વૈશાખ સુદ પાંચમ એટલે શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જયંતી તથા સુપ્રસિદ્ધ સોમનાથ (પ્રભાસ પાટણ)નો પ્રતિષ્ઠાદિન. દ્વાદશ (બાર) જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ સ્થાને સોમનાથનું નામ આવે છે. તેની પાછળ ખગોળશાસ્ત્રનું ઊંડું જ્ઞાન તથા ગર્ભિત અર્થ જોવા મળે છે. અમાસ પછી ચાંદ્રમાસનું પ્રથમ ચંદ્રદર્શન હંમેશાં પશ્ચિમ દિશામાં થાય છે.
ભારતીય ભૂગોળ રચના પ્રમાણે સમગ્ર દેશમાં સૌપ્રથમ ચંદ્રદર્શન સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ સ્થળે થાય છે. સોમ એટલે જ ચંદ્ર. સોમનાથ એટલે શિવ. જૈન સંસ્કૃતિ પણ સોમનાથને ચંદ્રપ્રભુ સ્વામી તરીકે સ્વીકારે છે. આપણા સંસ્કૃત શ્લોકોમાં તથા સંસ્કૃત સાહિત્યમાં ખગોળશાસ્ત્રનો ઉલ્લેખ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
ઇસવીસનની આઠમી સદીમાં ભારતમાંથી બૌદ્ધ ધર્મ ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યો હતો. તેવા સમયે ભારતના ઉચ્ચ કોટિના દાર્શનિક – તત્ત્વચિંતક શ્રીમદ શંકરાચાર્યજીએ હિન્દુ ધર્મનો પુનરોદ્ધાર કર્યો. માત્ર 32 વર્ષના આયુષ્ય ગાળામાં (ઈ.સ. 788થી 820) સાંસ્કૃતિક વારસામાં ચેતના પ્રગટ કરી. ભારતવર્ષની એકતા માટે ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી.
ભારતનાં બાર (દ્વાદશ) જ્યોતિર્લિંગોમાં પ્રથમ ક્રમે સ્થાન પામેલાં સોમનાથનો વૈશાખ સુદ પાંચમે પ્રતિષ્ઠાદિન છે. સોમનાથના પુન:પ્રતિષ્ઠા કાર્યમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા અને સમર્થ સાહિત્યકાર કનૈયાલાલ મુનશી તથા મોરારજીભાઇ દેસાઇ વગેરે મહાનુભાવોનું મહત્ત્વનું યોગદાન છે.
આજથી આઠસો વર્ષ પહેલાં ગુજરાતમાં વાઘેલા સમ્રાટ અર્જુનદેવના શાસનમાં સોમનાથ પાટણ મહત્ત્વનું બંદર હતું. આ સ્થળે દેશ-પરદેશના વેપારીઓ રહેતા હતા, જેમાં મુસ્લિમો પણ હતા. શિવમાર્ગી વાઘેલા સમ્રાટ અર્જુનદેવના શાસનમાં બંધાયેલી એ પ્રાચીન મસ્જિદમાં સંસ્કૃત શિલાલેખ છે. જેમાં મસ્જિદ માટે `મિજિગતિ’ શબ્દ છે. ઇરાનના હોરમજ બંદર માટે `હર્મુજ’ શબ્દ છે. ઇબ્રાહીમ માટે `અબુ બ્રાહીમ’ તથા નુરુદ્દીન માટે `નોરદિન’ શબ્દ છે. મક્કા માટે `મખા’ શબ્દ વપરાયો છે. સંસ્કૃત ભાષામાં મખ શબ્દ યજ્ઞભૂમિ- પવિત્ર ભૂમિ સૂચવે છે.