બાળક સાથે ક્વોલીટી સમય પસાર કરો,વાર્તા કરશો, ગેઈમ રમશો કે બહાર ફરવા લઈ જશો તો બાળક મોબાઈલને યાદ પણ નહિ કરે
બાળકને મોબાઈલની ટેવ થી દુર રાખવાની પહેલ માતા પિતા અને ઘરના વડીલોએ જ કરવી પડશે.
જરૂરિયાત જ નવી શોધની જનની છે, એ વાત કેટલી સાચી છે ને! કેટલી શોધો થી આપણું જીવન સુગમ બન્યું છે અને હજી પણ કેટકેટલી શોધો થતી રહે છે જે ભવિષ્યમાં આપણને ઉપયોગી થશે. આ પૈકી એક શોધ એટલે મોબાઈલની શોધ. વર્ષો થઇ ગયા મોબાઈલની શોધને અને પહેલા તો ઈમર્જન્સી માટે મોબાઈલ ઉપયોગી હતો, જયારે હવે મોબાઈલ અનિવાર્ય બની ગયો છે. સોશીયલ મીડિયા અને તેને લગતી સગવડતાઓએ મોબાઈલને વધુ અનિવાર્ય બનાવ્યો.
દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ મોબાઈલના ઉપયોગ સાથે ફાયદા છે તો ગેરફાયદાઓ પણ ખરા. મોબાઈલ રેડીએશન વિષે મત મતાન્તારો થતા રહે છે, અત્યારના સમયની કરુણતા એ છે કે બાળકને તેના જન્મ પહેલા, ગર્ભાવસ્થાથી જ મોબાઈલની ‘ટેવ’ હોય છે. નવાઈ લાગી ને! પણ આ કટુ સત્ય છે. સગર્ભાવસ્થામાં માતાને તબિયતને કારણે આરામનું કહ્યું હોય તો અલગ વસ્તુ છે, બાકી ઘરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી, એ વર્કિંગ હોય તો ખુબ સારું છે, અને કામ દરમિયાન મોબાઈલની જરૂર પડશે. પણ કામ પત્યા પછી મોબાઈલને પોતાનાથી દુર રાખવો સારો. મોબાઈલના વેવ્ઝ ગર્ભસ્થ બાળકને પણ અસર કરી શકે. બાળકના જન્મ પછી ઘણી માતાઓ બાળકને ફીડીંગ કરાવતા કરાવતા પણ મોબાઈલ જોયા કરે છે, અને પછી મોટું થઇ બાળક જમતા જમતા મોબાઈલ માંગે એટલે કહે, ‘ખબર નહિ આને મોબાઈલની ટેવ કેમ પડી!’ બાળકને રમાડતી વખતે મોબાઈલ, બાળકને બહાર લઈને નીકળે તો બાળક આજુબાજુ જોવામાં મશગુલ હોય અને માતા મોબાઈલમાં વાત કરવામાં મશગુલ હોય. આમાં તો ધીમે ધીમે બાળક અને ઘરના સભ્યો વચ્ચે અંતર વધી જાય. પછી પેલા જોક જેવું બને કે માતા પરિવારના ગ્રુપમાં મેસેજ મુકે કે જમવાનું થઇ ગયું છે, આવી જાઓ બધા. અને બધા જમવા આવે.
બાળકને મોબાઈલની ટેવ થી દુર રાખવાની પહેલ માતા પિતા અને ઘરના વડીલોએ જ કરવી પડશે. બાળકની આ ઉમર એટલે નવું નવું જાણવા, શીખવાની ઉમર. અને હું પ્રશ્ન પૂછું કે, આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા મોબાઈલ નહોતા, તો પણ આપણા બધા કામ થઇ જ જતા ને! બાળકો પણ મોટા થતાં જ ને! તો બાળકોને ઘરમાં કે બહાર લઈને નીકળો ત્યારે આજુબાજુની જગ્યાઓ વિષે પરિચિત કરાવો, વૃક્ષો, ફૂલો, વિગેરેથી તેને માહિતગાર કરો, જરૂર છે ત્યારે તેને મોબાઈલ પણ બતાવો.
- અત્યારના સમયમાં પતિ પત્ની બંને વર્કિંગ હોય છે અને મોબાઈલ હવેના સમયમાં અનિવાર્ય બની ગયો છે. છતાં, બને ત્યાં સુધી ઘરમાં આવ્યા પછી મોબાઈલને બાજુ પર મૂકી ને બાળકને સમય આપીએ.
