- વર્ષોથી પેલેસ્ટિનિયનોનું કટ્ટર સમર્થક રહ્યું છે તુર્કી
- તુર્કી કરી રહ્યું છે ‘ટુ સ્ટેટ રિઝોલ્યુશન’ની હિમાયત
- બદલાયેલ વલણને કારણે ઘટી રહ્યું છે તુર્કીનું કદ
ખુદને ઈસ્લામિક દુનિયાના પ્રમુખ તરીકે રજૂ કરતાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને ઇઝરાયલ હમાસ યુદ્ધમાં જે લવણ અપનાવ્યું છે તે ઘણા વિશ્લેષકો માટે ચોંકાવનારું છે. શનિવારે બંને પક્ષો વચ્ચે યુદ્ધની શરૂઆતથી તુર્કીએ ખૂબ જ માપદંડ પ્રતિસાદ આપ્યો છે અને બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે મધ્યસ્થીની વાત કરી રહ્યું છે. હંમેશા પેલેસ્ટાઈનના સમર્થક રહેલા એર્દોગને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી છે અને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગને પણ ફોન પર ફોન કરીને કહ્યું છે કે તુર્કી શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે.
હમાસના હુમલા બાદ તુર્કીએ શનિવારે એક નિવેદનમાં સમસ્યાના ઉકેલ માટે ‘ટુ સ્ટેટ રિઝોલ્યુશન’ એટલે કે પેલેસ્ટિનિયનો માટે અલગ દેશની માંગ કરી હતી અને કહ્યું હતું કે તે બંને પક્ષો વચ્ચેના તણાવને ઘટાડવા માટે મધ્યસ્થી માટે તૈયાર છે.
તુર્કીના વિદેશ મંત્રાલયે, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં સ્પષ્ટ રીતે તટસ્થ નીતિ અપનાવીને ન તો ઇઝરાયેલ ઉપર કે ના તો હમાસ ઉપર આંગળી ચીંધી છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું છે કે તુર્કી જાનહાનિની સખત નિંદા કરે છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે તુર્કી આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરવા માટે તમામ સંબંધિત પક્ષોના સંપર્કમાં છે.
એર્દોગન સતત કરી રહ્યા છે મધ્યસ્થીની ઓફર
રવિવારે રાષ્ટ્રપતિ એર્દોગને પણ જણાવ્યું હતું કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તુર્કી રાજદ્વારી પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. એર્દોગને પુનરોચ્ચાર કર્યો હતો કે પ્રાદેશિક શાંતિ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો ‘ટુ સ્ટેટ રિઝોલ્યુશન’ છે.
ઈસ્તાંબુલમાં વાત કરતાં એર્દોગને બંને પક્ષોને સંઘર્ષ ખતમ કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ મધ્ય પૂર્વની તમામ સમસ્યાઓનું મૂળ છે. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી આ સમસ્યાનો ન્યાયપૂર્ણ રીતે ઉકેલ નહીં આવે ત્યાં સુધી આપણો પ્રદેશ શાંતિ પ્રાપ્ત કરવાથી દૂર રહેશે.’
મંગળવારે, એર્દોગને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીએ કહ્યું હતું કે તુર્કી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે. તુર્કી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગુટરેસ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીતમાં એર્દોગને તુર્કીની સંભવિત મધ્યસ્થી અંગે વાત કરી હતી.’
એર્દોગને રાજધાની અંકારામાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “હું પ્રદેશના નેતાઓ સાથે વાત કરી રહ્યો છું અને જોઈ રહ્યો છું કે આપણે આ યુદ્ધમાં કેવી રીતે મધ્યસ્થી કરી શકીએ અને તેને રોકી શકીએ. સાચું કહું તો મને ખૂબ જ ચિંતા છે કે આ યુદ્ધ એકાદ-બે અઠવાડિયામાં બંધ નહીં થાય. તેથી, અમે શાંતિ માટે અમારા પ્રયાસો ચાલુ રાખીએ છીએ.
હમાસના નેતાઓને આમંત્રણ આપનાર એર્દોગન કેવી રીતે બદલાઈ ગયા?
તુર્કી પેલેસ્ટિનિયનોના કટ્ટર સમર્થક રહ્યા છે. ભૂતકાળમાં તુર્કીએ હમાસના નેતાઓની યજમાની પણ કરી હતી, પરંતુ હવે તુર્કીનું વલણ બદલાઈ રહ્યું છે. વર્ષોની દુશ્મની ભૂલીને તુર્કી હવે ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એર્દોગને કહ્યું હતું કે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ ઊર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં તુર્કીની મુલાકાત લેશે.
એક અમેરિકન મીડિયા સાથે વાત કરતાં તુર્કીના ભૂતપૂર્વ રાજદ્વારીએ પોતાના દેશના વલણની પ્રશંસા કરી છે. નામ જાહેર ન કરવાની શરતે બોલતા તેમણે કહ્યું હતું, ‘તુર્કીએ શાંત અને માપીને પ્રતિસાદ આપ્યો છે કે તે યુદ્ધને ખતમ કરવામાં રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે.’
એર્દોગન તુર્કીમાં તેમની ઇસ્લામવાદી નીતિઓ માટે જાણીતા છે અને ઘણીવાર આવા મુદ્દાઓ પર ઉશ્કેરણીજનક ઇસ્લામિક ટિપ્પણીઓ કરે છે, પરંતુ આ વખતે તેમણે આમ કરવાનું ટાળ્યું છે, જેના વિશે તુર્કીના ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું, ‘એર્દોગન ઉશ્કેરણીજનક ઇસ્લામિક ટીકા-ટિપ્પણી ટાળી રહ્યા છે. આ માટે તેની પ્રશંસા થવી જોઈએ.
આરબ દેશોમાં એર્દોગન પેલેસ્ટિનિયન મુદ્દાઓના રક્ષક માનવામાં આવે છે, પરંતુ તેમની પ્રતિષ્ઠા હવે ઘટી રહી છે. તેનું મુખ્ય કારણ એર્દોગનની ઇઝરાયેલના નેતાઓ સાથેની તાજેતરની બેઠકો છે. ગયા વર્ષે, એર્દોગન રાજધાની અંકારામાં ઇઝરાયેલના રાષ્ટ્રપતિ હરઝોગને મળ્યા હતા. એર્દોગન ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને મળ્યા હતા.