- અમદાવાદ શહેરનું તાપમાન 13 ડિગ્રીથી ઊંચકાઈ 18 ડિગ્રીએ પહોંચ્યું
- રાજ્યનાં 13 શહેરોનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર નોંધાવા લાગ્યું
- વરસાદનું વિઘ્ન ટળતાં ખાસ કરીને ખેડૂતોને રાહત થઈ છે
અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સોમવાર અને મંગળવાર બે દિવસ દરમિયાન હળવો કમોસમી વરસાદ પડવાના એંધાણ હતા પરંતુ વરસાદનું વિઘ્ન ટળતાં ખાસ કરીને ખેડૂતોને રાહત થઈ છે. વરસાદ થયો નથી પરંતુ મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયાં છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું છે. ત્રણ દિવસમાં જ અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 5થી 6 ડિગ્રી જેટલો ઊંચકાયો છે.
અમદાવાદમાં આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ છે, જે સામાન્ય કરતાં 5.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ગત શનિવારના રોજ રાજ્યનાં 12 શહેરોનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચુ નોંધાવા લાગ્યું હતુ, જેમાં 5 ડિગ્રી જેટલો વધારો થઈ ગયો છે.આજે રાજ્યનાં 13 શહેરોનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોચી ગયું છે. વિ.વિ.નગરમાં 18.1, સુરતમાં 19.6, વડોદરામાં 18.2, દમણમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ધરમપુર તાલુકામાં માવઠું
વલસાડ, ધરમપુર : ધરમપુર તાલુકાના અંતરિયાળ અને સરહદીય વિસ્તારોનાં ગામોમાં મંગળવારે વહેલી સવારે 3 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડયો હતો. ધરમપુરના તામછડી આંબા જંગલ, વેરીભવાડા, ઉલસપિંડી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેતરોના ઊભા પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.


