- અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતની ભરપૂર પ્રશંસા કરી
- ક્વાડમાં હિન્દ મહાસાગર વિશે વાત કરી શકીએ છીએ, તે દિશામાં આગળ વધી શકીએ
- ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ક્વાડમાં ભારત
ડ્રાઇવિંગ સીટ પર છે અને ભારતે નક્કી કરવાનું છે કે ક્વાડનું શું કરવાનું છે. ગાર્સેટીએ 17મા જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં હાર્ટ ઓફ ધ મેટર : ક્વાડ અને નવું ઇન્ડો પેસિફિક વિઝન સત્ર દરમિયાન આમ કહ્યું હતું. ગાર્સેટીએ ઇશારામાં સમજાવતાં કહ્યું કે ભારત, ક્વાડમાં ડ્રાઇવિંગ સીટ પર છે અને અમેરિકા તેની બાજુની સીટ પર છે. મને લાગે છે કે જાપાન શરૂઆતથી જ રસ્તો બતાવી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં એવું છે જે કારમાં સૌથી વધારે ઉત્સાહિત થાય છે અને બધાની ખાણીપીણી વિશે પૂછતું રહે છે, અને એમ પણ પૂછે છે કે આપણે ક્યાં જઈએ છીએ.
ગાર્સેટીએ કહ્યું કે હું ઇચ્છું છું કે અમે પણ કોઈક વાર કારની પાછળની સીટ પર બેસીને આરામ કરીએ, પણ તે ભારતે નક્કી કરવાનું છે કે અમે ક્વાડ દ્વારા શું કરવા ધારીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે ક્વાડ એવું કોઈ સંગઠન પણ નથી કે જેમાં બધા જ કોઈ એક વાતે સંમત થઈ જાય. તે કોઈ વાત કરવા માટેનું સ્થાન નથી. અમે હિન્દ મહાસાગર વિશે વાત કરી શકીએ છીએ અને તે દિશામાં આગળ વધી શકીએ છીએ. સાથે જ અંતરિક્ષ પ્રોજેક્ટ પર કામ કરી શકીએ છીએ.
ક્વાડ સંયુક્ત રાષ્ટ્ર કરતાં વધારે સક્ષમ
ગાર્સેટીએ કહ્યું કે ક્વાડ દુનિયા માટે એક મોડલ બની શકે છે. તે મજબૂત અને સ્થાયી છે. તે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી કે સંયુક્ત રાષ્ટ્ર વગેરે કરતાં પણ વધારે પ્રભાવી છે, કેમ કે, આ સંસ્થાઓ પાસે એટલી ક્ષમતા નથી, જેટલી ક્વાડ પાસે છે. દ્વિપક્ષીય સંબંધ હમેશા આકર્ષક હોય છે પણ જો સીધી રીતે વાત થાય તો તે ઘણી વાર નિરસ થઈ જાય છે.


