- ઇરાનમાં શિયા વસતી 90થી 95 ટકા
- પાકિસ્તાનમાં સુન્ની વસતી 90થી 95 ટકા
- બંને દેશોએ સામસામે તલવાર ખેંચી લીધી છે
ઇરાને મંગળવારે પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કરી દીધો, તો પાકિસ્તાને બુધવારે ઇરાન પર વળતો પ્રહાર કરી દીધો. બંને દેશો વચ્ચે તલવાર ખેંચાઈ ચૂકી છે. શિયા બહુમતી ધરાવતા ઇરાને જે પાકિસ્તાનના જે વિસ્તાર પર પ્રહાર કર્યો છે તે બલૂચિસ્તાન-સિસ્તાનનો પ્રદેશ છે. બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ છે તો સિસ્તાન ઇરાનનો સરહદી વિસ્તાર છે. સિસ્તાનમાં પણ બલૂચોનો એક સમુહ રહે છે. બલૂચોના ઇતિહાસને સમનજનારા કહે છે કે તેમની સંસ્કૃતિ ઇરાનની છે. પરંતુ શિયા બહુમતી ધરાવતા ઇરાનમાં બલૂચ પોતાનું ઉત્પીડન થઇ રહ્યું હોવાના આક્ષેપ કરતા રહે છે. જૈશ અલ-અદલ જેવા કેટલાક સંગઠન તો બલૂચિસ્તાન અને સિસ્તાનને એક કરીને અલગ દેશ ઉભો કરવાની વકીલાત કરે છે. પાકિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી જેવા સંગઠન પાકિસ્તાનની સરકાર સામે સશસ્ત્ર બળવો કરતા રહે છે. તો ઇરાનમાં અલ-ફદલ બળવાખોર સંગઠન છે. ઇરાનના આ સંગઠને પાકિસ્તાનના બલૂચ પ્રદેશમાં મથક ઉભું કરેલું છે. અને બલૂચિસ્તાનમાંથી જ પાડોશી ઇરાનના સિસ્તાન પ્રાંતમાં સંગઠન હુમલા કરતું રહે છે.
પાકિસ્તાન સુન્ની બહુમતી ધરાવતો દેશ છે. ઇરાક અને સીરિયાનો આઇએસઆઇએસ આતંકવાદી સમૂહ સુન્ની મુસ્લિમોનો સમૂહ છે. ઇરાને બલૂચિસ્તાનમાં જે અલ-અદલ નામના આતંકવાદી સંગઠનને નિશાન બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો, તે સુન્ની સલાફિસ્ટ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલું છે. ઇઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદ સાથે તે ગાઢ સંબંધ ધરાવે છે. ઇરાને પાકિસ્તાન ઉપરાંત સુન્ની બહુમતી ધરાવતા સીરિયા પર પણ હુમલો કરેલો છે. ઇરાક સાથે તો ઇરાનની જૂની શત્રુતા છે. મોસાદના મથકોને નિશાન બનાવીને ઇરાને ઇરાકમાં પણ વરસાવ્યા છે. ઇરાકમાં આમ તો શિયા અને સુન્નીની સંખ્યા લગભગ બરોબર છે. પરંતુ સંખ્યાબળમાં સુન્ની શિયા પર ભારે પડે છે.
શું છે શિયા-સુન્ની સંઘર્ષ ?
શિયા અને સુન્ની વચ્ચેની લડાઈ તે ઇસ્લામની સૌથી ઘાતક અને જૂની લડાઈ છે. પયગંબર મોહમ્મદની ચિરવિદાય બાદ ઇસ્વીસન 652માં તેમના ઉત્તરાધિકારીને મુદ્દે શરૂ થયેલા જંગના રૂપમાં તેની શરૂઆત થઈ હતી. મોહમ્મદ સાહેબના જમાઈ હઝરતઅલીને અનુસરનારા શિયા કહેવાયા, તો અબુ બકરને અનુસરનારા લોકો સુન્ની કહેવાયા. શિયા મુસ્લિમ દાવો કરી રહ્યા છે કે મોહમ્મદ સાહેબે ચિરવિદાય લીધી તે પહેલાં હઝરતઅલીને લેખિત રીતે ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. સુન્ની સમુદાયનો દાવો છે કે મોહમ્મદ સાહેબે અબુ બકરને અસલી વારસ બનાવ્યા હતા. તે માન્યતાઓએ મુસ્લિમને બે ભાગમાં વહેંચી નાખ્યા. જોકે બંને સમુદાયના મુસ્લિમ કુરાન અને શરિયતને માને છે પરંતુ પયગંબર મોહમ્મદ સંદર્ભમાં અલગ અલગ મત ધરાવે છે. શિયા હઝરત અલીને તો સુન્ની પયગંબર મોહમ્મદને પોતાના ખલિફા માને છે.
ક્યાં કેટલા શિયા અને કેટલા સુન્ની ?
વોશિંગ્ટન ખાતેની થિંક ટેન્ક પ્યૂ રિસર્ચના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાંચ દેશો એવા છે કે જેમાં અડધાથી વધુ વસતી શિયાની છે. તેમાં ઇરાન સૌથી મોખરે છે. અહીં 90થી 95 ટકા વસતી શિયા સમુદાયની છે. તે જ પ્રમાણે અઝરબૈજાન અને બહરીનમાં 65થી 75 ટકા તો ઇરાક અને લેબનોનમાં 45થી 55 ટકા શિયા વસતી છે. તેનાથી વિપરીત પણે પાકિસ્તાનમાં 90થી 95 ટકા વસતી સુન્ની મુસ્લિમની છે. સીરિયા, અફઘાનિસ્તાન, તુર્કી અને સાઉદી અરબમાં સુન્ની મુસ્લિમની વસતી 90 ટકાથી વધુ છે. ઇજિપ્તમાં સુન્ની વસતી 99 ટકા છે.
બલોચ મુદ્દે બંને દેશો આમનેસામને
ઇરાનનું કહેવું છે કે અલ-અદલ સંગઠનના બે થાણાને તેમણે ઉડાવી દીધા છે. પાકિસ્તાનનું કહેવું છે કે બલોચ લિબરેશન આર્મીને ઇરાન સમર્થન આપે છે. આ રીતે બંને દેશો બલોચ મુદ્દે આમને સામને છે. શિયા- સુન્ની મુદ્દે પણ એકતામાં આડે આવે છે. ઇરાન આક્ષેપ કરતું રહ્યું છે કે અલ-અદલ સંગઠનને પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરબ અને અમેરિકા તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. જોકે ઇરાન, જાપાન,ન્યૂઝીલેન્ડ અને અમેરિકા અલ-ફદલ સંગઠન સામે પ્રતિબંધ લાદી ચુક્યા છે.


