ડો.નિલાંબરીબેન દવેની ડીન તરીકેની મુદ્દત પૂરી થતાં કુલપતિ માટે મુંઝવણ ઉભી થઇ
સૌરાષ્ટ્ર યુનિ.માં વિવિધ ડિપાર્ટમેન્ટમાં ૧3 જેટલા ફેકલ્ટી અધ્યક્ષોની મુદત ગઇકાલે પૂરી થઇ ગઇ હતી. હવે નવા અધ્યક્ષ તરીકે અન્ય પ્રોફેસરોને મુકવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલાંબરીબેન દવેનો પણ સમાવેશ થાય છે. ત્યારે અગાઉની સિનિયોરીટી મુજબ ડો.નિલાંબરીબેન દવેને યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે ડીનની મુદત પુર્ણ થતાં હવે યુનિવર્સિટીમાં ફરી કુલપતિ માટેની મુંઝવણ ઉભી થઇ છે અને ચર્ચાય રહ્યું છે કે યુનિ.ને કાયમી કુલપતિ મળશે કે ફરીથી ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવશે.
બીજી બાજુ જો ૨૨મીના રોજ વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ સહિત ૧3 ડીનની મુદત પૂરી થવાની હતી. જેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર સહિતના સત્તાધીશોને ખબર હતી. તો યુનિવર્સિટીના સત્તાધીશોએ આ બાબતે સરકારને જાણ કરી છે કે આ મુદ્દે કોઇ માર્ગદર્શન નહીં માંગ્યુ હોવાનું જાણવા મળ્યું છે. તો તારીખ ૨3મી મેથી તમામ ડીનનું પદ તો જતું રહ્યું છે પરંતુ વર્તમાન ઇન્ચાર્જ કુલપતિનું વીસી તરીકેનું પદ યથાવત રહેશે કે ડીનની સાથે તે પણ રદ થશે તે અંગે હવે સરકારમાંથી શું નિર્ણય આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
અગાઉ સરકારે મુખ્યમંત્રી અગ્રસચિવ, શિક્ષણમંત્રીની સહીવાળા કાગળમાં સિનિયોરીટી પ્રમાણે ડીનને ચાર્જ સોંપવા નિર્ણય કર્યો હતો. જેમાં ડો.નીલાંબરી દવેને ચાર્જ આપવા પણ જણાવ્યું હતું. હવે ૨૨મીએ તમામ ડીનની મુદત પૂરી થઇ ગઇ છે. જેમાં વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ પણ સામેલ છે. હવે તેઓ વીસી રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.


