- TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદ સભ્યપદ છીનવી લેવાયું
- ગિફ્ટ્સ કે રોકડ મળ્યાના કોઈ જ પુરાવા નથી: મહુઆ મોઈત્રા
- સાંસદ તરીકે મહુઆનું આચરણ અનૈતિક: એથિક્સ કમિટી
કેશ ફોર ક્વેરી કેશમાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદ સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. સંસદ સભ્યપદ છીનવાયા બાદ તેમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે મારા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મે અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આગળ પણ ઉઠાવતી રહીશ. કોઈપણ ભેટ કે રોકડ મળ્યાનો કોઈ પુરાવો નથી.
મહુઆ મોઇત્રાએ કહ્યું કે નિષ્કાસનની ભલામણ માત્ર એ આધાર પર કરવામાં આવી છે કે મેં મારું પોર્ટલ લોગિન શેર કર્યું હતું. તેણે નિયંત્રિત કરવા માટેના કોઈ નિયમો નથી. એથિક્સ કમિટી પાસે નિષ્કાસિત કરવાનો કોઈ અધિકાર નથી. આ ભાજપના અંતની શરૂઆત છે.
એક મહિલા સાંસદને કેટલી હદે હેરાન કરશો?
મહુઆ મોઈત્રાએ કહ્યું કે જો મોદી સરકાર એમ વિચારે છે કે મને ચૂપ કરાવીને અદાણીનો મુદ્દો ખતમ કરી દેશે તો કહી દઉં કે તમે જે ઉતાવળ અને ઉચિત પ્રક્રિયાનો દુરુપયોગ કરો છે તે દર્શાવે છે કે અદાણી તમારા માટે કેટલો મહત્વનો છે. તમે એક મહિલા સાંસદને કેટલી હદ સુધી હેરાન કરશો.
સાંસદ તરીકે મહુઆનું આચરણ અનૈતિક
મહુઆ મોઇત્રાને સંસદ સભ્યપદેથી હટાવવાનો પ્રસ્તાવ પસાર થયા બાદ વિપક્ષના સાંસદોએ સંસદ સંકુલમાંથી વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા થતાં જ TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે વિનંતી કરી કે મહુઆ મોઇત્રાને ગૃહમાં તેમનો પક્ષ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે.
સંસદના સભ્યપદને લઈને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ ગૃહ સમિતિના નિષ્કર્ષને સ્વીકારે છે કે સાંસદ મહુઆ મોઈત્રાનું આચરણ એક સાંસદ તરીકે અનૈતિક અને અશોભનીય હતું. એટલે તેમનું સાંસદ બન્યા રહેવું ઉચિત નથી.
‘3-4 દિવસનો સમય આપ્યો હોત તો આભ ન ફાટી જાત…’
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, જેમ અધીર રંજને કહ્યું, જો અમે આ રિપોર્ટને ધ્યાનમાં લેવા માટે 3-4 દિવસનો સમય આપ્યો હોત અને પછી ગૃહ સમક્ષ અમારો અભિપ્રાય રજૂ કર્યો હોત, તો આભ ન ફાટી જાત. કારણ કે ગૃહ બહુ જ સંવેદનશીલ મામલામાં નિર્ણય લેવા જઈ રહ્યું છે.
શું એથિક્સ કમિટીની પ્રક્રિયા કુદરતી ન્યાયના મૂળભૂત સિદ્ધાંતને ખતમ કરી શકે છે, જે વિશ્વની દરેક ન્યાય પ્રણાલીનો સંગઠિત સિદ્ધાંત છે? અમે સમાચારોમાં વાંચ્યું જેને આરોપી બનાવવામાં આવ્યા તેમને તેમના મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ આપવામાં આવી ન હતી, આ કેવી પ્રક્રિયા છે?