- બાળકે આખો દિવસ શું કર્યું એ માતા પિતાને જણાવવા આતુર હોય છે, એમની સાથે ગપ્પા લડાવવા બાળક તલ પાપડ થાય છે. આવા સમયે માતા પિતાના હાથમાં મોબાઈલ તેમને દુશ્મન જેવો લાગે છે.
- બાળક મોબાઈલ દુર કરવા અને પોતાની વાત કરવા મથે છે. પણ જો હકારાત્મક પ્રતિભાવ ન મળે તો બાળકને લાગવા લાગે છે કે મારા મમ્મી પપ્પાના જીવનમાં મારાથી પણ વધુ આ મોબાઈલ જરૂરી છે. પરિણામ સ્વરૂપે બાળક મોબાઈલ તરફ આકર્ષાય છે. અને ધીમે ધીમે મોબાઈલ ની ટેવ બાળકમાં પણ પ્રવેશે છે.
- આવા સંજોગોમાં બને તેમ ઘરે આવ્યા પહેલા મોબાઈલને લગતું કામ પૂરું કરી લો, જેથી ઘરે આવ્યા પછી સંપૂર્ણ સમય બાળકને આપી શકાય. જમતા જમતા ઘણા લોકો મોબાઈલ જોતા હોય છે, જેનું અનુકરણ બાળક ચોક્કસ કરશે. એના કરતા જમતી વખતે પરિવાર સાથે વાતો કરો, બાળકની વાતો સાંભળો. તમને ગમશે.
- વાહન ચલાવતા ચલાવતા લોકો મોબાઈલમાં વાતો કરે છે, જે કેટલું જોખમી છે! છતાં એ જોખમ અવગણી, ચાલુ વાહને મોબાઈલ પર વાતો ચાલુ રાખી વ્યક્તિ પોતાનું અને સાથેના લોકોનું નુકશાન કરી બેસે છે. *બાળકની હાજરીમાં પણ ચાલુ વાહને મોબાઈલમાં વાતો થતી રહે છે, જે બાળકને ખોટી આદત શીખવે છે. મોબાઈલમાં ઘણી ગેઈમ હોય છે, જે રમવામાં તમે સમય પસાર કરો, પણ બાળક માટે સમય ન હોય, તો બાળક પણ મોટું થશે ત્યારે તેની પાસે તમારા માટે સમય નહિ હોય. આ કડવું સત્ય છે.
- વધુમાં વધુ આઠ થી દસ વર્ષની ઉમર સુધી બાળકને માત્ર અને માત્ર ઘરના લોકોનો સાથ ગમશે. પછી ઘર ઉપરાંત તેનું બહારનું મિત્ર વર્તુળ વધતું જશે. ઉંમર વધતા ભણતર પણ વધશે અને ભણતર તરફની બાળકની જવાબદારી પણ વધશે. એટલે આ જે સમય બાળક સાથે મળે છે એ સુવર્ણ સમય છે. બાળક એટલે શક્તિનો ખજાનો. બાળક સાથે રમવાથી આપણે પણ ફ્રેશ થઇ જઈએ છીએ ને!
બાળકને થોડા સાધન સગવડતા ઓછા આપશો તો ચાલશે મિત્રો, પણ બાળકને સમય પુરતો આપજો. માતા પિતા કે પરિવારજનોના બાળક સાથેના સમયના અભાવે, બાળક મોબાઈલને પોતાનો મિત્ર માની બેસે છે. અને ભવિષ્યમાં આ મિત્ર જ મોન્સ્ટર – રાક્ષસ બની બેસે છે. બાકી, બાળક સાથે ક્વોલીટી સમય પસાર કરજો, વાર્તા કરજો, ગેઈમ રમજો(મોબાઈલ કે વિડીઓ ગેઈમ નહિ હો), અલગ અલગ જગ્યાએ લઇ જજો. અને પછી જોજો, બાળક મોબાઈલને યાદ પણ નહિ કરે. આપણે જ મોબાઈલને જીવન જરૂરિયાતની વસ્તુ નહિ પણ એક સગવડતા ગણીએ અને વિવેક પૂર્વક મોબાઈલનો ઉપયોગ કરીએ. બાળક આપણી આ સારી ટેવ નું અનુકરણ કરીને મોબાઈલથી ચોક્કસ દુર રહેશે અને બાળકમાં મોબાઈલની ટેવ નહિ પડે.