોકોનો મુખ્ય ખોરાક એ ભાત એટલે કે ચોખા જ છે. ચોખા જ્યારે રંધાઈ જાય ત્યારે તેને ભાત કહેવામાં આવે છે. આ ભાત પચવામાં ખૂબ જ હલકા અને સરળ હોય છે. ચોખા એ એકમાત્ર એવું ધાન્ય છે જેને કોઈ પણ પ્રક્રિયામાંથી પસાર કર્યા વગર રાંધવાના કામમાં લઈ શકાય છે. ઘઉં, બાજરો, જુવાર વગેરેને દળાવવા પડે છે અને ત્યારબાદ જ તેને ઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે ચોખાને દળાવવા પડતા નથી. ચોખાને રાંધીને બનાવેલા ભાત તમે દાળ, દૂધ, દહીં, ઘી અને ખાંડ સાથે કે કોઈ પણ રસાવાળા શાક સાથે જમી શકો છો.
ચોખાનું દાન પણ કરવામાં આવે છે, કોઈ ગરીબ મીઠું નાખીને ભાત રાંધીને પોતાની ભૂખ સંતોષી શકે છે. ચીનમાં તો ચોખાને રાંધીને તે ભાતના લાડવા બનાવવામાં આવે છે અને ભૂખ્યા તથા ગરીબ લોકોને તેનું દાન કરવામાં આવે છે.