વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
કોલોન કેન્સરનું નિષ્ણાંતો દ્વારા સચોટ નિદાન
અગ્ર ગુજરાત, રાજકોટ
વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ૭૨ વર્ષીય મહિલા દર્દીની મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા સફળ સારવાર કરવામાં આવી છે, જે વૃદ્ધ દર્દીઓ માટે નવી આશા ઉભી કરે છે. દર્દીને નાના આતરડામાંથી બ્લીડિંગ, સતત નબળાઈ તથા પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનું હિમોગ્લોબિન પ્રમાણ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું હતું. વધુ ક્લિનિકલ મૂલ્યાંકન અને ડાયગ્નોસ્ટિક તપાસ બાદ દર્દીને કોલોન કેન્સર હોવાનું નિદાન થયું.
આ કેસમાં નિષ્ણાત સર્જન ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણીની ટીમ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી. દર્દીની ઉંમર અને નીચા હિમોગ્લોબિનને ધ્યાનમાં રાખીને પ્રાથમિક તબક્કામાં તેમને હોસ્પિટલમાં દાખલ કરી પ્રી-ઓપરેટિવ મેનેજમેન્ટ કરવામાં આવ્યું અને બ્લડ કાઉન્ટને સ્થિર કરવામાં આવ્યા. ત્યારબાદ મિનિમલી ઇન્વેસિવ પદ્ધતિ અપનાવી ડાયગ્નોસ્ટિક લૅપ્રોસ્કોપી સાથે સ્મોલ બાવેલ રિસેક્શન અને D2 LND સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જેમાં કોઈ મોટી જટિલતા નોંધાઈ નહોતી.
સર્જરી બાદ દર્દીની રિકવરી ઝડપી અને સરળ રહી હતી. સર્જરીના બીજા જ દિવસે દર્દી લિક્વિડ ડાયેટ લઈ શકતા થયા તેમજ સ્વયં ચાલવા લાગ્યા હતા. ચોથા દિવસે તેમને સોફ્ટ ડાયેટ પર રાખવામાં આવ્યા અને સંપૂર્ણ રીતે મોબિલાઈઝ કરવામાં આવ્યા, જે મિનિમલી ઇન્વેસિવ સર્જરીના લાભોને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
આ સમગ્ર કેસ દર્શાવે છે કે સમયસર નિદાન, આધુનિક મેડિકલ ટેક્નોલોજી અને મિનિમલી ઇન્વેસિવ સર્જરીના ઉપયોગથી વૃદ્ધ દર્દીઓમાં પણ કોલોન કેન્સરની અસરકારક સારવાર શક્ય બની શકે છે. સાથે જ મલ્ટિડિસિપ્લિનરી અભિગમ, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અને યોગ્ય માનસિક સહાયતા દર્દીના સફળ પરિણામ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.


