- બધા ખેતરે વાડ થઈ જશેના દાવા પણ નાણાં ફાળવણી ઓછી
- 121 કરોડની જોગવાઈ, દરેક જિલ્લામાં માંડ 3.66 કરોડ જ મળી શકે
- નાણાંકીય જોગવાઈ પણ અપૂરતી હોવાનો ખેડૂત આગેવાનો દાવો
રખડતા પશુઓના ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ મળે તે માટે તારની વાડ બનાવવાની યોજના અમલી છે, યોજનાના લાભ માટે આઈ પોર્ટલ ખુલ્લું મુકાયું છે પરંતુ ખેડૂતોની મુશ્કેલી એ છે કે, શરૂ થતાંની બે મિનિટમાં જ સરકારી પોર્ટલ બંધ થઈ જાય છે, એટલું જ નહીં પરંતુ નાણાંકીય જોગવાઈ પણ અપૂરતી હોવાનો ખેડૂત આગેવાનો દાવો કરી રહ્યા છે. સરકારી તંત્રે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
રાજ્ય સરકારે વર્ષ 2023-24ના બજેટમાં જંગલી જાનવરો અને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે તાર ફેન્સિંગ યોજનાની જાહેરાત કરી હતી, જાહેરાત એવી કરી હતી કે જાણે તમામ ખેડૂતોને લાભ મળશે અને બધા ખેતરે વાડ થઈ જશે, પરંતુ વાસ્તવિકતા જુદી છે, વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું રોકવા લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા અને સોલાર ફેન્સિંગ બનાવવા સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતોની સહાય આપવાની યોજનામાં 121 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, હમણાં જ આઈ પોર્ટલ જુદી જુદી તારીખે ખુલ્લું મૂકવાની જાહેરાત કરાઈ હતી, 10 ડિસેમ્બરથી 30 દિવસ સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર વગેરે ખાતે પોર્ટલ ખુલ્લું મુકાશે, ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, સરકારે 121 કરોડની જોગવાઈ કરી છે તે અપૂરતી છે, દરેક જિલ્લાના ભાગે 3.66 કરોડ રૂપિયા મળે તેમ છે, પોર્ટલ શરૂ થતાની સાથે જ બે મિનિટમાં બંધ થઈ જાય છે. આ સમસ્યાનો સરકારે ઉકેલ લાવવો જોઈએ.


