મોટાભાગના લોકો ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ પોતાના કપાળમાં તિલક અથવા ચાંલ્લો કરે છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તિલક કરવામાં આવે છે. વળી, પૂજા કર્યા પહેલાં કે પછી કે મંદિરે દર્શન કરવા જાય કે કેટલાક વિશેષ પ્રસંગોએ તિલક કરવામાં આવે છે. ચાંલ્લો સૌભાગ્યનું ચિહ્ન માનવામાં આવે છે અને તેને હંમેશાં કપાળ પર રાખવું શુભ ગણાય છે. ઘણા લોકો વિધિપૂર્વક તિલક કરતા હોય છે. સંતોને અને ભગવાનની છબીને પૂજા કરવા રૂપે તિલક કરાય છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં સ્વાગત રૂપે, મહેમાનોનું સન્માન કરવા, પુત્ર કે પતિને યાત્રાગમન પ્રસંગે વિદાય આપવા વગેરે પ્રસંગોએ તિલક કરવામાં આવે છે. તિલકના રંગ અને આકાર ઘણા પ્રકારના હોય છે.
આ રિવાજ વૈદિક યુગમાં એટલો પ્રચલિત ન હતો. તે પૌરાણિક યુગમાં વધુ પ્રચલિત થયો. કેટલીક માન્યતા પ્રમાણે એનો આરંભ દક્ષિણ ભારતમાં થયો હતો. તિલક કરનારના અને બીજાના કપાળ પર કરેલ તિલકને જોનારના મનમાં પવિત્ર ભાવના ઉદ્ભવે છે. તેને ધાર્મિક ચિહ્ન પણ ગણવામાં આવ્યું છે. વ્યક્તિની જ્ઞાતિ, સંપ્રદાય કે તેમના આરાધ્યદેવ મુજબ તિલકના રંગ અને આકાર જુદા જુદા હોય છે.
પ્રાચીનકાળમાં લોકો જુદી જુદી રીતે તિલક કરતા હતા. વેપારીવર્ગના લોકો સંપત્તિના સર્જકો હોવાથી પીળું (કેસરનું) તિલક કરતા હતા. વિવિધ કાર્યોમાં સહાયક થતા લોકો ભસ્મનું, કસ્તૂરી કે કોલસાનું કાળું તિલક કરતા હતા. વૈષ્ણવો `U’ આકારનું ચંદનનું તિલક કરતા હતા. શૈવો કપાળમાં ભસ્મનું ત્રિપુંડ કરતા હતા અને શાકતો કે દેવીભક્તો લાલ કુમકુમનું તિલક કરતા હતા.
ચંદન, કુમકુમ કે ભસ્મ ભગવાનને ધરાવ્યા પછી તે પ્રસાદ તરીકે લઈને કપાળે લગાવાય છે. બે ભ્રમરોની વચ્ચે તિલક કરવામાં આવે છે, તેની પાછળ પણ તર્કબદ્ધ તારણો રહેલાં છે. આ જગ્યા સ્મૃતિશક્તિ અને ચિંતનશક્તિનું સ્થાન છે. યોગની ભાષામાં એ આજ્ઞાચક્ર તરીકે ઓળખાય છે. `મને પ્રભુનું સ્મરણ રહો, આ પવિત્ર ભાવના મારાં સર્વ કર્મોમાં વ્યાપ્ત રહો, હું મારાં કર્મોમાં પવિત્રતા અને શાલીનતા જાળવી શકું’ એવી પ્રાર્થનાસહ તિલક કરવામાં આવે છે.
આપણે દરરોજના કામમાં આ પ્રાર્થનાભાવ ભૂલી જઈએ તો પણ બીજાનું તિલક આપણને આપણા સંકલ્પનું સ્મરણ કરાવે છે. તિલકથી એક સકારાત્મક ભાવ જાગે છે. આ રીતે તિલક ઈશ્વરના આશીર્વાદ છે અને કુવિચારો અને ખરાબ તત્ત્વો સામે આપણું રક્ષાકવચ છે. આપણા સમગ્ર દેહમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોરૂપે ઊર્જાનો પ્રાદુર્ભાવ થતો હોય છે. કપાળ અને ભ્રમધ્યાનાં બિંદુઓમાંથી તો ખાસ કરીને તેનું કેન્દ્ર છે, તેથી આ કેન્દ્રને જાગૃત કરવા માટે તિલક કરવામાં આવે છે.