- 95 રનની લીડ સામે વિન્ડીઝ બીજા દાવમાં 6/73, હેઝલવૂડ 4/18
- મેચના ત્રીજા જ દિવસે પરિણામ આવે તેવી પૂરી સંભાવના છે
- ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 283 રન બનાવ્યા
પેસ બોલર જોશ હેઝલવૂડે બીજી ઇનિંગમાં પણ ઘાતક સ્પેલ નાખીને 18 રનમાં ચાર વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે જ વિજયનો પાયો નાખી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 283 રન બનાવીને પ્રવાસી ટીમ સામે 95 રનની લીડ મેળવી લીધી હતી. જેની સામે વિન્ડીઝ બીજા દિવસની રમતના અંતે બીજા દાવમાં 73 રનના સ્કોરે છ વિકેટ ગુમાવી દીધી હતી અને હજુ તે 22 રનના દેવા હેઠળ છે. સ્ટમ્પના સમયે જોશુઆ ડી સિલ્વા 17 રન બનાવીને રમી રહ્યો હતો. મેચના ત્રીજા જ દિવસે પરિણામ આવે તેવી પૂરી સંભાવના છે.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં મુખ્ય યોગદાન ટ્રેવિસ હેડના 134 બોલમાં 119 રનનું રહ્યું હતું. તેણે 12 બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત ઉસ્માન ખ્વાજાએ 111 બોલમાં 45 તથા નાથાન લાયને 24 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમ માટે ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા શમાર જોસેફે 94 રનમાં પાંચ, કેમર રોચે 49 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.


